બેઝમેન્ટમાં તો મેટ્રો પણ ચાલે છે; દિલ્હીમાં UPSC વિદ્યાર્થીઓના કમોત મામલે વિકાસ દિવ્યકીર્તિની અટપટી દલીલ
Image:Twitter
Delhi coaching center: દિલ્હીના જુના રાજેન્દ્ર નગર સ્થિત રાવ કોચિંગ સેન્ટરના ભોંયરામાં એકાએક પાણી ભરાઈ જતા UPSCના ત્રણ વિદ્યાર્થીઓના કમોત થયા છે. આ ઘટનાને લઈને વિદ્યાર્થીઓ સહિત રાજકીય નેતાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જોકે આ સમગ્ર ઘટના મામલે મૌન જાળવવા બદલ સોશિયલ મીડિયા પર આઈડલ બનીને રહેતા અને વીડિયોમાં લોકોને અઢળક સલાહો આપતા નજરે પડતા દૃષ્ટિ કોચિંગના ડાયરેક્ટર વિકાસ દિવ્યકીર્તિ પણ નિશાના પર આવી ગયા છે. અંતે તેમણે પોતાનું મૌન તોડ્યું અને એક નિવેદન જારી કર્યું છે. આ સિવાય તેમણે એક ઈન્ટરવ્યુ પણ આપ્યું છે જેમાં દિવ્યકીર્તિએ મોડેથી જવાબ આપવા બદલ માફી માંગી અને સમજાવ્યું કે કોચિંગ સેન્ટરો અંગેના કાયદામાં કેવી વિસંગતતાઓ છે.
UPSC ઉમેદવારના આ પ્રકારના મોતની ઘટના બાદ દિલ્હીના અનેક કોચિંગ સેન્ટરોના બેઝમેન્ટને સીલ કરી દેવામાં આવ્યા છે અને તેમાં દૃષ્ટિ કોચિંગ ક્લાસ પણ સામેલ છે. આ મામલે હવે વિકાસ દિવ્યકીર્તિએ સફાળા જાગીને જાહેરાત કરી છે કે, તેઓ ક્યારેય બેઝમેન્ટમાં કોચિંગ ક્લાસ નહીં ચલાવે.
જોકે સામે પક્ષે દલીલ કરતા તેમણે કહ્યું કે, મેટ્રોથી લઈને મોલ સુધી અનેક સંસ્થાઓ અને ઈમારતો બેઝમેન્ટમાંથી જ ચાલી રહી છે. તેમણે કહ્યું, 'આજકાલ બેઝમેન્ટને લઈને ઘણી નારાજગી જોવા મળી રહી છે. આ વ્યાજબી પણ છે. અમે પણ સંમત છીએ કે બેઝમેન્ટ સીલ કરવું જોઈએ પરંતુ દિલ્હી મેટ્રો બેઝમેન્ટમાં અને અંડરગ્રાઉન્ડમાં ચાલે છે. પાલિકા માર્કેટ માત્ર ભોંયરામાં જ છે. દિલ્હીના લગભગ દરેક મોલમાં બેઝમેન્ટમાં મોટા શોપિંગ કોમ્પ્લેક્સ છે, લાખો લોકો ત્યાં ખરીદી કરે છે કારણકે ત્યાં ભોંયરું યોગ્ય રીતે બનાવવામાં આવ્યું છે.’
પોતાના કોચિંગ ક્લાસ અંગે તેમણે કહ્યું કે, 'કોમર્શિયલ મોલ તરફથી અમને વારંવાર ખાતરી મળી હતી કે બેઝમેન્ટ યોગ્ય રીતે બનાવવામાં આવ્યું હતું. કોમર્શિયલ કામકાજ માટે તેમણે એનઓસી મેળવવા ડીડીએમાં અરજી કરી છે પરંતુ તે કેમ ન મળ્યું તે બાબતે પણ વિચારવું જોઈએ. કારણકે ડીડીએ માને છે કે, આ કામ એમસીડીનું છે અને એમસીડી માને છે કે આ કામ ડીડીએનું છે. હવે DDAએ હાઈકોર્ટમાં કહ્યું છે કે, અમે MCDને સત્તા આપી રહ્યાં છીએ. આવતીકાલની સુનાવણી પછી MCD કાં તો અમને પરવાનગી આપશે અથવા આ ક્લાસ બંધ કરવા માટે કહેશે. એકમાત્ર બેઝમેન્ટના નામે જ ચારેકોર આજકાલ નેગેટીવ વાતો ફેલાવવામાં આવી રહી છે. અમે આ બેઝમેન્ટનું સંપૂર્ણ લેઆઉટ સ્ટ્રકચર MCD, DDA અને ફાયર સર્વિસને આપ્યું છે; હજી સુધી કોઈ રિજેક્શન નથી આવ્યું. તેમાં સાત મોટા-મોટા ફાયર એક્ઝિટ પણ છે.’
વિકાસ દિવ્ય કીર્તિએ કહ્યું કે, અમે આ મામલે હવે સજાગ બન્યાં છીએ અને નિર્ણય લીધો છે કે, ભવિષ્યમાં ક્યારે બેઝમેન્ટમાં કોચિંગ નહીં કરીએ. દિવ્ય કીર્તિએ કહ્યું, 'છેલ્લા ત્રણ દિવસમાં બનેલી ઘટનાઓ જોયા પછી અમને સમજાયું કે, આ બેદરકારી છે. આ વાત આજદિન સુધી અમારા મગજમાં ક્યારેય નહોતી આવી. હું પબ્લિકલી કહી રહ્યો છું કે, ભવિષ્યમાં જો અમને પરવાનગી મળી જશે તો પણ અમે ક્યારેય ભોંયરામાં કોચિંગ નહીં ચલાવીએ.’