'અમે પણ કુંભ જઈ આવ્યા, ઘટનાને અતિશયોક્તિપૂર્ણ રીતે બતાવાય રહી છે...', નાસભાગ પર બોલ્યા હેમા માલિની
Image: Facebook
Mahakumbh Mela 2025: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન થયેલી નાસભાગમાં 30 લોકોના મોત પર મથુરાથી ભાજપ સાંસદ હેમા માલિનીએ વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ઘટના એટલી મોટી નથી, જેટલી તેને અતિશયોક્તિપૂર્ણ બતાવાય રહી છે.
હેમામાલિનીએ કહ્યું કે 'અમે પણ કુંભ જઈ આવ્યા. અમે સંગમમાં સ્નાન કર્યું. આ દુ:ખદ ઘટના થઈ હતી પરંતુ એટલી મોટી ઘટના નહોતી. બધું જ મેનેજ કરી દેવાયું હતું. મને આ વિશે વધુ ખબર નથી પરંતુ ઘટના એટલી મોટી નહોતી. જેટલી અતિશયોક્તિપૂર્ણ બતાવાય રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાલે પ્રયાગરાજ જઈને પવિત્ર સ્નાન કરશે. જો સ્થિતિ મેનેજ ન થઈ હોત તો શું વડાપ્રધાન જતા?
સંસદમાં મહાકુંભમાં થયેલી નાસભાગને લઈને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ તરફથી સવાલ ઉઠાવ્યાના સવાલ પર હેમામાલિનીએ કહ્યું કે 'અખિલેશનું કામ જ ખોટું બોલવાનું છે. ઘટના ઘટી હતી પરંતુ એટલી મોટી ઘટના નહોતી.'
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે સંસદના બજેટ સત્રના પહેલા દિવસે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન મહાકુંભમાં થયેલા મૃત્યુના આંકડાને લઈને સવાલ ઉઠાવ્યા હતા. અખિલેશ યાદવે કહ્યું કે 'ડિજિટલ કુંભ કરાવનાર મૃતકોના આંકડા પણ આપી શકતાં નથી. મૃતદેહો ક્યાં ફેંકવામાં આવ્યા, જણાવવું જોઈએ. મુખ્યમંત્રીએ મૃતકોને શ્રદ્ધાંજલિ પણ આપી નથી. તે ઘટનાને સંતાડવામાં વ્યસ્ત રહ્યાં. પુણ્ય કમાવવા આવેલા લોકો પોતાના લોકોના મૃતદેહો લઈને ગયા. સરકાર મૃતકોના આંકડા આપી શકી નથી. લોકો કેન્દ્રો પર ખોવાયેલા લોકોને શોધી રહ્યાં છે. મહાકુંભમાં લોકોએ પોતાના પ્રિયજનોને ગુમાવ્યા. કુંભનું આયોજન પહેલી વખત થયુ નથી. સમયાંતરે જેની પણ સરકાર રહી છે, તેનું આયોજન કરતી રહી છે.'
સપા પ્રમુખે રાષ્ટ્રપતિના અભિભાષણને લઈને કહ્યું કે 'તેમના અભિભાષણમાં તે જ જૂની વાતો હતી. 80 કરોડ લોકોને ફ્રી રાશન, 25 કરોડ લોકોને ગરીબી રેખાથી બહાર લવાયા, 10 કરોડ ગેસ કનેક્શન આપવામાં આવ્યા. આ વસતી 105 કરોડ થવા જઈ રહી છે તો સરકાર કઈ વસતી માટે કામ કરી રહી છે. સરકારના બંને એન્જિન ક્યાંક અંદરોઅંદર ટકરાઈ રહ્યાં તો નથી ને. દસ વર્ષ પહેલા જેને ક્યોટો બનાવવાની વાત કહી હતી ત્યાં આજ સુધી મેટ્રો પણ શરૂ થઈ શકી નથી. યુપીમાં જે પણ મેટ્રો ચાલી રહી છે, બધા સમાજવાદીઓની દેન છે.'