IMDની આગાહી, આ રાજ્યોમાં પહેલા આવશે ચોમાસું, દિલ્હી-યુપીમાં હીટવેવનું એલર્ટ
Weather Update : ભારતમાં ચોમાસાનો પ્રવેશ થઈ ગયો છ અને દેશના અન્ય ભાગોમાં પણ પ્રી-મૉનસૂન ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે. તો બીજીતરફ ઉત્તર પ્રદેશ અને રાજધાની દિલ્હી સહિત કેટલાક રાજ્યોમાં અસહ્ય ગરમી અને હીટવેવની સ્થિતિ જોવા મળી રહી છે. દિલ્હી એનસીઆરમાં પણ લૂના પ્રકોપના કારણે સામાન્ય લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, ત્યારે હવામાન વિભાગે કહ્યું છે કે, અસહ્ય ગરમી અને હીટવેવની સ્થિતિ હજુ થોડા દિવસ સુધી રહેશે. આ ઉપરાંત IMDએ કહ્યું છે કે, ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં 18 જૂન બાદ ભીષણ ગરમીમાંથી રાહત મળી શકે છે.
દક્ષિણ-પશ્ચિમ ચોમાસું અન્ય કેટલાક ભાગો તરફ આગળ વધ્યું
દરમિયાન, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું અન્ય કેટલાક ભાગો તરફ આગળ વધ્યું છે. તે આગામી ચાર-પાંચ દિવસમાં મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઓડિશા, તટીય આંધ્રપ્રદેશ અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીના કેટલાક વધુ ભાગો, પશ્ચિમ બંગાળના ગંગાના મેદાનો, પશ્ચિમ બંગાળના બાકીના ભાગો અને બિહારના ભાગોમાં આગળ વધે તેવી સંભાવના છે. જ્યારે 16 જૂને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં હીટવેવ માટે રેડ એલર્ટ જારી કરાયું છે.
દિલ્હીમાં 16થી 18 જૂન ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગે રાજધાની દિલ્હી, પંજાબ અને હરિયાણાના કેટલાક વિસ્તારોમાં ભીષણ લૂની આગાહી વ્યક્ત કરી ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. દિલ્હીમાં 16 અને 17 જૂને સ્વચ્છ આકાશ, લૂમાંથી ગંભીર લૂની સ્થિતિ, દિવસમાં ઝડપી પવન (પ્રતિ કલાક 30-40ની ગતિ) ફુંકાશે. ત્યારબાદ 18 જૂને લૂની સ્થિતિ સાથે વાદળ છવાયેલું રહેશે. પંજાબ અને હરિયાણાના કેટલાક વિસ્તારોમાં પણ 15થી 18 જૂન સુધી ભીષણ ગરમીની સ્થિતિ રહેશે.
આગામી ત્રણ-ચાર દિવસમાં વરસાદની સંભાવના
આઈએમડીના જણાવ્યા મુજબ આગામી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ અને મેઘાલયમાં ત્રણ-ચાર દિવસમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. આ ઉપરાંત આગામી સાત દિવસ દરમિયાન અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આજથી આગામી ચાર દિવસમાં મેઘાલયના કેટલાક ભાગોમાં અને 17 જૂનથી 19 જૂન વચ્ચે આસામમાં ભારે વરસાદ પડી શકે છે. આગાહી મુજબ કેરળ અને તેલંગાણામાં વરસાદ પડવાની સંભાવના છે, જ્યારે ઓડિશાના કેટલાક ભાગોમાં 18 અને 19 જૂને ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત આગામી ચાર દિવસમાં પશ્ચિમ બંગાળના ગંગાના મેદાનો, બિહાર, ઝારખંડ અને ઓડિશામાં પણ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.