દેશના 24 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, ઓડિશામાં પૂર જેવી સ્થિતિ
Monsoon Update: દેશના વિવિધ ભાગોમાં મુશળધાર વરસાદને કારણે પહાડોમાં ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી રહી છે. હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં શુક્રવારે (નવમી ઑગસ્ટ) પહાડ પરથી પડેલા પથ્થરને કારણે એક યુવકનું મોત થયું હતું. બે રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 128 માર્ગો પર વાહનવ્યવહાર થંભી ગયો હતો. પંજાબ અને હરિયાણા સહિત 24 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આગામી સાત દિવસ સુધી ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કરાયું છે.
24 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ અનુસાર, દક્ષિણ-પૂર્વ ઉત્તર પ્રદેશ અને તેની આસપાસના વિસ્તારો, રાજસ્થાન અને દક્ષિણ ઝારખંડમાં ચક્રવાતી પવનો ઓછા દબાણવાળા વિસ્તારની બરાબર ઉપર વહી રહ્યા છે. તેની અસરને કારણે 24 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આગામી સાત દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે. જેમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, જમ્મુ-કાશ્મીર, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા-ચંદીગઢ-દિલ્હી અને મધ્ય પ્રદેશનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન છત્તીસગઢ, ગોવા, મહારાષ્ટ્ર, તેલંગાણા, કેરળ, કર્ણાટક, તટીય આંધ્રપ્રદેશ અને તમામ સાત પૂર્વોત્તર રાજ્યોમાં પણ ભારે વરસાદ પડી શકે છે.
આ પણ વાંચો: ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર હિન્દુઓની ભારે ભીડ : નદીમાંથી થઈને ઘૂસવા પ્રયાસ, દ્રશ્યો ચોંકાવનારા
હિમાચલ પ્રદેશમાં મૃત્યુઆંક 28 પર પહોંચ્યો
હિમાચલ પ્રદેશમાં 31મી જુલાઈની રાત્રે શ્રીખંડ મહાદેવની પહાડીઓ પર વાદળ ફાટવાને કારણે સમેજ અને કુર્પણમાં પૂર આવ્યું હતું. આ ઘટનમાં મૃત્યુઆંક વધીને 28 થઈ ગયો છે. શુક્રવારે શિમલા જિલ્લામાં વધુ છ મૃતદેહ મળી આવ્યા હતા. હાલમાં 30થી વધુ લોકો ગુમ છે, તેમને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. સુન્ની ડેમ સાઇટ પરથી ચાર લોકોના મૃતદેહ પણ મળી આવ્યા છે.
મહાનદીની જળ સપાટીમાં થયો વધારો
ઓડિશાના હીરાકુડ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યા બાદ મહાનદીના જળ સપાટીમાં વધારો થયો છે. જેને લઈને રાજ્યના વિશેષ રાહત કમિશનર સત્યવ્રત સાહુએ 10 જિલ્લાના કલેક્ટરને પૂરને લઈને એલર્ટ કરી દીધા છે. તેમાં સંબલપુર, સોનપુર, અંગુલ, પુરી, કટક, જગતસિંહપુર અને કેન્દ્રપારાનો સમાવેશ થાય છે. હીરાકુડ ડેમમાંથી 5.78 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો એલર્ટ કર્યા છે.