Get The App

બરાબરના ગુસ્સે થયા ખડગે, ધનખડ પર કર્યા અનેક આક્ષેપ, કહ્યું- ‘તેઓ ધમકી પણ આપે છે’

Updated: Dec 12th, 2024


Google NewsGoogle News
બરાબરના ગુસ્સે થયા ખડગે, ધનખડ પર કર્યા અનેક આક્ષેપ, કહ્યું- ‘તેઓ ધમકી પણ આપે છે’ 1 - image


Mallikarjun Kharge Attack On Jagdeep Dhankhar : સંસદમાં ચાલી રહેલું શિયાળુ સત્ર ભારે ધમાસાણ સાથે પસાર થઈ રહ્યું છે. બંને ગૃહોમાં અનેક મુદ્દે ભારે હોબાળો જોવા મળી રહ્યા છે. આ દરમિયાન વિરોધ પક્ષોએ તાજેતરમાં જ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને તેના પર 60 સાંસદોએ સહીઓ કરેલી છે. વિપક્ષનું કહેવું છે કે, અમારી પાસે બહુમતી છે, પરંતુ આ અવિશ્વાસ પ્રસ્તાવ પસાર કરવામાં સફળતા નહીં મળે. બીજીતરફ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ ભારે ગુસ્સો થયા છે અને તેમણે ધનખડ પર ગંભીર આક્ષેપ કર્યા છે.

ખડગેએ શું કહ્યું ?

ખડગેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહ્યું છે કે, ‘લોકશાહી હંમેશા બે પૈડા પર ચાલે છે. એક પૈડું સત્તા પક્ષનું છે, બીજું વિપક્ષનું... બંનેની જરૂર છે. જ્યારે ગૃહનું સત્ર ચાલુ હોય ત્યારે જ દેશ સાંસદોના મંતવ્યો સાંભળે છે. 16 મે-1952ના રોજ રાજ્યસભામાં અધ્યક્ષ તરીકે પ્રથમ અધ્યક્ષ ડૉ. રાધાકૃષ્ણને સાંસદોને કહ્યું હતું કે "હું કોઈ પક્ષનો નથી અને તેનો અર્થ એ છે કે હું ગૃહમાં દરેક પક્ષનો છું. તમારા કાર્યકાળ દરમિયાન નિષ્પક્ષતાની આ પરંપરા સંપૂર્ણપણે ખંડીત થઈ ગઈ છે. સંસદ એ લોકશાહીનું પોષણ ગૃહ છે. 

વિપક્ષનો અવાજ દબાવવાનો નિયમ બની ગયો છે : ખડગે

તેમણે કહ્યું કે, ‘સંસદ એ સંસદીય મર્યાદાનો અરીસો છે. સંસદ એ સત્તાની જવાબદારી નક્કી કરવાની જગ્યા છે. જોકે આજના સમયમાં રાજ્યસભામાં વિપક્ષનો અવાજ દબાવવો સંસદીય પ્રક્રિયાનો નિયમ બની ગયો છે. સંસદની મર્યાદાઓ અને નૈતિકતા આધારિત પરંપરાઓનું ઉલ્લંઘન કરવાનો નિત્યક્રમ બની ગયો છે. લોકશાહીને કચડી નાખવાના અને સત્યને પરાજિત કરવાના પ્રયાસો અવિરત ચાલુ રહે છે.’

આ પણ વાંચો : 'ધનખડનું વલણ પક્ષપાતી, તેઓ ખુદ પોતાને RSSના એકલવ્ય કહે છે...' કોંગ્રેસ અધ્યક્ષ ખડગે બગડ્યાં

‘અમે ઝૂકીશું પણ નહીં અને દબાઈશું પણ નહીં’

ખડગેએ કહ્યું કે, ‘અમે બંધારણના સૈનિકો અને રક્ષક હોવાથી અમારો સંકલ્પ વધુ મજબૂત બની જાય છે. અમે ઝૂકીશું પણ નહીં, દબાઈશું પણ નહીં અને મૌન પણ નહીં રહીએ. અમે બંધારણ, સંસદીય ગરિમા અને લોકશાહીની રક્ષા માટે બલિદાન આપવા હંમેશા તૈયાર રહીશું. પરંતુ આ શક્તીઓએ મને આજે સંસદમાં સત્ય બોલતા અટકાવ્યો હતો.’

‘અધ્યક્ષ સતત વિપક્ષને ટોકતા રહે છે’

તેમણે કહ્યું કે, ‘સભ્યોને સંસદમાં તેમના વિચારો વ્યક્ત કરવાનો સંપૂર્ણ અધિકાર છે. પરંતુ અધ્યક્ષ સતત વિપક્ષને ટોકતા રહે છે અને તેમને તેમના મુદ્દા પૂર્ણ કરવાની તક આપતા નથી. તેઓ કારણ વગર વિપક્ષ પાસે પ્રમાણીકરણ કરણ માગે છે, જ્યારે સત્તાધારી પક્ષના સભ્યો, મંત્રીઓ અને વડાપ્રધાનને કંઈપણ બોલવા દે છે. તેઓ ગૃહમાં જૂઠાણું બોલે કે ફેક ન્યૂઝ ફેલાવે, તેમને બોલવા દેવામાં આવે છે, ક્યારેક અટકાવતા નથી, જ્યારે વિપક્ષના સભ્યોને મીડિયા અહેવાલોના પુરાવા રજૂ કરવાનું કહેવામાં આવે છે અને જો આમ ન કરીઓ તો કાર્યવાહી કરવાની ચીમકી આપી હતી.’

આ પણ વાંચો : દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે પહેલી યાદી જાહેર કરી, 21 ઉમેદવારોના નામનું એલાન

‘અધ્યક્ષે તેમની સત્તાનો દુરુપયોગ કર્યો’

કોંગ્રેસ અધ્યક્ષે વધુમાં કહ્યું કે, ‘અધ્યક્ષે તેમની સત્તાનો દુરુપયોગ કર્યો છે અને સભ્યોને ઘણી વખત સસ્પેન્ડ કર્યા છે. સત્ર પૂરું થયા પછી પણ કેટલાક સભ્યોનું સસ્પેન્શન ચાલુ રહ્યું, જે નિયમો અને પરંપરાઓ વિરુદ્ધ હતું. અધ્યક્ષે ઘણી વખત ગૃહની બહાર પણ વિપક્ષી નેતાઓની ટીકા કરી છે. તેઓ અવારનવાર ભાજપની દલીલોનું પુનરાવર્તન કરે છે અને વિપક્ષ પર રાજકીય ટીપ્પણીઓ કરે છે. તેમણે આ મહાન પદનો દુરુપયોગ કરીને, પદ પર બેસી રાજકીય વિચારધારા RSSના વખાણ કર્યા અને એમ પણ કહ્યું કે ‘હું પણ RSSનો એકલવ્ય છું’ આ નિવેદન બંધારણની ભાવનાનું ઉલ્લંઘન છે.’

‘અધ્યક્ષ ગૃહમાં અને ગૃહની બહાર સરકારની ચાપલુસી કરે છે’

તેમણે કહ્યું કે, ‘અધ્યક્ષ ગૃહમાં અને ગૃહની બહાર સરકારની ચાપલુસી કરતા જોવા મળે છે. વડાપ્રધાનને મહાત્મા ગાંધી સાથે સરખાવવું, અથવા વડા પ્રધાનની જવાબદારીની માગણીને ખોટી ગણવી, આ બધું આપણે જોયું છે. જો વિપક્ષ વોકઆઉટ કરે, તો તેના પર પણ ટિપ્પણી કરે છે. વોકઆઉટ સંસદીય પરંપરાનો એક ભાગ છે. તેઓ વિપક્ષી સભ્યોના ભાષણોના ભાગોને મનસ્વી રીતે કાઢી નાખે છે. એટલું જ નહીં નેતાઓ પણ મનમાની કરીને વિપક્ષના ભાષણના મહત્વના ભાગોને કાઢી નાખવાની સૂચનાઓ આપી રહ્યા છે. જ્યારે સત્તાધારી પક્ષના સભ્યોના અત્યંત વાંધાજનક નિવેદનો રેકોર્ડમાં રહેવા દેવામાં આવે છે.’

આ પણ વાંચો : 'માત્ર હેરાનગતિને જ આત્મહત્યા માટે ઉશ્કેરણી ન માની શકીએ', સુપ્રીમ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

‘સંસદ ટેલિવિઝનનું કવરેજ સંપૂર્ણ એકતરફી’

ખડગેએ કહ્યું કે, ‘અધ્યક્ષે નિયમ 267 હેઠળ કોઈ ચર્ચા કરવાની મંજૂરી આપી નથી. વિપક્ષના સભ્યોને નોટિસ વાંચવા પણ દેવામાં આવતી નથી. જ્યારે છેલ્લા ત્રણ દિવસથી સત્તાધારી પક્ષના સભ્યોને નામથી બોલાવીને નિયમ 267 હેઠળ નોટિસ પર બોલાવે છે. અધ્યક્ષના કાર્યકાળ દરમિયાન સંસદ ટેલિવિઝનનું કવરેજ સંપૂર્ણપણે એકતરફી છે. મોટાભાગે માત્ર ખુરશી અને સત્તાધારી પક્ષના લોકો જ બતાવવામાં આવે છે. વિપક્ષના કોઈપણ આંદોલનને બ્લેકઆઉટ કરી દેવામાં આવે છે. જ્યારે વિપક્ષી નેતા બોલે ત્યારે કેમેરા ખુરશી પર રાખવામાં આવે છે. સંસદ ટીવીના પ્રસારણના નિયમો મનમાની રીતે બદલી નાખવામાં આવ્યા છે. જનરલ પર્પઝ કમિટી (GPC)ની મીટીંગ વગર બદલવામાં આવ્યા છે. વિપક્ષના સભ્યોને હવે મંત્રીઓના નિવેદનો પર સવાલ પૂછવાની છૂટ નથી. રાજ્યસભામાં નિવેદનો પર સ્પષ્ટીકરણની પરંપરા હતી, તે પણ બંધ થઈ ગઈ છે.’


Google NewsGoogle News