Wayanad Landslide : બાળકીએ એક વર્ષ પહેલા લખેલી વાર્તા સાચી પડી! સ્કૂલના 32 બાળકોનું નિધન
Wayanad Landslide: વાયનાડના મેપ્પાડીના પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલન થયા બાદ મૃતકોની સંખ્યા 300 પાર થઇ ચૂકી છે, તેમજ 200થી વધુ લોકો ઘાયલ થયા છે. રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયેલા ભારતીય સૈન્યએ અત્યાર સુધી હજારથી વધુ લોકોને બચાવ્યા છે. જો કે, હજુ પણ આશરે 200 જેટલા લોકો ગુમ છે. જો કે, આ ભયંકર કુદરતી આપત્તી વચ્ચે કેરળના ચૂરલમાલા જીલ્લાની સરકારી શાળામાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીએ લખેલી વાર્તા ખૂબ ચર્ચામાં આવી છે.
બાળકીએ લખેલી વાર્તા સાચી પડી
ઉલ્લેખનીય છે કે, ચૂરલમાલા જીલ્લાના વેલ્લારમાલાની સરકારી શાળામાં અભ્યાસ કરતી બાળકીએ લખેલી વાર્તા સાચી પડી હોવાની ભારે ચર્ચા થઇ રહી છે. બાળકીએ પાછલા વર્ષે એક વાર્તા લખી હતી જેમાં એક બાળકી ઝરણામાં ડૂબી જાય છે અને પછી પક્ષી બનીને પરત આવે છે, ત્યારબાદ તે પોતાના ગ્રામજનોને પાણી પાસે ન જવા ચેતાવણી આપે છે અને કહે છે કે, બાળકો, ગામમાંથી ભાગી જાઓ આગળ સંકટ છે. વાર્તામાં બાળકો ભાગી જાય છે પરંતુ જ્યારે તેઓ પાછળ જુએ છે તો તેમને દેખાય છે કે પર્વત પરથી વરસાદનો પાણી પડી રહ્યો છે અને ગામમાં વિનાશની સ્થિતિ સર્જાય છે. તમને જણાવી દઇએ કે, વાયનાડમાં 30 જુલાઇએ ભારે વરસાદ બાદ એક બાદ એક સતત ત્રણ વાર ભૂસ્ખલન થયા હતા. જેના લીધે બાળકીએ વાર્તામાં લખેલી આબેહુબ સ્થિતિ સર્જાઇ હતી.
ભૂસ્ખલનમાં બાળકીના પિતાનું મોત
અહેવાલ મુજબ, ભૂસ્ખલનમાં મૃત્યુ પામનારા લોકોમાં બાળકીના પિતા પણ સામેલ છે. ઉપરાંત બાળકીની શાળાના 32 વિદ્યાર્થીઓ પણ આ ભયંકર આપત્તીમાં મૃત્યુ પામ્યા છે તેમજ તેમનો સ્કૂલ પણ જર્જરીત થઇ ગયો છે. સૈન્યએ માનવીય સહાયતા અને આપત્તી રાહત (HADR) સાથે સંકલન સાધવા માટે કોઝિકોડમાં એક કમાન્ડ અને કંટ્રોલ સેન્ટરનું સેટ-અપ કર્યું છે. તેમજ વાયનાડમાં બેલી બ્રિજનું નિર્માણ પણ પૂર્ણ થઇ ચુક્યું છે. હવે બ્રિજ બની જતાં ભૂસ્ખલન પ્રભાવિત ક્ષેત્રોમાં અર્થ મૂવર્સ સહિત માનવીય સહાયતા માટેના ભારે વાહનો સરળતાથી પહોંચી શકશે.
સ્વાસ્થ્ય મંત્રીએ શું કહ્યું?
કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જોર્જએ કહ્યું કે, બચાવ કાર્યમાં 1500 જેટલા સૈનિકોને તૈનાત કરવામાં આવ્યા છે તેમજ મોટી સંખ્યામાં ફોરેન્સિક સર્જનો પણ તૈનાત છે. અત્યારે હજારો લોકો રાહત શિબિરોમાં છે જેમાંથી ઘણાં લોકો હાલ મેન્ટલ ટ્રોમામાં છે. હવામાન વિભાગે આગામી કેટલાક દિવસો માટે વાયનાડ ઉપરાંત અન્ય જીલ્લાઓ માટે વરસાદની આગાહી પણ કરી છે. કેરળની આ ભયંકર દુર્ઘટના પર અમેરિકા, રશિયા, ચીન અને ઇરાન સહિત ઘણાં દેશોએ શોક વ્યક્ત કર્યો છે.