ચીનને રોકવા ભારત સાથે જેવલિનથી લઈને સ્ટ્રાઈકર જેટ બનાવીશું : વેન્સ
- અમેરિકા-ભારતે વેપાર સોદાની શરતોને અંતિમરૂપ આપ્યું
- ભારત એફ-35 સહિત વધુ સૈન્ય ઉપકરણો, ઊર્જા ઉત્પાદનો ખરીદે, અમેરિકા પાસે વ્યાપક પ્રાકૃતિક સંશાધનો : ઉપપ્રમુખ
જયપુર : ભારતના ચાર દિવસના પ્રવાસે આવેલા અમેરિકન ઉપપ્રમુખ જેડી વેન્સે મંગળવારે જયપુરમાં અમેરિકા અને ભારત વચ્ચે દ્વિપત્રીય સંબંધો, વેપાર પર ચર્ચાની સાથે ચીનનું નામ લીધા વિના તેના પર હુમલો પણ કર્યો હતો. તેમણે કહ્યું ભારત-અમેરિકાની ભાગીદારીથી વિદેશી આક્રમણકારીઓને રોકવામાં મદદ મળશે. તેમણે કહ્યું બંને દેશ સાથે મળીને જેવલિનથી લઈને સ્ટ્રાઈકર જેટ બનાવશે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભરપૂર પ્રશંસા કરી હતી અને તેમને લોકતાંત્રિક દુનિયાના સૌથી લોકપ્રિય નેતા ગણાવ્યા હતા.
અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સે જયપુરમાં એક કાર્યક્રમમાં કહ્યું કે, અમેરિકા અને ભારત હાઈ ટેક્નોલોજી, સંરક્ષણ, વેપાર અને ઉર્જા સહિત વિવિધ ક્ષેત્રમાં સાથે મળીને ઘણું બધું હાંસલ કરી શકે છે. બંને દેશ સાથે મળીને જેવલિનથી લઈને સ્ટ્રાઈકર કોમ્બેટ વ્હિકલ્સ, અનેક દારૂગોળા ઈક્વિપમેન્ટનું સહ-ઉત્પાદન કરશે. વિદેશી હુમલાખોરોને રોકવા માટે આપણને તેની જરૂર પડશે. આપણે નવા ટેક ઈનોવેશન કરીએ, જેની આગામી વર્ષોમાં આપણને બંને દેશોને જરૂર પડશે.
જેડી વેન્સે ભારત-અમેરિકાના સંબંધોને દુનિયામાં સૌથી નજીકના સંબંધ ગણાવ્યા હતા. તેમણે કહ્યું અમેરિકા અન્ય કોઈપણ દેશની સરખામણીમાં ભારત સાથે સૌથી વધુ સૈન્ય અભ્યાસ કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફેબુ્રઆરીમાં જાહેર કરેલી અમેરિકા-ભારત સમજૂતી આગામી દિવસોમાં બંને દેશો માટે વધુ ગાઢ સંબંધોનો પાયો નાંખશે.
જેડી વેન્સે ભારતને ફરી એરફોર્સ મટે એફ-૩૫ ફાઈટર વિમાન ખરીદવાની ભલામણ કરી હતી. સંરક્ષણ સંબંધો અંગે વેન્સે કહ્યું, અમ ેઈચ્છીએ છીએ કે ભારત અમેરિકા પાસેથી વધુ સૈન્ય ઉપકરણો અને ઊર્જા ઉત્પાદનો ખરીદે. શાંતિનો સૌથી સારો રસ્તો પારસ્પરિક તાકાત છે. ભારત અમેરિકાનું મુખ્ય સંરક્ષણ ભાગીદાર છે. અમેરિકા પાસે વ્યાપક પ્રાકૃતિક સંશાધન છે. તેનાથી ભારત વધુ નિર્માણ કરવા, વધુ ઉત્પાદન કરવા સક્ષમ બનશે, તેના પર ઊર્જા ખર્ચ પણ ઓછો થશે. અમેરિકન ઊર્જા ભારતને પરમાણુ ઊર્જા ઉત્પાદનના લક્ષ્ય સાકાર કરવામાં મદદરૂપ થઈ શકે છે. ૨૧મી સદીનું ભવિષ્ય ભારત અને અમેરિકાની મજબૂતીથી નિશ્ચિત થશે. તેમણે વેપાર અને ટેરિફ પર અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિનો ઉલ્લેખ કરતા કહ્યું કે વેપાર સંબંધ નિષ્પક્ષતા પર આધારિત હોવા જોઈએ. આપણે એક ઉજ્જવળ નવું વિશ્વ બનાવવા માગીએ છીએ. અમેરિકન પ્રમુખ વૈશ્વિક વેપારને ફરીથી સંતુલિત કરવા માગે છે, જેથી અમેરિકા ભારત જેવા મિત્રો સાતે મળીને વધુ સારા ભવિષ્યનું નિર્માણ કરી શકે. અમેરિકા અને ભારતે વેપાર સોદા માટે સત્તાવાર રીતે સંદર્ભની શરતોને અંતિમરૂપ આપી દીધું છે.