Get The App

વાયનાડમાં 250થી વધુના મોત : કુદરતના રૌદ્ર રૂપે તારાજી સર્જી, 300થી વધુ હજુ ગુમ

Updated: Jul 31st, 2024


Google NewsGoogle News
વાયનાડમાં 250થી વધુના મોત : કુદરતના રૌદ્ર રૂપે તારાજી સર્જી, 300થી વધુ હજુ ગુમ 1 - image


Wayanad tragedy : કેરળના વાયનાડમાં ભૂસ્ખલનથી ભારે તબાહી સર્જાઈ છે. અત્યાર સુધીમાં 250 લોકોના મોત થઈ ચુક્યા છે. હાલમાં, અસરગ્રસ્ત વિસ્તારોમાં સરકારી એજન્સીઓ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. હજુ પણ ઘણા પરિવારો જણાવી રહ્યા છે, કે તેમના પરિવારના સભ્યોનો કોઈ પત્તો નથી મળી રહ્યો.

ભારતીય સેનાએ વાયનાડમાં શોધ અને બચાવ કામગીરી માટે લગભગ 300 જવાનોને તહેનાત કર્યા છે. આ ઉપરાંત જો જરૂરિયાત ઊભી થાય તો તિરુવનંતપુરમમાં 140 જવાનોને સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યા છે. 

ગઈકાલે મોડી સાંજે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને આર્મીની મદદ માટે નેવલ ટીમો અને એરફોર્સ હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા હતા. સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આપદા રાહત ટીમો પણ મોકલવામાં આવી છે, અને રેસ્ક્યુ ડોગ્સની ટીમો હવાઈ માર્ગે મોકલવામાં આવી રહી છે.

કેરળમાં સતત વરસી રહેલા વરસાદે તબાહી મચાવી છે. માર્ગ સંપર્ક તૂટી ગયો છે, જેના કારણે બચાવ અને રાહત કામગીરી મુશ્કેલી પડી રહી છે. રાજ્યમાં 24 કલાકમાં 372 મીમી વરસાદ નોંધાયો હતો, આ પહેલા વાયનાડ જિલ્લામાં ચાર કલાકમાં ત્રણ ભૂસ્ખલન થયુ હતું. 

હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી દિવસોમાં વાયનાડ અને અન્ય કેટલાક જિલ્લાઓમાં વધુ વરસાદની શક્યતા છે. આ એલર્ટ ઇડુક્કી, થ્રિસુર, પલક્કડ, મલપ્પુરમ, કોઝિકોડ, વાયનાડ, કન્નુર અને કાસરગોડ જિલ્લાઓ માટે જારી કરવામાં આવ્યું છે. પથનમથિટ્ટા, અલપ્પુઝા, કોટ્ટયમ અને એર્નાકુલમ જિલ્લામાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​સવારે કેરળના મુખ્યમંત્રી પી વિજયન સાથે વાત કરી હતી. અને સરકારને શક્ય તમામ મદદની ખાતરી આપી. તેમણે ભાજપના વડા જેપી નડ્ડાને પક્ષના કાર્યકરો બચાવ કાર્યમાં મદદ કરે તે સુનિશ્ચિત કરવા કહ્યું હતું. 

વડાપ્રધાન કાર્યાલયે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 2 લાખ રૂપિયાના વળતર આપવાની જાહેરાત કરી છે, જ્યારે ઘાયલોને 50,000 રૂપિયાના વળતરની જાહેરાત કરવામાં આવી છે.

રાજ્યના આરોગ્ય વિભાગે કંટ્રોલ રૂમ પણ ખોલ્યો છે. ઇમરજન્સી સહાયની જરૂર હોય તેવા લોકો હેલ્પલાઇન નંબર 9656938689 અને 8086010833 પર અધિકારીઓનો સંપર્ક કરી શકે છે.


Google NewsGoogle News