પ. બંગાળમાં તહેનાત કરાશે 40 હજાર જવાન, ચૂંટણી પરિણામ વખતે હિંસાના ભયથી કેન્દ્રનું પગલું

Updated: Jun 4th, 2024


Google NewsGoogle News
પ. બંગાળમાં તહેનાત કરાશે 40 હજાર જવાન, ચૂંટણી પરિણામ વખતે હિંસાના ભયથી કેન્દ્રનું પગલું 1 - image
Image Envato

CAPF Companies positioned in West Bengal:  લોકસભા ચૂંટણી 2024ના પરિણામોનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આવતીકાલે એટલે કે 4 જૂને સવારે 543 બેઠકો પર મતગણતરી હાથ ધરવામાં આવશે. જો કે પરિણામો બાદ કેટલાક રાજ્યોમાં હિંસા ભડકી શકે છે. જેને ધ્યાનમાં રાખીને હિંસા પર કાબુ મેળવવા કેન્દ્ર સરકારે પહેલેથી કડક સુરક્ષા વ્યવસ્થાની શરૂઆત કરી દીધી છે.

પશ્ચિમ બંગાળમાં 400 CAPF કંપનીઓ તહેનાત 

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પશ્ચિમ બંગાળ સહિત ઘણા રાજ્યોમાં સુરક્ષા દળો તહેનાત કરી દીધા છે. જેમાં ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં સ્થિતિ વધુ વણસી શકે તેવી શક્યતાના પગલે સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામા આવી છે. રાજ્યમાં CAPFની 400 કંપનીઓ એટલે કે 40 હજારથી વધુ સૈનિકો તહેનાત કરવામાં આવશે. જે 19 જૂન સુધી પશ્ચિમ બંગાળના વિવિધ જિલ્લાઓમાં ખડેપગે રહેશે. 

અનેક કેન્દ્રીય સુરક્ષા દળો તહેનાત કરવામાં આવશે

રિપોર્ટ પ્રમાણે  400 સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF)ની કંપનીમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF),બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF), સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF),ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ (ITBP) અને સશસ્ત્ર સીમા બલ (SSB) સામેલ હશે. 

ચૂંટણીમાં 900 CAPF કંપનીઓ તહેનાત કરાઈ હતી

જો કે, લોકસભા ચૂંટણી દરમિયાન પશ્ચિમ બંગાળમાં મોટી સંખ્યામાં કેન્દ્રીય સુરક્ષા દળો તહેનાત કરવામાં આવ્યા હતા. પશ્ચિમ બંગાળમાં 19 એપ્રિલથી 1 જૂન સુધી તમામ સાત તબક્કામાં મતદાન થયું હતું. આ સમયગાળામાં CAPFની 900 કંપની એટલે કે 90,000 સૈનિકોની પશ્ચિમ બંગાળમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા.

અન્ય રાજ્યોમાં પણ મોકલવામાં આવ્યા સુરક્ષા દળો

આ ઉપરાંત કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં આ પહેલી લોકસભા ચૂંટણી યોજાઈ હતી. જ્યા શાંતિપૂર્ણ ચૂંટણી થઈ શકે તે માટે કેન્દ્ર સરકારે અહીં 635 CAPF કંપનીઓ તહેનાત કરી હતી. જ્યારે અન્ય રાજ્યોની વાત કરીએ તો છત્તીસગઢમાં 360 CAPF, બિહારમાં 295 અને ઉત્તર પ્રદેશમાં 252 કંપનીઓની નિમણૂંક કરવામાં આવી હતી.


Google NewsGoogle News