ભારત નિષ્પક્ષ દેશ બને પછી જ અનામત ખતમ કરવા વિચારી શકાય: અમેરિકામાં રાહુલ ગાંધી
Rahul Gandhi Statements on Reservation In USA: લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે, જ્યારે ભારત નિષ્પક્ષ દેશ બનશે, ત્યારે કોંગ્રેસ પક્ષ અનામત દૂર કરવા વિચારશે, જે હાલ શક્ય નથી. રાહુલ ગાંધીએ વોશિંગ્ટન ડીસીના પ્રતિષ્ટિત જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે વાત કરતાં આ નિવેદન આપ્યું હતું.
આદિવાસીઓને રૂ.100માંથી માત્ર 10 પૈસા મળે છે
રાહુલ ગાંધીને સવાલ પુછવામાં આવ્યો હતો કે, અનામત ક્યાં સુધી રહેશે, જેના જવાબમાં તેમણે કહ્યું કે, જ્યારે ભારત નિષ્પક્ષ બનશે, ત્યારે અમે અનામત દૂર કરવા અંગે વિચારીશું. અને ભારત નિષ્પક્ષ નથી. આપણે નાણાકીય આંકડાઓને જોઈએ તો, આદિવાસીઓને રૂ. 100માંથી 10 પૈસા જ મળે છે, દલિતોને રૂ. 100માંથી રૂ. 5 મળે છે અને ઓબીસીને પણ તેટલા જ મળે છે. પરંતુ વાસ્તવમાં તેમને તેમનો હિસ્સો મળી રહ્યો નથી.
ભારતનો 90 ટકા હિસ્સો ભાગીદારી કરવા સક્ષમ નથી
રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓ સાથે આગળ કહ્યું કે, સમસ્યા એ છે કે, ભારતનો 90 ટકા હિસ્સો ભાગીદારી કરવા સક્ષમ નથી. ભારતના દરેક કારોબારી નેતાની યાદી જોઈએ તો મને આદિવાસીનું નામ, દલિતનું નામ અને ઓબીસીનું નામ જોવા મળશે નહીં. મને લાગે છે કે, ટોચના 200માંથી એક ઓબીસી છે, ભારતમાં ઓબીસી 50 ટકા છે, પરંતુ આપણે આ લક્ષણનો ઈલાજ કરી રહ્યા નથી. હવે અનામત એકમાત્ર સાધન નથી, અન્ય સાધનો પણ છે.
રાહુલ ગાંધીએ યુનિફોર્મ સિવિલ કોડ પર કોઈ ટિપ્પણી ન કરી
યુનિફોર્મ સિવિલ કોડ વિશે પૂછવામાં આવતા રાહુલ ગાંધીએ કહ્યું કે ભાજપનો પ્રસ્તાવ શું છે તે જાણ્યા પછી જ તેઓ તેના પર ટિપ્પણી કરશે. તેમણે કહ્યું કે, ભાજપ યુનિફોર્મ સિવિલ કોડનો પ્રસ્તાવ કરી રહી છે. અમે તેને જોયો નથી. અમને ખબર નથી કે તેઓ શેના વિશે વાત કરી રહ્યાં છે. અમારા માટે આ અંગે ટિપ્પણી કરવાનો અર્થ નથી. જ્યારે તેઓ તેને લાવશે, ત્યારે અમે તેને જોઈશું અને તેના પર ટિપ્પણી કરીશું.