ખતરનાક થયું વાવાઝોડું 'મિધિલી', આ રાજ્યોમાં 24 કલાકમાં પડશે ભારે વરસાદ, પ.બંગાળમાં ઈમરજન્સીની સ્થિતિ
80 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી વાવાઝોડું બાંગ્લાદેશ દરિયાકિનારે થતા સુંદરવનથી પસાર થશે
પશ્ચિમ બંગાળમાં વાવાઝોડાના કારણે ઈમરજન્સીની સ્થિતિ બની
બંગાળની ખાડીમાં બનેલા લો-પ્રેશરના કારણે પશ્ચિમ બંગાળથી લઈને ઓડિસા સુધી મિધિલી વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું કે, તેના કારણે 80 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી આ બાંગ્લાદેશ દરિયાકિનારે થતા સુંદરવનથી પસાર થશે. તેથી પશ્ચિમ બંગાળ અને ઓડિસાના દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. પશ્ચિમ બંગાળમાં વાવાઝોડાના કારણે ઈમરજન્સીની સ્થિતિ બની ગઈ છે. સરકારે તેના માટે તમામ તૈયારીઓ કરવાનું શરૂ કરી દીધું છે. હવામાન વિભાગે ઓરેન્જ અલર્ટ જાહેર કરી દીધું છે.
હવામાન વિભાગે જણાવ્યું કે, વાવાઝોડું મિધિલી સવારે 5:30 વાગ્યે ઉત્તર પશ્ચિમ બોર્ડર પર ઓડિસા પારાદીપથી 190 કિલોમીટર પૂર્વ અને પશ્ચિમ બંગાળના દીધાથી 200 કિલોમીટર અને ખેપુપારાથી 220 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં કેન્દ્રિત છે. IMDએ જણાવ્યું કે, મિધિલી વાવાઝોડું ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધતા મોડી રાત્રે અથવા 18 નવેમ્બર સવારે બાંગ્લાદેશના ખેપુપારા દરિયાકિનારે સ્પર્શ કરશે.
અહીં થશે ભારે વરસાદ
ભારતીય હવામાન વિભાગે જણાવ્યું કે, આ વાવાઝોડાના કારણે પશ્ચિમ બંગાળ અને ઓડિસામાં આ વાવાઝોડું વધુ અસર નહીં કરે પરંતુ દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની પૂર્ણ સંભાવના છે. પશ્ચિમ બંગાળના જિલ્લા ઉત્તર 24 પરગના, દક્ષિણ 24 પરગના, હાવડા, પૂર્વી મેદિનપુર અને કોલકાતા 20થી 110 મિલીમીટર વરસાદ પડી શકે છે. આ વાવાઝોડું ઓડિસાના દરિયાકિનારાથી 150 કિલોમીટર દૂરથી પસાર થશે. અહીં કેટલાક જિલ્લાઓમાં વરસાદ જોવા મળી શકે છે.
માછીમારોને દરિયામાં ન જવા સૂચના
હવામાન વિભાગે 18 નવેમ્બર સુધી માછીમારોને દરિયામાં ન જવા માટે સૂચના આપી છે. પશ્ચિમ બંગાળ અને ઓડિસાના દરિયાકિનારાના વિસ્તારોમાં હવાની ગતિ અને તોફાન અસર કરશે. તેવામાં ખતર પેદા થઈ શકે છે. વાવાઝોડાના કારણે દરિયાકિનારાના વિસ્તારોના રોડને નુકસાન થઈ શકે છે. ઓડિસાના વિશેષ રાહત આયોગે જિલ્લા અધિકારીઓને અલર્ટ રહેવા આદેશ આપી દીધો છે.
માલદીવમાં રખાયું વાવાઝોડાનું નામ 'મિધિલી'
ભારતીય હિંદ મહાસાગરમાં વાવાઝોડાનું નામ 13 દેશ વારફરતી રાખે છે. જેમાં ભારત, સાઉદી અરબ, બાંગ્લાદેશ, માલદીવ, મ્યાંમાર, ઓમાન, પાકિસ્તાન, થાઈલેન્ડ, શ્રીલંકા, ઈરાન, કતાર, UAE અને યમન સામેલ છે. આ વખતે માલદીવનો વારો હતો. તમામ દેશોએ મળીને 25 વર્ષ સુધી વાવાઝોડાના નામની યાદી પહેલાથી તૈયાર કરી છે.