દિલ્હી, યુપીથી લઈને એમપી સુધી આકાશમાંથી વરસી આગ, રાજસ્થાનમાં ગરમીનો 25 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો
Today Weather : દેશભરના ઘણા રાજ્યોમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશથી લઈને રાજસ્થાન સુધી આકાશમાંથી આગ વરસી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ હાલ ગરમીમાં રાહત મળવાની કોઈપણ શક્યતા દેખાતી નથી, પરંતુ 29 મેએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી ગરમીમાં આંશિક રાહત મળી શકે છે.
રાજસ્થાનના ચુરુમાં ગરમીનો પારો 50 ડિગ્રીને પાર
દેશમાં સૌથી વધુ ગરમીનો સામનો રાજસ્થાન (Rajasthan)ના રહેવાસીઓ કરી રહ્યા છે. રાજ્યના ઘણા જિલ્લાઓમાં લૂનો પ્રકોપ અનુભવાઈ રહ્યો છે. આજે (28 મે)એ રાજસ્થાનના ચુર (Churu)માં મહત્તમ તાપમાન 50.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જ્યારે ગંગાનગરમાં 49.4, પિલાનીમાં 49, ફલોડીમાં 49, બીકાનેરમાં 48.3, કોટામાં 48.2, જેસલમેરમાં 48, જયપુરમાં 46.6 અને બાડમેરમાં 46 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે.
પિલાનીમાં ગરમીનો 25 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો
રાજસ્થાનના પિલાનીમાં ગરમીનો 25 વર્ષ જૂનો રેકોર્ડ (Highest Temperature Record) તૂટી ગયો છે. આજે પિલાનીનું અત્યાર સુધીનું સૌથી વધુ મહત્તમ તાપમાન 49 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. આ પહેલા વર્ષ 1999માં પિલાનીમાં 48.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ચુરુમાં વર્ષ 2019માં સૌથી વધુ 50.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ત્યારે આ સિઝનમાં ચુરુમાં પહેલીવાર 50.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશમાં પણ અસહ્ય ગરમીનો પ્રકોપ
પંજાબ (Punjab) અને હરિયાણા (Haryana)ના લોકો પણ ગરમીથી તોબા પોકારી ગયા છે. પંજાબના બઠિંડામાં આજે 49.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. પંજાબના હિસારમાં 49.3 અને સિરસામાં 50.3 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. જ્યારે મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના ઘણા જિલ્લાઓમાં તાપમાન 47 ડિગ્રી પાર પહોંચી ગયું છે. રાજ્યના નિવાડીમાં 48.5, દતિયામાં 48.4, રીવામાં 48.2, ખજુરાહોમાં 48 અને ગ્વાલિયરમાં 47.6 ડિગ્રી તાપમાન નોંધાયા લોકો તોબા પોકારી ગયા છે.
દિલ્હીના અસહ્ય લૂનો પ્રકોપ
દિલ્હી (Delhi)માં આજે મોટાભાગના વિસ્તારોમાં લોકો અંગ દઝાડતી ગરમી અને લૂનો સામનો કરી રહ્યા છે. કેટલાક સ્થળએ તો ભીષણ લૂ પડી રહી છે. અહીં મુંગેશપુરમાં 49.9, નફઝગઢમાં 49.8, નરેલામાં 49.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે, જે અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન છે. મુંગેશપુર અને નરેલામાં નોંધાયેલું તાપમાન દિલ્હીના ઈતિહાસમાં અત્યાર સુધીમાં નોંધાયેલું સૌથી વધુ તાપમાન છે.
ઉત્તર પ્રદેશમાં આકરી ગરમી
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)માં આ દિવસોમાં આકરી ગરમી પડી રહી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં તાપમાન 47 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. આજે ઝાંસીમાં 49, પ્રયાગરાજમાં 48.2, વારાણસીમાં 47.6 અને કાનપુરમાં 47.6 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું.
• દેશભરમાં પ્રચંડ હીટવેવ વચ્ચે હવામાન વિભાગે આપી ખુશખબર, આ તારીખે ચોમાસાની પધરામણી
• ચોમાસુ નિકોબાર પહોંચ્યું, 31 મેએ કેરળ પહોંચશે, જાણો ગુજરાત સહિતના રાજ્યોમાં ક્યારે કરશે પધરામણી
• Explainer: આ વખતે કાળઝાળ ગરમીની આગાહી કેમ થઈ રહી છે?, વાંચો દરેક સવાલના જવાબ