અમે મસ્જિદો તોડી મંદિરો બાંધવા માગતા નથી, અમે જ્યાં મંદિરો હતા ત્યાં જ મંદિરો બાંધવા માગીએ છીએ
- ધીરેન્દ્ર શાસ્ત્રીનો ઓવૈસીને સણસણતો જવાબ
- પૂર્વે ઓવૈસીએ મુસ્લીમ યુવાનોને મસ્જિદો આંચકી લેવાના પ્રયાસો સામે સજાગ રહેવા આદેશ આપ્યો હતો
નવીદિલ્હી : રામજન્મભૂમિ મંદિરના ઉદ્ઘાટનના દિવસો નજીક આવતા જાય છે તેમ તેમ કેટલાક પરિબળો પોતપોતાના મંતવ્યો ઠાલવતા રહ્યા છે. તે પૈકી અસદુદ્દીન ઓવૈસીએ તો મુસ્લીમ યુવાનોને તેમની મસ્જિદો આંચકી લેવાના કેન્દ્ર સરકારના પ્રયાસો સામે સજાગ રહેવા આદેશ આપી દીધો હતો. આ સામે બાગેશ્વરધામ, પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ આજે (શુક્રવારે) આ ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસલમીન (એઆઈએમઆઈએમના સ્થાપક પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીને સણસણતો જવાબ આપતા કહ્યું હતું કે, તેમનાં આ પ્રકારના વિધાનો તેમની ભીતિને જ છતી કરે છે. પરંતુ અમે મસ્જિદો તોડી મંદિરો બાંધવા માગતા જ નથી. અમે તો પહેલાં જ્યાં મંદિરો હતા ત્યાં જ મંદિરો બાંધવા માગીએ છીએ.
રામ જન્મભૂમિ મંદિરના ઉદ્ઘાટનના દિવસો નજીક આવતા જતાં ઓવૈસીએ ૧લી જાન્યુઆરીએ જ મુસ્લીમ યુવાનોને કેન્દ્રની ભાજપ સરકારની કાર્યવાહીઓ સામે સજાગ રહેવા આદેશ આપી દીધો હતો. સાથે કહ્યું હતું કે, તમારે મસ્જિદોમાં જઇ કુર્રાન-એ-શરીફનું પઠન નિયમિત રીતે કરતા રહેવું. યુવાનો હું મારાં હૃદયમાંથી કહું છું કે આપણે આપણી મસ્જિદ ગુમાવી છે. તમોને તેથી હૃદયમાં આઘાત નથી લાગતો?
ભવાનીનગરમાં એક કાર્યક્રમમાં બોલતાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એક સમયે જ્યાં બેસી આપણે ૫૦૦ વર્ષ સુધી કુર્રાન પઢતા હતા તે મસ્જિદ હવે આપણી રહી નથી. યુવાનો તમોને કહું છું કે હજી બીજી ત્રણ-ચાર મસ્જિદો તોડવાની યોજના ઘડાઈ રહી છે જે પૈકી દિલ્હીની સુન્હરી મસ્જિદ પણ છે. વર્ષોની જહેમત પછી આપણે આ સ્થિતિએ પહોંચ્યા છીએ. માટે તમારે કેટલીક બાબતો ઉપર ધ્યાન આપવું જ પડશે, તત્પર રહેવું પડશે, એક થઇ ઊભા રહેવું પડશે. એકતા તે સાચા આશીર્વાદ છે.
ઓવૈસીના આવા કઠોર શબ્દ પ્રયોગોનો સણસણતો જવાબ આપતાં બાગેશ્વરધામ પીઢાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ વધુમાં કહ્યું હતું કે, ભગવાન શ્રીરામ કૈં રાજકારણનો મુદ્દો જ નથી. વાસ્તવમાં ધર્મથી રાજનીતિ ચાલે છે. રાજનીતિથી ધર્મ ચાલતો નથી. દેશના લોકો કૈં ઊંઘતા નથી. તેઓ જાગૃત છે અને સત્ય કે અસત્ય તે જોઇ પણ શકે છે. તેઓ બધું જ જોઈ શકે છે. આ સાથે તેઓએ મતદારોને પણ તેઓની ઇચ્છા પ્રમાણે મતદાન કરવા કહ્યું હતું. પત્રકારોએ પૂછેલા એક પ્રશ્નના ઉત્તરમાં કહ્યું હતું કે, ભગવાન શ્રીરામનાં નામ સાથે નીતિ જોડાયેલી છે, ગૌરવ જોડાયેલું છે, એકતા જોડાયેલી છે, શાંતિ જોડાયેલી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિર માટે યશ લઇ રહ્યા છે. તેવા વિપક્ષના વિધાનો અંગે ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે, શ્રીરામ મંદિર કૈં જાતિવાદ પ્રસારવા બાંધવામાં આવ્યું નથી, પરંતુ જેઓને ભગવાન શ્રીરામમાં શ્રદ્ધા છે તેઓને માટે બાંધવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, તા. ૨૨ જાન્યુઆરીએ શ્રીરામ જન્મભૂમિ મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં બાગીશ્વરધામ પીઢાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીને પણ અન્ય અતિથિ વિશેષોની સાથે અતિથિ વિશેષ તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે.