એક યુગનો અંત: કોલકાતાની 150 વર્ષ જૂની ટ્રામ સેવા બંધ થશે, કોઈ ભાવુક થયું તો કોઈ નારાજ
Kolkata Tram Service: કોલકાતામાં ચાલતી ભારતની પહેલી અને એકમાત્ર ટ્રામ સેવા 150 વર્ષ પછી ટૂંક સમયમાં બંધ થશે. રાજ્યના પરિવહન મંત્રી સ્નેહાશિષ ચક્રવર્તીએ આ માહિતી આપી. પરંતુ આ નિર્ણયને કારણે સોશિયલ મીડિયા પર ભારે હોબાળો થયો અને લોકોનું કહેવું છે કે તે શહેરના હેરિટેજનો એક ભાગ છે.
ટ્રામ શા માટે બંધ કરવામાં આવે છે?
પરિવહન મંત્રીએ સ્વીકાર્યું કે 1873માં શરુ થયેલી ટ્રામ કોલકાતાના વારસાનો એક ભાગ ચોક્કસપણે છે. તેમજ પરિવહનમાં તેણે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ચક્રવર્તીએ જણાવ્યું હતું કે, 'ધીમી ગતિથી ચાલતી ટ્રામ પીક અવર્સ દરમિયાન રસ્તાઓ પર ટ્રાફિક જામ કરે છે અને મુસાફરોને પરિવહનના ઝડપી માધ્યમોની જરૂર છે આથી વર્તમાન સમયમાં તેને ચલાવી શકાય નહીં.'
કોલકાતા ટ્રામ યુઝર એસોસિએશને પણ વિરોધ કર્યો
માત્ર નાગરિકો જ નહીં, કોલકાતા ટ્રામ યુઝર એસોસિએશને પણ આ નિર્ણય સામે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા કહ્યું હતું કે, 'વૈશ્વિક સ્તરે 450 થી વધુ શહેરો ટ્રામ ચલાવે છે, અને 70થી વધુ શહેરોમાં ટ્રામ સેવા બંધ કર્યા પછી તેને ફરી શરૂ કરી છે. જેમાં કોલકાતા કરતાં વધુ વસ્તી ગીચતા અને ઓછા રસ્તા ધરાવતાં શહેરોમાં ટ્રામ ફરી શરૂ કરવામાં આવી છે! કોલકાતા તે કેમ ન કરી શકે? ટ્રામની જગ્યા ઓટો અને પાર્કિંગે લીધી છે, આમાં કોના હિત સાધવામાં આવી રહ્યા છે?'
આ પણ વાંચો: ફક્ત આ ચાર શરતો પર જ હટાવી શકાશે લાઇફ સપોર્ટઃ સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી નવી ગાઇડલાઇન
ટ્રામનો મુદ્દો હવે કોલકાતા હાઈકોર્ટમાં પેન્ડિંગ
ચક્રવર્તીએ કહ્યું કે ટ્રામ ચલાવવાનો મુદ્દો હવે કોલકાતા હાઈકોર્ટમાં પેન્ડિંગ હોવાથી રાજ્ય સરકાર આગામી સુનાવણીમાં દલીલ રજૂ કરશે. હાઈકોર્ટે, એક પીઆઈએલની સુનાવણી કરતી વખતે, ગયા વર્ષે 11 ડિસેમ્બરે સૂચવ્યું હતું કે જાહેર-ખાનગી ભાગીદારી (PPP) મોડેલનો ઉપયોગ કોલકાતામાં ટ્રામ સેવાઓને પુનઃસ્થાપિત થઈ શકે છે.
કોલકાતામાં ઘણાં રૂટ પર ટ્રામ સેવાઓ પહેલાથી જ બંધ
કોલકાતામાં ટ્રાફિક ઘટાડવા માટે અમુક રૂટ પર ટ્રામ સેવાઓ પહેલાથી જ બંધ થઈ ચૂકી છે. પરિવહન મંત્રીએ કહ્યું કે, જોકે, હેરિટેજ ટ્રામને મેદાન અને એસ્પ્લેનેડ વચ્ચે ચલાવવામાં આવશે જેથી કરીને લોકો સુખદ અને પર્યાવરણને અનુકૂળ મુસાફરીનો આનંદ લઈ શકે.