Get The App

સંદેશખાલી હિંસાઃ શાહજહાં શેખ સીબીઆઈને સોંપી દો, કલકત્તા હાઈકોર્ટનું આકરું વલણ

ઈડી ટીમ પર હુમલાનો તપાસ રિપોર્ટ CBIને સોંપવા ઈડીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી

ઈડીના વકીલે દલીલ કરી કે, શેખ સામે 40 કેસ પેન્ડિંગ, છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી નહીં

Updated: Mar 5th, 2024


Google NewsGoogle News
સંદેશખાલી હિંસાઃ શાહજહાં શેખ સીબીઆઈને સોંપી દો, કલકત્તા હાઈકોર્ટનું આકરું વલણ 1 - image


SandeshKhali Case : કલકત્તા હાઈકોર્ટે (Calcutta High Court) સંદેશખાલી કેસમાં પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનરજી (CM Mamata Banerjee) સરકાર ને ઝટકો આપી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ટીમ પર હુમલાનો તપાસ રિપોર્ટ સીબીઆઈને સોંપવા આદેશ કર્યો છે. આ ઉપરાંત કોર્ટે શાહજહાં શેખને તુરંત સીબીઆઈને સોંપવા સરકારને આદેશ આપ્યો છે. જોકે સૂત્રો મુજબ મમતા સરકાર હાઈકોર્ટના આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકારવાની તૈયારીમાં છે.

હાઈકોર્ટે ઈડીની અરજી સુરક્ષિત રાખી

થોડા દિવસો પહેલાં જ TMC નેતાના ઠેકાણાઓ પર દરોડા પાડવા ગયેલા ઈડીના અધિકારી પર હુમલો થયો હતો, તેની તપાસ પશ્ચિમ બંગાળ પોલીસ (West Bengal Police)ના હાથમાં છે. જોકે ઈડીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી કે, હુમલાની તપાસ પશ્ચિમ બંગાળ પોલીસ પાસેથી લઈ CBIને ટ્રાન્સફર કરવામાં આવે. ત્યારે આ મામલે કોર્ટે સુનાવણી હાથ ધરી આદેશને સુરક્ષિત રાખ્યો છે અને મમતા સરકારને તપાસ રિપોર્ટ તુરંત સીબીઆઈને સોંપવા આદેશ કર્યો છે.

સંદેશખાલી કેસના તમામ પુરાવા CBIને સોંપાશે

આ મામલે મુખ્ય ન્યાયાધીશ ટી.એસ.શિવગણનમ અને ન્યાયાધીશ હિરણ્મય ભટ્ટાચાર્યની બેંચે સુનાવણી હાથ ધરી હતી. કોર્ટે રાજ્ય પોલીસના સભ્યો સાથે એક એસઆઈટીની રચન કરવાના અગાઉના આદેશને રદ કરી દીધો છે અને રાજ્ય સરાકરને તમામ પુરાવાઓ તુરંત CBIને ટ્રાન્સફર કરવા આદેશ આપ્યો છે. હાઈકોર્ટના આદેશ બાદ હવે નજાત પોલીસ સ્ટેશન અને બોનગાંવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ત્રણે કેસ સીબીઆઈને સોંપવામાં આવશે. કોર્ટે ઈડી અધિકારીઓના હુમલાના કેસમાં રચાયેલી એસઆઈટીને બરતરફ કરી દીધી છે.

ઈડીએ હાઈકોર્ટમાં શું કહ્યું હતું ?

ઈડી તરફથી એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી.રાજુએ કોર્ટમાં દલીલ કરી પશ્ચિમ બંગાળની પોલીસ પર પક્ષપાતીનો આરોપ લગાવ્યો હતો. તેમણે કોર્ટમાં કહ્યું કે, પાંચમી જાન્યુઆરીએ સંદેશખાલીમાં લગભગ 1000 લોકોની ભીડે ઈડીના અધિકારીઓ પર હુમલો કર્યા બાદ ઈડીએ FIR નોંધાવી હતી, ત્યારબાદ જાણીજોઈને શાહજહાં શેખની ધરપકડ કરવામાં આવી. જોકે તેમની સામે 40થી વધુ કેસ વર્ષોથી પેન્ડિંગ છે, તેમ છતાં હજુ સુધી કાર્યવાહી કરાઈ નથી.

મમતા સરકારે શાહજહાં શેખને બચાવવાનો પ્રયાસ કર્યો?

શેખની ધરપકડ બાદ રાજ્ય સરકારે કેસની તપાસ બશીરહાટ પોલીસ પાસેથી લઈ લીધી હતી અને CIDને સોંપી દીધી હતી. જોકે આ બાબતે ઈડીના વકીલે દાવો કર્યો હતો કે, શેખને સીબીઆઈની કસ્ટડીથી બચાવવા આવું કરાયું હતું. કોઈપણ આરોપીની વધુમાં વધુ પોલીસ કસ્ટડી 14 દિવસની હોય છે, તેથી તેમણે તપાસ સીબીઆઈને ટ્રાન્સફર કરી દીધી હતી.

રાશન કૌભાંડ અને સંદેશખાલીનો મામલો શું હતો ?

ઉલ્લેખનીય છે કે, રાશન વિતરણ કૌભાંડ કેસની પૂછપરછ કરવા ઈડીની ટીમ શાહજહાં શેખને હાજર થવા સમન્સ પાઠવવા ગઈ હતી. ઈડીએ દાવો કર્યો છે કે, પશ્ચિમ બંગાળના રાશન વિતરણ કૌભાંડમાં લગભગ 10 હજાર કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. ઈડીએ આ મામલે સૌપ્રથમ બંગાળના પૂર્વ મંત્રી જ્યોતિપ્રિય મલિકની ધરપકડ કરી હતી. કૌભાંડમાં ટીએમસી નેતા શાહજહાં શેખ અને બનગાંવ નગર પાલિકાના પૂર્વ ચેરમેન શંકર આદ્યા પણ સંકળાયેલા હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ ઈડીની ટીમ પાંચ જાન્યુઆરીએ શેખના ઠેકાણાઓ પર દરોડા પાડવા પહોંચી, ત્યારે સંદેશખાલી પહોંચેલી ઈડીની ટીમ પર તેના માણસોએ હુમલો કરી દીધો હતો.


Google NewsGoogle News