વાયનાડ બેઠકના ઉમેદવાર પ્રિયંકા ગાંધી પાસે કેટલી સંપત્તિ ? સોગંદનામામાં જાહેર કરી પ્રોપર્ટી
Wayanad Lok Sabha Election 2024 : કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ આજે (23 ઓક્ટોબર) વાયનાડ લોકસભા પેટાચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યું છે. આ દરમિયાન તેમણે સોગંદનામામાં અંદાજે 12 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે. કેરળના વાયનાડથી પોતાની પ્રથમ ચૂંટણી લડી રહેલી પ્રિયંકાએ પોતાના ચૂંટણી એફિડેવિટમાં 4.24 કરોડ રૂપિયાથી વધુની જંગમ સંપત્તિની માહિતી આપી છે.
પ્રિયંકા પાસે 17.38 લાખ રૂપિયાની PPF ડિપોઝિટ
પ્રિયંકા ગાંધીની એફિડેવિટ મુજબ, તેમના ત્રણ બેંકો એકાઉન્ટમાં 3.6 લાખ રૂપિયાના સેવિંગ એકાઉન્ટ્સ, રૂપિયા 2.24 કરોડના મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ અને 17.38 લાખ રૂપિયાની PPF ડિપોઝિટ છે. આ ઉપરાંત તેમણે પતિ રોબર્ટ વાડ્રાએ ગિફ્ટ કરેલી આઠ લાખ રૂપિયાની હોન્ડા CRV કાર અને 1.44 કરોડ રૂપિયાની જ્વેલરીનો પણ ઉલ્લેખ કર્યો છે.
રાહુલ અને પ્રિયંકાના નામે ખેતીની જમીન
તેમની સ્થાવર મિલકતોની કુલ કિંમત 7.74 કરોડ રૂપિયાથી વધુ છે. તેમની સંપત્તિમાં દિલ્હીના મહેરૌલીમાં વારસામાં મળેલી ખેતીની જમીનનો પણ ઉલ્લેખ છે અને તેમાં ભાઈ રાહુલ ગાંધીનો પણ ભાગ છે. આ જમીનની કિંમત 2.1 કરોડ રૂપિયા છે. પ્રિયંકા ગાંધીએ હિમાચલ પ્રદેશના શિમલામાં પોતે ઘર ખરીદ્યું હતું, તેની કિંમત 5.63 કરોડ રૂપિયા છે. તેમણે 46.39 લાખ રૂપિયાની આવક પણ જાહેર કરી છે, જેમાં ભાડાની આવક, બેન્કોના વ્યાજ અને અન્ય રોકાણોનો સમાવેશ થાય છે.
રોબર્ટ વાડ્રાની કુલ સંપત્તિ રૂ.64 કરોડ
પ્રિયંકાના પતિ રોબર્ટ વાડ્રાની કુલ સંપત્તિ 64 કરોડ રૂપિયાથી વધુ છે. તેમની લિક્વિડ એસેટ્સમાં કેટલીક બેંકોમાં થાપણો, જાહેર કંપનીઓમાં શેર, મ્યુચ્યુઅલ ફંડ રોકાણ, ટોયોટા લેન્ડ ક્રુઝર એસયુવી અને મિની કૂપરનો સમાવેશ થાય છે. તેમની સ્થાવર મિલકતોની કુલ કિંમત 27 કરોડ રૂપિયા છે, જેમાં ગુરુગ્રામ અને નોઈડામાં કોમર્શિયલ હાઉસનો સમાવેશ થાય છે.
પ્રિયંકા વિરુદ્ધ કોઈપણ કેસ નહીં
પ્રિયંકાએ સોગંદનામામાં સ્પષ્ટતા કરી છે કે, તેમને કોઈપણ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા નથી. જોકે મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં એક-એક એફઆઈઆરનો ઉલ્લેખ કર્યો છે. આ ઉપરાંત તેમને ઉત્તર પ્રદેશના વન વિભાગ દ્વારા પણ નોટિસ આપી હોવાનો સોગંદનામામાં ઉલ્લેખ કરાયો છે. પ્રિયંકાના માથે કુલ 15.75 લાખ રૂપિયાની લોન છે.
વાયનાડમાં 13 નવેમ્બરે મતદાન, 23મીએ પરિણામ
તેમની શૈક્ષણિક લાયકાતોમાં જીસસ એન્ડ મેરી કોલેજ, 1993માં દિલ્હી યુનિવર્સિટીમાંથી મનોવિજ્ઞાનમાં બીએ હોન્સ અને યુકેની યુનિવર્સિટી ઓફ સન્ડરલેન્ડમાંથી ડિસ્ટન્સ લર્નિંગ દ્વારા બૌદ્ધ અભ્યાસમાં પીજી ડિપ્લોમાનો સમાવેશ થાય છે. 13 નવેમ્બરે યોજાનારી પેટાચૂંટણીમાં પ્રિયંકા સીપીઆઈના સત્યન મોકેરી અને ભાજપના નવ્યા હરિદાસ સામે ચૂંટણી લડશે. વાયનાડમાં 13 નવેમ્બરે પેટાચૂંટણી યોજાવાની છે અને મતગણતરી 23 નવેમ્બરે થશે.