અમે બંગાળની ખાડીના રક્ષક, ભારતને કોઈ લેવા-દેવા નહીં : યુનુસની ડંફાસ
- ભારતના પૂર્વોત્તર રાજ્યો સમુદ્રી પહોંચ ધરાવતા નથી : મોહમ્મદ યુનુસ
- યુનુસનો ચીકન્સ નેક મુદ્દે ભારત પર દબાણ વધારવા પ્રયાસ, ચીનને બાંગ્લાદેશમાં રોકાણ કરવા ખુલ્લી છુટ
નવી દિલ્હી: મોહમ્મદ યુનુસ અંગે જે ભય હતો તે હવે સાચો સાબિત થઈ રહ્યા છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે ચીનને બંગાળની ખાડીમાં વેપાર વિસ્તારણ કરવા આમંત્રણ આપ્યું છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસનો એક વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં તેઓ ચીનને બંગાળની ખાડીમાં વિસ્તાર કરવાનું આમંત્રણ આપી રહ્યા છે. તેમણે ભારતના સાત પૂર્વોત્તર રાજ્યોને સમુદ્રની સીધી પહોંચ ન હોવાનો ઉલ્લેખ કરીને બાંગ્લાદેશને જ આ વિસ્તારમાં સમુદ્રનું એકમાત્ર રક્ષક ગણાવ્યું.
મોહમ્મદ યુનુસ ૨૬ માર્ચથી ૨૯ માર્ચ સુધી બાંગ્લાદેશની મુલાકાતે હતા અને આ દરમ્યાન તેઓ ચીનના પ્રમુખ શી જિનપિંગને મળ્યા અને ચીનને બાંગ્લાદેશમાં વેપાર વિસ્તારવા આમંત્રણ આપ્યું. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં મોહમ્મદ યુનુસ કહેતા જણાય છે કે સેવન સિસ્ટર્સ તરીકે ઓળખાતા ભારતના ઉત્તર પૂર્વના સાત રાજ્યો ભૂમિથી ઘેરાયેલા છે અને તેમની પાસે સમુદ્ર સુધી પહોંચવાનો કોઈ રસ્તો ન હોવાથી બાંગ્લાદેશ જ આ વિસ્તારના સમુદ્રનું રક્ષક છે. ચીન અહીં પોતાની અર્થવ્યવસ્થાનો વિસ્તાર કરીને ઉત્પાદન તેમજ વેચાણ વધારી શકે છે.
યુનુસે ભારત સાથે શેર કરવામાં આવતી તીસ્તા નદી સહિત નદી જળ વ્યવસ્થાપનમાં ચીનની મદદ માગી. ચીનને જળ વ્યવસ્થાપનના માસ્ટર ગણાવીને યુનુસે બેઈજિંગને બાંગ્લાદેશના પાણી સ્રોતોનો ઉપયોગ કરવા પચાસ વર્ષનો માસ્ટર પ્લાન બનાવવા જણાવ્યું. ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશની અગાઉની સરકારો ભારતને તીસ્તા નદી પ્રોજેક્ટમાં ભારતને સામલ કરવા ઈચ્છતી હતી, પણ યુનુસે વ્યાપક નદી સીસ્ટમમાં ચીનની મદદની ઈચ્છા વ્યક્ત કરી.
બાંગ્લાદેશ અને ચીને યાર્લન્ગ ઝેન્ગબો-જમુના નદી અને દરિયાઈ સહયોગ માટે હાઈડ્રોલોજિકલ ડાટા શેરિંગ ચર્ચામાં પણ પ્રગતિ કરી. ઉપરાંત દરિયાઈ સહયોગ વિશે વાટાઘાટના નવા તબક્કાની પણ યોજના બનાવાઈ રહી છે. બાંગ્લાદેશે મોંગલા બંદરના આધુનિકીકરણમાં ચીની રોકાણ તેમજ ચત્તોગ્રામમાં ચીનના આર્થિક અને ઔદ્યોગિક ઝોનના વિકાસનું સ્વાગત કર્યું.યુનુસના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે તેઓ ચિકન્સ નેક પર ભારત માટે જોખમ ઊભુ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ભારતને તેના પૂર્વોત્તર રાજ્યો સાથે જોડતો સિલીગુડી કોરિડોર ચિકન્સ નેક તરીકે ઓળખાય છે અને ચીનની નજર હમેંશા તેના પર રહી છે. બાંગ્લાદેશ આ મુદ્દે ભારત પર દબાણ બનાવવાનો પ્રયાસ કરી શકે.
યુનુસનું નિવેદન ચીનના વિસ્તરણવાદને પ્રોત્સાહન આપવા સમાન ઃ ભારત
ભારતે બાંગ્લાદેશના વચગાળાના નેતા મોહમ્મદ યુનુસના દાવા કે તેનો ઉત્તરપૂર્વીય પ્રદેશ જમીનથી ઘેરાયેલો છે તેનો સખત વિરોધ કર્યો છે અને તેને ચીનના વિસ્તરણવાદને પ્રોત્સાહન આપવાનું પગલું ગણાવ્યું છે. સરકારી સૂત્રોનો દાવો છે કે યુનુસ બાંગ્લાદેશને ચીનના પ્રભાવ હેઠળ ભારતમાં પ્રવેશ બિંદુ તરીકે દર્શાવી રહ્યા છે, જેના કારણે પ્રાદેશિક તણાવ વધી રહ્યો છે. ભારત તેમના દાવાઓને તથ્યપૂર્ણ રીતે ખોટા ગણાવીને નકારી કાઢે છે અને તેમને પાછા ખેંચવાની માંગ કરે છે. ભારતે સ્પષ્ટતા કરી છે કે ઉત્તરપૂર્વીય ક્ષેત્ર સંધિઓ અને મુખ્ય બંદરો દ્વારા સારી રીતે જોડાયેલા છે.
ભારતે યુનુસ પર તેને ઓછું આંકવાનો અને દ્વિપક્ષીય વેપાર કરારોને નબળા પાડવાનો આરોપ લગાવ્યો છે. ભારતે પુનઃપુષ્ટિ કરી છે કે તેના પૂર્વોત્તર રાજ્યો અભિન્ન છે અને ભૂમિથી ઘેરાયેલા નથી, અસ્થિરતા ઊભી કરવાના હેતુથી કરાયેલા તમામ પ્રયાસોનો વિરોધ કરે છે.