'હિન્દુઓના અધિકારોની લડાઈમાં અમે ચિન્મય પ્રભુ સાથે...' બાંગ્લાદેશ ISKCON નું મોટું નિવેદન
Image: Facebook
Chinmoy Krishna Das Prabhu: બાંગ્લાદેશમાં હિંદુ ધર્મગુરુ ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ પર હોબાળો ચાલુ છે. રાજદ્રોહના આરોપમાં ધરપકડ કરવામાં આવેલા ચિન્મય પ્રભુને લઈને ઈસ્કોને નિવેદન જારી કરીને તે રિપોર્ટ્સનું ખંડન કર્યું છે જેમાં કહેવામાં આવી રહ્યું છે કે ચિન્મય પ્રભુનો ઈસ્કોન સંગઠન સાથે કોઈ સંબંધ નથી. સંગઠને નિવેદન જારી કરીને કહ્યું કે ઈસ્કોન ચિન્મય કૃષ્ણ દાસના અધિકારોનું સમર્થન કરે છે અને તેમણે હિંદુઓ અને તેમના પૂજા સ્થળોની રક્ષા માટે ચિન્મયના શાંતિપૂર્ણ પ્રદર્શનના અધિકારોથી અંતર રાખ્યું નથી.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે અન્ય તમામ સનાતની જૂથોની સાથે મળીને હિંદુઓની સુરક્ષાનું સમર્થન કરીએ છીએ અને બાંગ્લાદેશમાં લઘુમતીઓને શાંતિપૂર્ણરીતે રહેવાનો માહોલ ફરીથી તૈયાર કરવાનું આહ્વાન કરીએ છીએ. સંગઠનનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે, જ્યારે બાંગ્લાદેશી મીડિયામાં એવા ઘણા રિપોર્ટ્સ સામે આવ્યા હતા, જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે ઈસ્કોનનો ચિન્મય દાસ સાથે હવે કોઈ સંબંધ નથી અને તે તેમના કોઈ પણ નિવેદન કે પ્રતિક્રિયાની જવાબદારી લેતું નથી.
બાંગ્લાદેશની લો એન્ફોર્સમેન્ટ એજન્સીએ ચિન્મય કૃષ્ણ દાસને દેશદ્રોહના આરોપમાં 25 નવેમ્બરે ધરપકડ કરી હતી. બાંગ્લાદેશની કોર્ટે તેને મંગળવારે જામીન ન આપતાં જેલ મોકલી દીધા હતા. તે બાદ ચિન્મય દાસના સમર્થક રસ્તા પર ઉતરી આવ્યા અને ઉગ્ર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં ક્યાં ફસાયો પેચ? ડેપ્યુટી CM પદ લેવા તૈયાર નથી શિંદે, ભાજપ કરી રહ્યું છે દબાણ
ચિન્મય પ્રભુની ધરપકડ બાદ ભડકી હિંસા
બાંગ્લાદેશના ચટગાંવ ઈસ્કોન પુંડરીક ધામના અધ્યક્ષ ચિન્મય પ્રભુની ધરપકડ બાદ સ્થિતિ બગડતી જઈ રહી છે. ચિન્મય પ્રભુની ધરપકડના વિરોધમાં હિંદુ સમાજના લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. આ દરમિયાન તેમની પર BNP અને જમાતના કાર્યકર્તાઓએ હુમલો કરી દીધો હતો જેમાં 50 હિંદુ ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. ચિન્મય કૃષ્ણ દાસ પ્રભુની ધરપકડ બાદ બાંગ્લાદેશમાં હિંદુ લઘુમતી સમુદાયના સભ્યોએ દરેક જિલ્લામાં શાંતિપૂર્ણ સભાઓ આયોજિત કરી. જોકે આ શાંતિપૂર્ણ સભાઓ પર ચરમપંથી જૂથોએ હુમલા કર્યા. ઈસ્લામિક જૂથોએ ચટગાંવમાં હિંદુ સમુદાયના સભ્યો પર હુમલો કર્યો.
કોણ છે ચિન્મય પ્રભુ
ચિન્મય કૃષ્ણ દાસ બ્રહ્મચારી બાંગ્લાદેશ સનાતન જાગરણ મંચના પ્રમુખ નેતા અને ઈસ્કોન ચટગાંવના પુંડરીક ધામના અધ્યક્ષ છે. તેમને લોકો ચિન્મય પ્રભુ નામથી પણ ઓળખે છે. તે બાંગ્લાદેશમાં હિંદુ સમુદાય પર થઈ રહેલા અત્યાચારો વિરુદ્ધ સશક્ત અવાજ ઉઠાવતાં રહ્યાં છે. બાંગ્લાદેશમાં ઈસ્કોનના 77થી વધુ મંદિર છે અને લગભગ 50 હજારથી વધુ લોકો આ સંગઠનથી જોડાયેલા છે.