હોસ્પિટલમાં તોડફોડ મામલે ભડક્યા મમતા બેનર્જી, કહ્યું- ‘વામ અને રામના કાર્યકર્તાઓએ કરી હિંસા’
West Bengal CM mamata banerjee : કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં એક મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના વિરોધમાં બુધવારે રાત્રે 11:55 વાગ્યે દેશમાં ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા. કોલકાતામાં આયોજિત વિરોધ થોડી જ વારમાં હિંસક બની ગયો હતો અને હિંસક ટોળાએ હોસ્પિટલ પર હુમલો કરી તોડફોડ કરી હતી. હવે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કોલકાતાના આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં થયેલી તોડફોડમાં સીપીઆઇ(એમ) અને ભાજપના કાર્યકર્તાઓ પર આરોપ લગાવી હિંસામાં સામેલ હોવાનો દાવો કર્યો છે.
મમતા બેનર્જીએ શું કહ્યું?
રાજ્યપાલને મળ્યા બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, મને જાણકારી મળે છે કે હિંસામાં સામેલ લોકો રાજ્ય બહારના હતા. વામ અને રામના કેટલાક કાર્યકર્તાઓએ હિંસા કરી હતી. હિંસામાં વિદ્યાર્થીઓની કોઇ ભૂમિકા નથી. હું આ ઘટનાની સખત ટીકા કરૂં છું અને કાલે ફાંસીની સજાની માંગ (બળાત્કાર આરોપીઓ માટે) સાથે એક રેલી કાઢીશ. આ ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. અમે હજુ પણ કહીએ છીએ કે તેને ફાંસી આપવી જોઈએ." .. અમે તમામ દસ્તાવેજો આપી દીધા છે, મારી અને બંગાળની જનતાની સંવેદના પીડિતાના પરિવાર સાથે છે... આ એક મોટો ગુનો છે જેની એક માત્ર સજા એ છે કે આરોપીને ફાંસી આપવામાં આવે, જો ગુનેગારને ફાંસી આપવામાં આવશે તો જ લોકો આમાંથી બોધપાઠ લેશે પરંતુ કોઈ નિર્દોષને સજા ન થવી જોઈએ.
ભાજપ અને ડાબેરીઓ પર આરોપ મુક્યો
મમતા બેનર્જીએ ડાબેરીઓ અને ભાજપ પર તેમની સરકાર વિરુદ્ધ ષડયંત્ર રચવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, "મેં હિંસા કરનારાઓ પાસે ડાબેરીઓ અને ભાજપના ઝંડા જોયા, જે રીતે તેઓએ પોલીસ પર હુમલો કર્યો. મારા એક પ્રભારી અધિકારી એક કલાક સુધી ગુમ રહ્યા. બાદમાં તે ઘાયલ હાલતમાં મળ્યા. અમે ઘણા આંદોલન કર્યા છે પરંતુ હોસ્પિટલની અંદર આવું ક્યારેય કર્યું નથી."
શું છે ઘટના?
કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં એક મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના વિરોધમાં બુધવારે રાત્રે 11:55 વાગ્યે દેશમાં ઘણી જગ્યાએ 'રિક્લેમ ધ નાઈટ' એટલે કે રાત પર નિયંત્રણ મેળવવા બાબતે વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા. આ પ્રદર્શનને આઝાદીની મધ્યરાત્રિમાં મહિલાઓની સ્વતંત્રતા માટેના પ્રદર્શનનું નામ આપવામાં આવ્યું હતું. જો કે, કોલકાતામાં આયોજિત વિરોધ થોડી જ વારમાં હિંસક બની ગયો હતો. અડધી રાતે ત્યાં સ્થિતિ એટલી વણસી ગઈ હતી કે ગુસ્સે ભરાયેલા ટોળાએ બેરિકેડ તોડીને હોસ્પિટલના ઈમરજન્સી વોર્ડમાં ઘૂસી ગયા હતા. ઈમરજન્સી વોર્ડની અંદર બારીઓ, બેડથી લઈને તમામ તબીબી સાધનોની તોડફોડ કરવામાં આવી હતી. હોસ્પિટલની અંદર બનેલી પોલીસ બેરેકને પણ ટોળાએ તોડી પાડી હતી.
આ પણ વાંચોઃ હવે દુશ્મન દેશોની ખેર નહીં, ભારતીય વાયુસેના SAMAR-2નું કરશે ટેસ્ટિંગ, જાણો તેની ખાસિયત
પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા
હોસ્પિટલની બહાર ન્યાયની માંગણી સાથે પહેલા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને પછી થોડી જ વારમાં હજારો લોકો એકઠા થઈ ગયા હતા. આ ટોળાએ અચાનક જ મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી તે ઇમરજન્સી બિલ્ડિંગ પર હુમલો કર્યો હતો. આ બિલ્ડીંગના દરેક ખૂણામાં ઘણા સબૂત છુપાયેલા હતા. પરંતુ રોષે ભરાયેલા ટોળાએ મોડી રાત્રે ઈમારતને જ તોડી પાડી હતી. રોષે ભરાયેલા ટોળાને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કર્યો અને ટીયર ગેસના શેલ છોડ્યા. આ દરમિયાન કેટલાક પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા.