Get The App

કેજરીવાલને દિલ્હીના મુખ્યમંત્રી બનાવીશું : શપથ બાદ આતિશી

Updated: Sep 22nd, 2024


Google NewsGoogle News
કેજરીવાલને દિલ્હીના મુખ્યમંત્રી બનાવીશું : શપથ બાદ આતિશી 1 - image


- આતિશી દિલ્હીના સૌથી યુવા વયના મુખ્યમંત્રી બન્યા

- કેજરીવાલ હવે જેલમાંથી બહાર આવી ગયા છે, ભાજપના કાવતરા સફળ નહીં થવા દઇએ : સીએમ આતિશી 

નવી દિલ્હી : આતિશીએ શનિવારે દિલ્હીના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા, શપથ ગ્રહણ કર્યા બાદ આતિશીએ કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલને ફરી દિલ્હીના મુખ્યમંત્રી બનાવવાના છે. દિલ્હી એક્સાઇઝ લિકર કેસમાં જામીન પર છૂટયા બાદ કેજરીવાલે જનતા સમક્ષ પોતાને પ્રામાણિક પુરવાર કરવા માટે મુખ્યમંત્રીપદ છોડયું હતું. જે બાદ આતિશીને આ પદ સોંપાયું છે. 

આતિશીએ શપથ ગ્રહણ કર્યા બાદ કહ્યું હતું કે હું તમને ખાતરી આપુ છું કે કેજરીવાલ હવે જેલમાંથી જામીન પર છૂટીને બહાર આવી ગયા છે, અમે ભાજપના એક પણ કાવતરાને સફળ નહીં થવા દઇએ. મારા માટે આ ભાવુક કરનારી ક્ષણ છે કેમ કે અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી પદ પર નથી રહ્યા. કેજરીવાલ તમામ લોકોની પિડા જાણે છે, તમામ લોકોને મફત સારવારની સેવા આપી, સરકારી શાળાઓના વિદ્યાર્થીઓના જીવનધોરણને સુધારવા કામ કર્યું, મહિલાઓને બસમાં મફત મુસાફરીની સુવિધા આપી. 

આતિશી હવે ૨૬થી ૨૭ સપ્ટેમ્બરના રોજ યોજાનારા વિશેષ સત્રમાં પોતાની સરકારની બહુમતિ સાબિત કરશે. વિશ્વની પ્રતિષ્ઠિત યુનિ.ઓમાં સામેલ ઓક્સફર્ડથી આતિશીએ શિક્ષણ પ્રાપ્ત કર્યું છે, ભારત પરત ફર્યા બાદ આતિશીએ સમાજ સેવા શરૂ કરી હતી, ૨૦૧૦માં તેમની મુલાકાત આપના નેતા મનિષ સિસોદિયા સાથે થઇ હતી, બાદમાં આપના ભ્રષ્ટાચાર વિરોધી કેમ્પેઇનમાં તેઓ સામેલ થયા હતા, સિસોદિયા શિક્ષણ મંત્રી હતા ત્યારે આતિશી તેમના સલાહકાર બન્યા હતા, દિલ્હીની શિક્ષણ વ્યવસ્થામાં સુધારામાં આતિશીનું મોટુ યોગદાન હોવાનો આપના નેતાઓ દાવો કરતા આવ્યા છે. હવે દિલ્હીની કમાન તેમના હાથમાં આવી છે.


Google NewsGoogle News