સાબરમતી રિવરફ્રન્ટની જેમ યમુના રિવરફ્રન્ટ બનાવીશું', દિલ્હી ચૂંટણી માટે ભાજપનો ત્રીજો સંકલ્પ પત્ર જાહેર
Delhi Election 2025: દિલ્હી ચૂંટણીને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 25 જાન્યુઆરી 2025 શનિવારે સંદર્ભે ભાજપનો ઢંઢેરો બહાર પાડ્યો. તેમણે યમુનાની ગંદકી સાફ કરવાનું વચન આપ્યું છે. આ ઉપરાંત તેમણે અનધિકૃત વસાહતોના માલિકી અધિકારો, કામદારો માટે જીવન વીમો અને યુવાનોને નોકરી આપવાનું વચન આપ્યું છે.
અમિત શાહે કહ્યું કે, 'આજે હું દિલ્હી ચૂંટણી માટે ભાજપના ઠરાવનો છેલ્લો ભાગ રજૂ કરી રહ્યો છું. હું કોઈ અન્ય કોઈ પાર્ટીનું નામ નહીં લઉં. અમે જે વચનો આપીએ છીએ, તે પૂર્ણ કરીએ છીએ. આ સંકલ્પ પત્ર ઘણા લોકોના સૂચનો પછી તૈયાર કરવામાં આવ્યો છે.' ગૃહમંત્રીએ કહ્યું, '1700 અનધિકૃત વસાહતોને સંપૂર્ણ માલિકી હકો આપવામાં આવશે. દિલ્હીમાં 13000 દુકાનો સીલ કરવામાં આવી છે, તે 6 મહિનાની અંદર ફરીથી ખોલવામાં આવશે. શરણાર્થી વસાહતોમાં ભાડાપટ્ટે આપેલી જમીન પર માલિકી હકો આપવામાં આવશે.'
માન્યતા પ્રાપ્ત મીડિયાકર્મીઓ અને વકીલોને 10 લાખ સુધીનો વીમો
આ ઉપરાંત વધુ વાત કરતાં અમિત શાહે કહ્યું, 'અમે દિલ્હીમાં એક ભવ્ય મહાભારત કોરિડોર વિકસાવીશું. માન્યતા પ્રાપ્ત મીડિયાકર્મીઓ અને વકીલોને 10 લાખ રૂપિયા સુધીનો જીવન વીમો અને 10 લાખ રૂપિયા સુધીનો આરોગ્ય અને અકસ્માત વીમો આપીશું.'
આ પણ વાંચો : દેશના 93 જવાનો માટે વીરતા પુરસ્કારની જાહેરાત, બે યોદ્ધાઓને મળશે કીર્તિ ચક્ર
અમે યમુના પર રિવરફ્રન્ટ બનાવીશું : અમિત શાહ
અમિત શાહે કહ્યું કે, ભાજપની સરકાર આવ્યા પછી અમે સાબરમતી રિવર ફ્રન્ટની જેમ યમુના રિવર ફ્રન્ટનું નિર્માણ કરીશું. અને આ કામ ત્રણ વર્ષમાં પૂર્ણ કરી દઈશું. તેમણે અરવિંદ કેજરીવાલ પર કટાક્ષ કરતા કહ્યું કે, ' કેજરીવાલે કહ્યું હતું કે, 7 વર્ષમાં હું યમુનાને સંપૂર્ણપણે સ્વચ્છ બનાવીશ અને દિલ્હીના લોકોની સામે હું યમુનામાં ડૂબકી લગાવીશ. હું કેજરીવાલજીને યાદ કરાવવા માંગુ છું કે, કેજરીવાલજી દિલ્હીના સૌથી શક્તિશાળી વ્યક્તિ છે. દિલ્હીના લોકો તમારા વિશ્વ પ્રસિદ્ધ ડૂબકીની રાહ જોઈ રહ્યા છે, તમે ક્યારે ડૂબકી લગાવશો.'
હું ત્રણ વર્ષ પછી યમુનામાં ડૂબકી લગાવવા કેજરીવાલને આમંત્રણ આપું છું
તેમણે કહ્યું કે, 'અમે ત્રણ વર્ષમાં યમુનાને સાફ કરી દઈશું અને સાબરમતી રિવરફ્રન્ટની જેમ રિવરફ્રન્ટ વિકસાવીશું. હું અરવિંદ કેજરીવાલ અને તેમના પરિવારને ત્રણ વર્ષ પછી યમુનામાં ડૂબકી લગાવવા આમંત્રણ આપું છું.'