'હું વડાપ્રધાન મોદી સાથે ગમે ત્યાં વન-ટુ-વન ડિબેટ કરવા તૈયાર...' રાહુલ ગાંધીએ સ્વીકાર્યો પડકાર
ત્રણ તબક્કા બાદ મોદી-અમિત શાહની ચિંતા વધી, વિકાસના મુદ્દા છોડી બિનજરૂરી આરોપો લગાવવા લાગ્યા : ખડગે
Lok Sabha Elections 2024 | લોકસભાની ચૂંટણીમાં માહોલ ગરમાઇ રહ્યો છે, બે પૂર્વ જજો અને એક વરીષ્ઠ પત્રકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને સામસામે ડિબેટ માટે આમંત્રણ આપ્યું હતું, રાહુલ ગાંધીએ આ આમંત્રણનો સ્વીકાર કરી લીધો છે. સાથે જ પડકાર ફેંકતા કહ્યું હતું કે હું કોઇ પણ મંચ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ડિબેટ (ચર્ચા) કરવા માટે તૈયાર છું. નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીને સામસામે ચર્ચા કરવા માટે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ મદન ભીમરાવ લોકુર, દિલ્હી હાઇકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ અજીત પી. શાહ અને વરીષ્ઠ પત્રકાર એન. રામ દ્વારા પત્ર લખીને આમંત્રણ અપાયું છે. જેનો હાલ રાહુલે સ્વીકાર કરી લીધો છે.
રાહુલ ગાંધીએ આ આમંત્રણને સ્વીકારતા કહ્યું હતું કે હું નરેન્દ્ર મોદી સાથે ડિબેટ માટે તૈયાર છું, પણ મને ખાતરી છે કે નરેન્દ્ર મોદી મારી સાથે ડિબેટ કરવા તૈયાર નહીં થાય. લખનઉમાં એક કાર્યક્રમમાં રાહુલે વધુમાં કહ્યું હતું કે હું ૧૦૦ ટકા કોઇ પણ મંચ પર જનતાના મુદ્દાઓને લઇને નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરવા માટે તૈયાર છું. પરંતુ હું મોદીને જાણુ છું, તેઓ ૧૦૦ ટકા મારી સાથે ડિબેટ કરવા માટે તૈયાર નહીં થાય. જો મોદી મારી સાથે ડિબેટ કરવા તૈયાર ના હોય તો કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે ડિબેટ કરી શકે છે.
નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી બન્ને એકબીજા પર ઉદ્યોગપતિ અદાણી-અંબાણી પાસેથી કરોડો રૂપિયા લીધા હોવાના આરોપો લગાવી રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કહ્યું હતું કે જો ઇન્ડિયા ગઠબંધનની કેન્દ્રમાં સરકાર બનશે તો સરકાર ગરીબો, મજૂરો, બેરોજગાર યુવાઓને એટલી જ રકમ આપશે જેટલી રકમ મોદીએ અદાણી અને અંબાણીને આપી છે. મોદીએ અગાઉ દાવો કર્યો હતો કે કોંગ્રેસે અદાણી-અંબાણી સાથે ડીલ કરી છે તેથી હાલ બન્ને પર કઇ બોલતી નથી.
જેનો જવાબ આપતા રાહુલે કહ્યું હતું કે છેલ્લા ૧૦ વર્ષમાં મોદીએ અદાણી અને અંબાણીના નામનો ઉલ્લેખ નથી કર્યો. જોકે હવે મોદી બન્નેના નામો લેવા લાગ્યા છે. મોદીજી કહી રહ્યા છે કે ઇન્ડિયા ગઠબંધને મને ઘેરી લીધો છે, હું હારી રહ્યો છું, અદાણી-અંબાણીજી મને બચાવો. સાથે દાવો કર્યો હતો કે ઉત્તર પ્રદેશમાં ઇન્ડિયા ગઠબંધનનું વાવાઝોડુ આવી રહ્યું છે, નરેન્દ્ર મોદી ફરી વડાપ્રધાન નહીં બને. કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે ત્રીજા તબક્કા બાદ અમિત શાહ અને નરેન્દ્ર મોદીની ચિંતા વધી ગઇ છે. જેને કારણે તેઓ વિકાસના નામે મત માગવાના બદલે રાહુલ ગાંધીને શેહઝાદા કહીને અપમાન કરવાનો પ્રયાસ કરવા લાગ્યા છે. ત્રણ તબક્કા પૂર્ણ થયા બાદ તેમની ચિંતા વધી ગઇ છે અને હવે મોદી-શાહ ભાજપના ચૂંટણી ઢંઢેરા પર કોઇ વાત નથી કરતા. સાથે જ ખડગેએ મોદીને જુઠો કા સરદાર કહ્યા હતા.