'સીબીઆઈ અમારા નિયંત્રણમાં નથી', બંગાળ સરકારની અરજી પર કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આપ્યો જવાબ
Central Government On CBI: પશ્ચિમ બંગાળ સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો કે, 'સીબીઆઈએ ઘણાં મામલામાં તપાસ માટે રાજ્ય સરકારની મંજૂરી લીધી નથી. આ મામલે કેન્દ્ર સરકારે ગુરુવારે (બીજી મે) સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે, 'સીબીઆઈ પર કેન્દ્રનું કોઈ નિયંત્રણ નથી.' નોંધનીય છે કે, પશ્ચિમ બંગાળ સરકારે બંધારણના અનુચ્છેદ 131 હેઠળ કેન્દ્ર સરકાર સામે સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, 'રાજ્યએ સીબીઆઈને આપવામાં આવેલી સામાન્ય સંમતિ પાછી ખેંચી લીધી હોવા છતાં, તપાસ એજન્સી એફઆઈઆર નોંધીને રાજ્યના કેસની તપાસ કરી રહી છે.'
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં શું કહ્યું?
કેન્દ્ર સરકાર તરફથી સુપ્રીમ કોર્ટમાં હાજર થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચ સમક્ષ કહ્યું હતું કે 'બંધારણના અનુચ્છેદ 131એ બંધારણના સૌથી પવિત્ર અધિકારક્ષેત્રોમાંથી એક છે અને તેની જોગવાઈઓ દુરુપયોગ કરી શકાય નહીં. રાજ્ય સરકારના દાવામાં ઉલ્લેખિત કેસ કેન્દ્ર સરકાર દ્વારા દાખલ કરવામાં આવ્યો નથી. આ કેસ કેન્દ્ર સરકાર દ્વારા નહીં પરંતુ સીબીઆઈ દ્વારા નોંધવામાં આવ્યો છે અને સીબીઆઈ ભારત સરકારના નિયંત્રણ હેઠળ નથી.'
સીબીઆઈ બંગાળમાં આ કેસોની તપાસ કરી રહી છે
ઉલ્લેખનીય છે કે,16મી નવેમ્બર 2018માં પશ્ચિમ બંગાળ સરકારે સીબીઆઈને રાજ્યમાં તપાસ કરવાની આપેલી મંજૂરી પાછી ખેંચી લીધી હતી, જેના હેઠળ સીબીઆઈ બંગાળમાં દરોડા કે તપાસ કરી શકતી નથી. સીબીઆઈ પશ્ચિમ બંગાળમાં ઈડીની ટીમ પર થયેલા હુમલાની તપાસ કરી રહી છે. આ ઉપરાંત જાતીય શોષણ, સંદેશખાલીમાં ગેરકાયદે જમીન પચાવી પાડવા જેવા આરોપોની પણ સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તેની સામે બંગાળ સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.