વજન ઘટાડતી અને ડાયાબિટીસ કાબુમાં રાખતી આ દવાને ભારતમાં મંજૂરી મળી, જાણો તેના લાભ-ગેરલાભ

Updated: Jul 15th, 2024


Google NewsGoogle News
Weight loss


Weight loss Drug Tirzepatide: ડાયાબિટીસ અને મેદસ્વિતા એ બે એવી તકલીફો છે જે ભારતમાં બહુ વ્યાપકપણે ફેલાયેલી છે. એકવાર શરીરમાં ઘૂસે પછી આ બંને તકલીફોને કારણે બીજી બિમારીઓ પણ લાગુ પડતી હોય છે. આવા માહોલમાં એક એવી દવા માર્કેટમાં આવી રહી છે જે ડાયાબિટીસ અને મેદસ્વિતા બંને પર અસરકારક સાબિત થઈ છે. દવાનું નામ છે 'ટિર્ઝેપેટાઇડ'. ચાલો જાણીએ શું છે આ ટિર્ઝેપેટાઇડ.

શું છે ટિર્ઝેપેટાઇડ?

'ટિર્ઝેપેટાઇડ' એટલે એક પ્રકારની રાસાયણિક દવાઓ. સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) દ્વારા જે દવાઓને ભારતમાં વેચાણ માટે મંજૂરી આપવામાં આવી છે એ છે 'માઉન્ટજારો' અને 'ઝેપબાઉન્ડ'. બંને દવાઓ ટિર્ઝેપેટાઇડના જ બે સ્વરૂપ છે. માઉન્ટજારો 'ટાઇપ ટુ' પ્રકારના ડાયાબિટીસની સારવાર માટે અને ઝેપબાઉન્ડ વજન ઘટાડવા માટેની દવા છે. આ દવાઓ 'પેન' (pre-filled pen) અને 'સિંગલ-ડોઝ શીશી'ના સ્વરૂપમાં મળશે. 

ટિર્ઝેપેટાઇડ કેવી રીતે કામ કરે છે?

ટિર્ઝેપેટાઇડ શરીરમાં બે મહત્વપૂર્ણ હોર્મોન્સ 'GIP' (ગ્લુકોઝ-આધારિત ઇન્સ્યુલિનોટ્રોપિક પોલિપેપ્ટાઇડ) અને 'GLP-1' (ગ્લુકોગન જેવા પેપ્ટાઇડ) ની નકલ કરીને કામ કરે છે. શરીરમાં દાખલ થતાં જ આ દવા અમુક ચોક્કસ પ્રકારના હોર્મોન્સને સક્રિય કરે છે. 

બ્લડ સુગર વધી ગયું હોય એવા સમયે તે સ્વાદુપિંડને વધુ માત્રામાં ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવા માટે ઉત્તેજિત કરે છે. તે યકૃત દ્વારા ઉત્પાદિત સુગરની માત્રા ઘટાડે છે, પાચનક્રિયા ધીમી કરે છે અને મગજને એવા સંકેત મોકલે છે કે પેટ ભરાઈ ગયું છે, જેથી દર્દી ઓછું ખાય છે. 

દવાને લીધે દર્દીના લોહીમાં શર્કરાનું સ્તર નીચું જતાં ડાયાબિટીસ કાબૂમાં રહે છે અને ભૂખ ઓછી થઈ જતાં સ્થૂળ માણસનું વજન ઘટવા લાગે છે. શરીરમાં એકીસાથે બહુવિધ પ્રણાલીઓને પ્રભાવિત કરીને ટિર્ઝેપેટાઇડ ડાયાબિટીસ અને વજનવધારા જેવી બે સમસ્યાઓમાં ફાયદો કરે છે. ઝેપબાઉન્ડ 30 કે તેથી વધુ બોડી માસ ઇન્ડેક્સ ધરાવનારને જ આપવામાં આવે છે.

જાદુઈ છડી નથી ટિર્ઝેપેટાઇડ

ટિર્ઝેપેટાઇડ લેવાથી રાતોરાત ચમત્કાર નથી થવાના. દર્દીઓ તેમની જીવનશૈલીમાં, આહારમાં જરૂરી ફેરફાર કરશે તો જ ટિર્ઝેપેટાઇડ ફાયદો કરશે, નહીંતર એ કોઈ જાદૂઈ છડીની જેમ કામ નથી કરવાની. એનો ઓવરડોઝ પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે. 

ટિર્ઝેપેટાઇડની આડઅસરો 

દરેક દવાની કંઈક આડઅસર તો હોય જ છે. ટિર્ઝેપેટાઇડની પણ છે. જેમ કે…

• ઉબકા આવવા અને ઉલટી થવી

• પેટ ફૂલવું

• પેટમાં દુખાવો થવો

• ચક્કર આવવા

• જરૂર કરતાં વધારે માત્રામાં સુગર ઓછું થઈ જવું

જોકે, ઉપરોક્ત આડઅસરો દવા લેનાર બધાંને થાય જ એવું જરૂરી નથી અને જેને થાય એને પણ શરીર એકવાર દવાથી ટેવાઈ જાય પછી એ આડઅસરો નહીં થાય, એવું બની શકે. 

'મેડ્યુલરી કાર્સિનોમા' નામના થાઇરોઇડ કેન્સરથી પીડિત દર્દીને આ દવા લેવાની છૂટ હોતી નથી. જેના પરિવારમાં કોઈને આ કેન્સર થયું હોય એના માટે પણ આ દવા ઉચિત નથી.

ટિર્ઝેપાટાઇડના સેવન વખતે આ વાત ધ્યાનમાં રાખવી જરૂરી 

• ઓછી કેલરીવાળો ખોરાક ખાવો

• શરીરને ચુસ્ત રાખવા કસરત કે યોગ કરવા કે કોઈ રમતમાં ભાગ લેવો

• ડાયાબિટીસના દર્દીઓએ નિયમિતપણે સુગરની વધ-ઘટ પર ધ્યાન રાખવું

• ચયાપચય-જઠરાંત્રિય (ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ) આડઅસરો બાબતે સજાગ રહેવું 

• પર્યાપ્ત માત્રામાં પ્રવાહી લેતા રહેવું

• ઝડપથી સાજા થઈ જવાની લ્હાયમાં નિયત માત્રા કરતાં વધુ ડોઝ લેવો નહીં

• ડૉક્ટરના સલાહ-સૂચન મુજબ જ આ દવાઓ લેવી

હજુ એક મંજૂરીની જરૂર છે આ દવાને

‘નિષ્ણાત સમિતિ’ દ્વારા ફાર્માસ્યુટિકલ કંપની ‘એલી લિલી એન્ડ કંપની’ (Eli Lilly and Co.)ને ભારતમાં ટિર્ઝેપેટાઇડના આયાત અને વેચાણ માટે લીલી ઝંડી દેખાડી દેવામાં આવી છે, પણ એટલું પૂરતું નથી. એને હજુ સુધી CDSCOની ઓફિશિયલ પરવાનગી અપાઈ નથી. એ મંજૂરી મળશે પછી જ ભારતમાં ટિર્ઝેપેટાઇડ ઉપલબ્ધ થશે. 

કાળા બજારનું કારણ બની છે ટિર્ઝેપેટાઇડ

મેદસ્વિતાથી પીડાતા પશ્ચિમી દેશોમાં વજન ઘટાડવા માટેની ટિર્ઝેપેટાઇડ દવાઓની ભારે માંગ છે. વિદેશમાં વર્ષ 2022થી આ દવાઓ ઉપલબ્ધ છે. એના સેવનથી સારા પરિણામ મળ્યા હોવાથી અમેરિકન અને યુરોપિયન બજારોમાં આ દવાઓ એટલી લોકપ્રિય બની છે કે ડોક્ટરની સલાહ લીધા વિના જ લોકો આડેધડ એનું સેવન કરવા લાગ્યા છે, જેને લીધે એના કાળા બજાર પણ થાય છે.

હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે ભારતના બજારમાં ટિર્ઝેપેટાઇડ કેવી ધૂમ મચાવે છે.

આ પણ વાંચો: ક્યારેય નથી પીધી બીડી-સિગારેટ, છતાં થઈ રહ્યું છે કેન્સર: વાળ કરતાં 100 ગણું પાતળું કણ બન્યું આફત

વજન ઘટાડતી અને ડાયાબિટીસ કાબુમાં રાખતી આ દવાને ભારતમાં મંજૂરી મળી, જાણો તેના લાભ-ગેરલાભ 2 - image



Google NewsGoogle News