વક્ફના નામે પચાવી પાડેલી જમીનો પાછી લઈશું, સનાતન ધર્મ હજારો વર્ષોનો વારસો : CM યોગી
Yogi Aditynath on Waqf Land News | ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે ભારતની સનાતન ધર્મ અંગેની જે માન્યતા છે તે વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિ છે. સનાતન ધર્મની સરખામણી અન્ય કોઇ પણ ધર્મ કે સંપ્રદાય સાથે ના થઇ શકે. હજારો વર્ષોની વિરાસત મારી પાસે છે. આ દરમિયાન યોગીએ અન્ય એક મોટી જાહેરાત કરી હતી, તેમણે દાવો કર્યો હતો કે વકફના બહાને લઇ લેવામાં આવેલી એક ઇંચ જમીન પણ બક્ષવામાં નહીં આવે, આવી તમામ જમીનોને સરકાર પાછી લેશે.
લખનઉમાં એક ખાનગી ન્યૂઝ ચેનલના કાર્યક્રમ મહા કુંભ મહાસમ્મેલનમાં બોલતી વખતે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે સનાતન ધર્મની પરંપરા આકાશ કરતા પણ વિશાળ છે, તેની સરખામણી અન્ય સાથે ના થઇ શકે. વકફ બોર્ડ અંગે કેન્દ્ર સરકાર બિલ લાવી છે એવામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ મોટી ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે ખરેખર આને વકફ બોર્ડ કહેવુ કે લેન્ડ માફિયાઓનું બોર્ડ કહેવુ તે મુશ્કેલ છે. વકફના નામે જે પણ જમીનને ગેરકાયદે પચાવી પાડવામાં આવી છે તેની તપાસ સરકાર કરી રહી છે, અમે આ માટે વકફ કાયદામાં પણ સુધારા કર્યા છે.
યોગીએ જણાવ્યું હતું કે વકફના નામે પચાવી પાડવામાં આવેલી એક ઇંચ જમીન પણ નહીં છોડીએ, આવી તમામ જમીનને પાછી લેવામાં આવશે. તાજેતરમાં ચાલી રહેલા ખોદકામ અને મંદિર-મસ્જિદના વિવાદો અંગે વાત કરતા યોગી આદિત્યનાથે કહ્યું હતું કે જુના ઘાવની સારવાર માટે સર્જરીની જરૂર પડે છે.
જો જુના ઘાવની સારવાર ના કરવામાં આવી તો તે કેન્સર બની જાય છે. તેનું નિદાન કરાવવું અત્યંત જરૂરી છે. કેન્સર થઇ ગયા પછી ગમે એટલી વખત કીમોથેરાપી ને રેડિયોથેરાપી કરાવો કેન્સર ઠીક નથી થતું. એક વખત સારી રીતે સારવાર કરવામાં આવી પછી કોઇ સારવારની જરૂર નહીં પડે.