દેશમાં ચોમાસાની વિદાય થતા જ 'લા-નીના'ની અસર થશે, ડિસેમ્બર-જાન્યુઆરીમાં પડશે તીવ્ર ઠંડી
Weather Forecast: દેશમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, લા નીનાની અસર ચોમાસાના છેલ્લા અઠવાડિયામાં અથવા ચોમાસા બાદ જોવા મળશે. જો શિયાળાની શરૂઆત પહેલાં લા-નીનાની સ્થિતિ સર્જાય તો ડિસેમ્બરના મધ્યથી જાન્યુઆરી સુધી તીવ્ર ઠંડી પડશે. હવામાન વિભાગનો અંદાજ છે કે સપ્ટેમ્બરથી નવેમ્બર દરમિયાન લા નીનાની અસર થવાની સંભાવના 66 ટકા છે. નવેમ્બરથી જાન્યુઆરી 2025 દરમિયાન શિયાળામાં ઉત્તર ગોળાર્ધમાં તેની શક્યતા 75 ટકાથી વધુ છે.
લા નીનાની અસરમાં વિલંબ
હાલમાં, પશ્ચિમ પેસિફિક મહાસાગરમાં સપાટીનું તાપમાન સરેરાશ કરતા વધારે છે, જ્યારે પૂર્વીય પેસિફિક મહાસાગરમાં તાપમાન સરેરાશની નજીક અથવા નીચે રહે છે. IMD અનુસાર, બંને છેડે તાપમાન વચ્ચેનો તફાવત શૂન્યની નજીક હોવાથી,લા નીનાની અસરમાં વિલંબ થયો છે.
આ પણ વાંચો: 2008થી પણ મોટી તબાહી! નેપાળથી બિહાર સુધી નદીઓ ગાંડીતૂર, ગામ બન્યા ટાપુ, હજારો લોકો ફસાયા
લા નીના શું છે?
લા નીના અને અલ નીનો બંને સમુદ્રી અને વાતાવરણીય ઘટના છે જે સામાન્ય રીતે એપ્રિલથી જૂન વચ્ચે શરૂ થાય છે અને ઓક્ટોબરથી ફેબ્રુઆરી વચ્ચે વધુ મજબૂત બને છે. જો કે આ સ્થિતિ સામાન્ય રીતે 9થી 12 મહિનાની વચ્ચે રહે છે, તો કેટલીકવાર તે બે વર્ષ સુધી પણ રહે છે. લા નીનામાં એક પરિસ્થતિનું નિર્માણ થાય છે જેમાં મહાસાગરની સપાટી પર હવાનું દબાણ ઓછું થાય છે. જેના કારણે દરિયાની સપાટીનું તાપમાન નોંધપાત્ર રીતે ઘટે છે અને તેની અસરના ભાગરૂપે વિશ્વભરનું તાપમાન ઘટે છે અને વધુ ઠંડી પડે છે.