આગામી પાંચ દિવસ 15 રાજ્યમાં ગાઢ ધુમ્મસ, દક્ષિણ ભારતમાં વરસાદની આગાહી
દિલ્હીમાં વિજિબિલિટી ઝીરો પર પહોંચતા 30 ફ્લાઈટો અને 14 ટ્રેનોમાં વિલંબ
નવા વર્ષે પણ કેટલાક રાજ્યોમાં વાદળછાયા વાતાવરણ ઉપરાંત વરસાદ પડવાની સંભાવના
નવી દિલ્હી, તા.26 નવેમ્બર-2023, મંગળવાર
IMD Cold Wave Forecast : હવામાન વિભાગે દેશના 15 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ તેમજ દક્ષિણ ભારતમાં વરસાદની આગાહી કરી છે. ઉત્તર મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ઓડિશા, ઉત્તરાખંડ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ અને ત્રિપુરામાં આજથી આગામી 5 દિવસ એટલે કે 30 ડિસેમ્બર સુધી ગાઢ ધુમ્મસ છવાશે. આ રાજ્યોમાં વિઝિબિલિટી રેંજ 50 મીટરે પહોંચવાની સંભાવના છે. જ્યારે દિલ્હી, પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને ઓડિશાના કેટલાક વિસ્તારોમાં વિઝિબિલિટી ઝીરો પર પહોંચી ગઈ છે.
દક્ષિણ ભારતમાં વરસાદની આગાહી
હવામાન વિભાગે દક્ષિણ ભારતમાં વરસાદ પડવાની પણ આગાહી કરે છે. IMDએ જણાવ્યું કે, કેરળ, માહે, તમિલનાડુ, પુન્ડુચોરી, કરાઈકલ અને લક્ષદ્વીપમાં આજથી આગામી 5 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
નવા વર્ષે વરસાદની સંભાવના
હવામાન નિષ્ણાતોના મત મુજબ વર્ષના છેલ્લા દિવસે એટલે કે 31 ડિસેમ્બરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટીવ થશે, જેના કારણે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને તમિલનાડુમાં વાદળછાયા વાતાવરણ ઉપરાંત વરસાદ પડવાની સંભાવના છે. આ સિસ્ટમની અસર 2 જાન્યુઆરી સુધી રહેશે. આ દરમિયાન ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતના રાજ્યોમાં વરસાદ પડવાની શક્યતા છે.
દિલ્હી એરપોર્ટ પર 30 ફ્લાઈટોમાં વિલંબ
દિલ્હીના પાલનમાં આજે સવારે 5.30 કલાકે ઝીરો વિઝિબિલિટી નોંધાઈ છે. ઓછી વિજિબિલિટીના કારણે પાલમના IGI એરપોર્ટ પર 30 ફ્લાઈટોમાં વિલંબ થયો છે. સવારે 6થી 10 વાગ્યા સુધીમાં 11 ફ્લાઈટોને જયપુર અને એક વિમાનનો લખનઉ ડાયવર્ટ કરાઈ. રેલવેએ કહ્યું કે, ગાઢ ધુમ્મસના કારણે દિલ્હી આવનારી 14 ટ્રેનોમાં પણ વિલંબ થયો છે.