ચૂંટણી ટાણે જ અમેરિકાએ મોદી સરકાર માટે મુસીબત ઉભી કરી, ભારતે આપ્યો વળતો જવાબ
India US News | અમેરિકન વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા માનવાધિકાર અંગેના અહેવાલને ભારતે સંપૂર્ણપણે ફગાવી દેતાં તેને પક્ષપાતી ગણાવ્યો છે. ભારતે કહ્યું કે કેન્દ્ર સરકાર તેને કોઈ મહત્વ આપતી નથી. ભારતના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આવા અહેવાલોથી ભારતની છબી બગાડવાના પ્રયાસો થઈ રહ્યાં છે.
અમેરિકાના રિપોર્ટમાં શું હતું...?
અમેરિકાના રિપોર્ટમાં મે 2023માં મણિપુરમાં મહિલાઓનું ઉત્પીડન અને જાતીય હિંસા, બીબીસી પર આઇટીના અધિકારીઓ દ્વારા દરોડા, કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા જેવા આંતરરાષ્ટ્રીય દમનના કિસ્સાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. એક અહેવાલ મુજબ જ્યારે ભારતના વિદેશ મંત્રાલયને અમેરિકાથી આવેલા માનવાધિકાર અંગેના અહેવાલ વિશે પૂછવામાં આવ્યું ત્યારે મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જવાબ આપ્યો કે આ અહેવાલ અત્યંત પક્ષપાતી છે અને ભારતની છબીને ખરાબ કરવાના પ્રયાસો થઇ રહ્યા છે. અમે આવા હેવાલને કોઈ મહત્ત્વ આપતા જ નથી.
અમેરિકન રિપોર્ટમાં ભારત સામે આ મુદ્દાઓ ઊઠાવાયા
અમેરિકાના માનવાધિકાર અંગેના અહેવાલમાં દાવો કરાયો છે કે મણિપુરમાં મૈતેઈ અને કુકી સમુદાયો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે ઓછામાં ઓછા 175 લોકો માર્યા ગયા છે અને 60,000 થી વધુ લોકો વિસ્થાપિત થયા છે. મે 2023માં મણિપુરના ઓલ ટ્રાઇબલ સ્ટુડન્ટ્સ યુનિયન (એટીએસયુએમ) એ એસટી કેટેગરીમાં મૈતેઈના સમાવેશના વિરોધમાં આદિવાસી એકતા કૂચનું આયોજન કર્યા પછી હિંસા ફાટી નીકળી હતી.
બીબીસી પર આઈટીના દરોડાનો મુદ્દો ઊઠાવાયો હતો
રિપોર્ટમાં ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા બ્રિટન સ્થિત બ્રોડકાસ્ટર - બીબીસીની દિલ્હી અને મુંબઈ ઓફિસમાં ઈન્ટરનેશનલ ટેક્સેશન અને ટ્રાન્સફર પ્રાઈસિંગ અનિયમિતતાના આરોપો પર દરોડાની કાર્યવાહીનો પણ ઉલ્લેખ કરાયો છે. બ્રિટિશ બ્રોડકાસ્ટર દ્વારા 2002ના ગુજરાત રમખાણો પર 'ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન' નામની ડોક્યુમેન્ટ્રી રજૂ કર્યાના અઠવાડિયા પછી આ કાર્યવાહી કરવામાં આવતા ટીકા થઇ હતી.