પ. બંગાળના ભાજપ અધ્યક્ષે મહિલાઓ માટે વાંધાજનક શબ્દો વાપર્યા, ગળું દબાવી દેવાની ધમકી આપી
Image Source: Twitter
BJP Leader Dilip Ghosh Threat Woman: પશ્ચિમ બંગાળના ભાજપના પૂર્વ અધ્યક્ષ દિલીપ ઘોષે એક મહિલા પ્રદર્શનકારીનું ગળું દબાવી દેવાની ધમકી આપી છે. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ખડગપુરનો છે. વીડિયો વાયરલ થયા બાદ TMCએ તેની ટીકા કરી છે. આ ઘટના શુક્રવારની છે, જ્યારે દિલીપ ઘોષ ખડગપુરમાં એક રસ્તાનું ઉદ્ઘાટન કરવા માટે ગયા હતા. આ દરમિયાન કેટલીક મહિલાઓએ તેનો વિરોધ કર્યો. મહિલાઓએ એક સાંસદ તરીકે વિસ્તારમાં સક્રિય ન હોવાના કારણે વિરોધ કર્યો. તેમણે કહ્યું કે, જ્યારે તેઓ સાંસદ હતા ત્યારે પોતાના ક્ષેત્રમાં ક્યારેય નહોતા આવતા. તેના પર ભાજપ નેતા દિલીપ ઘોષ ભડકી ગયા.
જાણો સમગ્ર મામલો
એક મહિલાએ કહ્યું કે, 'તમે આટલા સમય સુધી ક્યાં હતા? જ્યારે તમે સાંસદ હતા, ત્યારે અમે તમને એક દિવસ પણ ન જોયા. હવે જ્યારે અમારા કાઉન્સિલરે અહીં રસ્તો બનાવ્યો છે, તો તમે અહીં શું કરી રહ્યા છો?' તમને જણાવી દઈએ કે, ટીએમસીના પ્રદીપ સરકાર હાલમાં વોર્ડ નંબર 6ના કાઉન્સિલર છે. આ દરમિયાન ભાજપ નેતાએ મહિલા પ્રદર્શનકારીઓને ટીએમસી વર્કર ગણાવ્યા. ભાજપના નેતાએ કહ્યું કે, 'મેં આ રસ્તો મારા પૈસાથી બનાવ્યો છે, તમારા પૈસાથી નથી બનાવ્યો. પ્રદીપ સરકારને જઈને પૂછો.'
મામલો ત્યારે વધુ વણસી ગયો જ્યારે ઘોષે કહ્યું કે, 'હું તમારી 14 પેઢીઓનું પાલન-પોષણ કરી લઈશ. હું તમારું ગળું દબાવી દઈશ.' આટલું જ નહીં ઘોષે મહિલા પ્રદર્શનકારીઓને તૃણમૂલના કૂતરા પણ કહ્યા. હવે આ વિવાદ બાદ વિસ્તારમાં તણાવ ફેલાઈ ગયો છે. ત્યારબાદ ખડગપુર ટાઉન પોલીસની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી અને દરમિયાનગીરી કરી હતી.
TMCએ કરી ટીકા
TMCએ ભાજપના નેતાના આ વર્તનની ટીકા કરી છે. તેમણે કહ્યું કે, 'જે ભાષાનો ઉપયોગ પૂર્વ સાંસદ દ્વારા કરવામાં આવ્યો તે અયોગ્ય હતી. હવે જ્યારે ઘોષ સાંસદ નથી તો પછી તેઓ રસ્તાનું ઉદ્ઘાટન કરવા માટે કેમ ગયા?' આ મામલે કાઉન્સિલરે કહ્યું કે, 'તેઓ ત્યાં ગયા અને ગુસ્સે થઈ ગયા. તેમણે મહિલાઓને 500 રૂપિયાના કર્મચારી કહ્યા. તેમણે માફી માંગવી જોઈએ.'