હવામાનમાં પલટો : ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી વચ્ચે વરસાદની આગાહી
ખરાબ હવામાનના કારણે ટ્રેનો મોડી પડતા 20 હજાર ટિકિટો રદ, રેલવેને સવા કરોડનું નુકસાન
દિલ્હીમાં પાંચ વર્ષમાં પહેલી વખત નવ દિવસથી સૂર્યના દર્શન દુર્લભ
- રાજસ્થાનના સિકરમાં બે ડિગ્રી, સિરોહીમાં 4.1 ડિગ્રી તાપમાન, કાશ્મીરમાં કોલ્ડ વેવની સ્થિતિ, દાલ લેક થીજી ગયું
નવી દિલ્હી : ઉત્તર ભારતમાં હાડ થીજાવતી ઠંડી વચ્ચે ફરી એક વખત હવામાનમાં પલટો આવવાની સંભાવના છે. હવામાન વિભાગના અહેવાલ મુજબ ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં ૮થી ૧૦ જાન્યુઆરી વચ્ચે વરસાદ પડવાની સંભાવના છે. બીજીબાજુ રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં શનિવારે હળવુ ધુમ્મસ છવાયેલુ હતું.
દિલ્હીમાં ૨૭ ડિસેમ્બરથી ઠંડી વધવાના કારણે ૯ દિવસથી દિલ્હી સહિત નવ શહેરોમાં સૂર્યના દર્શન દુર્લભ થયા છે. અહીં પાંચ વર્ષ પછી આવી સ્થિતિ જોવા મળી છે. વધુમાં ધુમ્મસના કારણે અનેક ટ્રેનોના પરીવહન પર અસર થઈ છે, જેને પગલે ૨૦ હજાર ટિકિટો રદ થતા રેલવેને અંદાજે સવા કરોડનું નુકસાન થયું છે.
રાજધાની દિલ્હીમાં ગાઢ ધુમ્મસના કારણે દિલ્હીમાં સૂર્ય ઢંકાઈ ગયો છે, જેથી ઠંડી વધી ગઈ છે. દિલ્હીમાં ૨૫ ડિસેમ્બરથી ઠંડીમાં વધારો થયો છે. જેને પગલે દિલ્હીવાસીઓ માટે નવ દિવસથી સૂર્યના દર્શન દુર્લભ થઈ ગયા છે. દિલ્હી ઉપરાંત એનસીઆર, લખનઉ, કાનપુર, પ્રયાગરાજ, ઝાંસી, વારાણસીમાં પણ આવી જ સ્થિતિ છે. હરિયાણા અને પંજાબમાં પણ ઠંડી વધતા સૂર્યપ્રકાશ ઘટી ગયો છે અને મોટાભાગનો સમય વાતાવરણમાં ધુમ્મસ છવાયેલું રહે છે.
દરમિયાન કાશ્મીરમાં હાલ ૪૦ દિવસના આકરા શિયાળાના સમય 'ચિલ્લાઈ-કલાન'નો દૌર ચાલી રહ્યો હોવાથી હાડ થીજાવતી ઠંડી પડી રહી છે, જેથી અનેક સ્થળો પર તાપમાન સરેરાશ કરતાં ચાર ડિગ્રી સુધી ઘટી ગયું છે. હાડ થીજાવતી ઠંડીના કારણે વિશ્વ વિખ્યાત દાલ લેક તેમજ અન્ય સરોવરો પર બરફની ચાદર પથરાઈ ગઈ છે. કાશ્મીરના કોકેરનાગમાં લઘુત્તમ તાપમાન માઈનસ ૨.૯ ડિગ્રી નોંધાયું હતું. એ જ રીતે રાજસ્થાનમાં પણ પારો ગગડતા ઠંડીનું સામ્રાજ્ય છવાયું છે. રાજસ્થાનમાં શનિવારે સિકરમાં લઘુત્તમ તાપમાન બે ડિગ્રી નોંધાયું હતું, જે રાજ્યમાં સૌથી નીચું હતું જ્યારે સિરોહીમાં ૪.૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે, ઉત્તર ભારતમાં આકરી ઠંડી વચ્ચે આગામી સમયમાં હવામાનમાં પલટો આવવાની સંભાવના છે. ઉત્તર પશ્ચિમ અને મધ્યમ પશ્ચિમમાં ૮થી ૧૦ જાન્યુઆરી વચ્ચે વરસાદ પડી શકે છે જ્યારે ક કેટલાક રાજ્યોમાં કરા પડશે, જેથી ઠંડીનું સામ્રાજ્ય વધી શકે છે. પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન સહિત ઉત્તર-પશ્ચિમ ભારતમાં હજુ બે દિવસ સુધી ગાઢ ધુમ્મસ છવાયેલુ રહેશે.
ઉત્તર ભારત હાલ ગાઢ ધુમ્મસથી ઘેરાયેલું હોવાથી ટ્રેનોના પરીવહન પર અસર પડી છે. ઉત્તર ભારતના રાજ્યોમાં વિઝિબિલિટી ઘટતા ૨૨થી વધુ ટ્રેનોની ગતિ ધીમી પડી છે તેમજ કેટલાક સ્થળો પર ટ્રેનો રદ કરવાની સ્થિતિ સર્જાઈ છે. ટ્રેનો ધીમી પડતા અંદાજે ૨૦ હજાર જેટલી કન્ફર્મ ટિકિટો રદ થઈ છે, જેથી રેલવેને અંદાજે સવા કરોડનું નુકસાન થયું છે. આગામી સમયમાં હજુ આ સ્થિતિ રહેવાની શક્યતા છે.