ભૂસ્ખલનમાં 150થી વધુના મોત: કેન્દ્રએ કહ્યું- સપ્તાહ અગાઉ જ આપી હતી ચેતવણી, કેરળ સરકારે કશું ન કર્યું

Updated: Jul 31st, 2024


Google NewsGoogle News
Amit Shah On Kerala Wayanad Landslide

Image: IANS



Amit Shah On Kerala Wayanad Landslide: કેરળના વાયનાડમાં 30 જુલાઈના રોજ થયેલા ભૂસ્ખલનના કારણે રાજ્યસભામાં સરકાર પર આક્ષેપબાજી થઈ હતી. જેનો આકરો જવાબ ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા આપવામાં આવ્યો હતો. ગૃહ મંત્રી અમિત શાહે ભૂસ્ખલનમાં મૃત્યુ પામનાર લોકો પ્રતિ શોક વ્યક્ત કરી પરિવારોને સાંત્વના આપી હતી. બાદમાં અમુક મહત્ત્વની જાણકારી રજૂ કરતાં કેરળ સરકાર પર દોષનો ટોપલો ઢોળ્યો હતો.

કેરળ સરકારે સમયસર પગલાં લીધા નહીઃં અમિત શાહ

અમિત શાહે સંસદમાં દાવો કર્યો હતો કે, કેરળ સરકારને 23 જુલાઈના રોજ સંભવિત ભૂસ્ખલન વિશે માહિતી હોવા છતાં તેમણે સાવચેતીના પગલાં લીધા નથી. પિનારાઈ વિજયનના નેતૃત્વ હેઠળની કેરળ સરકારને વાયનાડમાં ભૂસ્ખલન થવાનું છે તે અંગે સપ્તાહ પહેલાં જ કેન્દ્ર દ્વારા ચેતવણી આપવામાં આવી હતી.  “કેરળમાં એનડીઆરએફની નવ ટીમ અગાઉથી જ મોકલવામાં આવી હતી. કેરળ સરકારે સમયસર લોકોને ખસેડ્યા નહીં.”

'પ્લીઝ લિસન અસ'નો જવાબ 'પ્લીઝ રીડ ઇટ'

શાહે કહ્યું કે, સાત દિવસ પહેલાં આ દુર્ઘટના અંગે ચેતવણી અપાયા બાદ 24 અને 25 જુલાઈએ ફરીથી ચેતવણી આપવામાં આવી હતી અને 26મી જુલાઈએ કહેવામાં આવ્યું હતું કે 20 સેમીથી વધુ અને ભારે વરસાદ પડશે, ભૂસ્ખલનની શક્યતા છે, કાદવની નીચે લોકો દટાઈને મરી પણ શકે છે. તેઓ આ વાત ગૃહમાં કહેવા માંગતા ન હતા પરંતુ જ્યારે કેટલાક સભ્યોએ કહ્યું, "કૃપા કરીને અમને સાંભળો, કૃપા કરીને અમારી વાત સાંભળો... (પ્લીઝ લિસન અસ)તો અમારું (સરકારનું) કહેવું છે કે કૃપા કરીને તેને વાંચો." (પ્લીઝ રીડ ઈટ). કૃપા કરીને મોકલવામાં આવેલી ચેતવણી વાંચો.

આ પણ વાંચોઃ NDAના દિગ્ગજ મંત્રીએ આ મામલે સમર્થન આપવાનો કર્યો ઈનકાર, ભાજપને લાગ્યો ઝટકો!

અમિત શાહે ઓડિશાનો ઉલ્લેખ કર્યો

આ દેશમાં કેટલીક રાજ્ય સરકારો છે જેણે ભૂતકાળમાં આ પ્રકારની અગમ ચેતવણી પર કામ કર્યું છે અને આવી આપત્તિઓમાં જાનહાનિ ટાળી છે. ઓડિશાની અગાઉની નવીન પટનાયક સરકારને ચક્રવાત વિશે સાત દિવસ અગાઉ આપેલી ચેતવણી પર કામગીરી કરતાં તે ચક્રવાતમાં માત્ર એક જ વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને તે પણ ભૂલથી.

ગુજરાતને ત્રણ દિવસ અગાઉ ચક્રવાત અંગે ચેતવણી આપવામાં આવી હતી અને ત્યાં એક પશુનું પણ મૃત્યુ થયું ન હતું. ભારત સરકારે 2014થી અત્યાર સુધીમાં રૂ. 2000 કરોડ પૂર્વ ચેતવણી પ્રણાલી પર ખર્ચ્યા છે અને રાજ્યોને સાત દિવસ અગાઉ ચેતવણી આપવામાં આવે છે.

લોકો માત્ર વિદેશી સાઇટ જુએ છેઃ અમિત શાહ

આ પ્રકારની ચેતવણીઓ વેબસાઇટ પર પોસ્ટ કરવામાં આવે છે જે સાંસદો માટે પણ ઉપલબ્ધ છે. તેમણે કહ્યું, “કેટલાક લોકો આપણી વેબસાઇટ ખોલતાં પણ નથી, તેઓ માત્ર વિદેશની સાઇટ જોતા રહે છે. વિદેશથી કોઈ આગોતરી ચેતવણી નહીં મળે, આપણે આપણી પોતાની સાઇટ જોવી પડશે.

તેમણે કહ્યું કે ગરમી, તોફાન, ચક્રવાત, વરસાદ અને વીજળી પડવા વિશે પણ વહેલી ચેતવણી આપવાની વ્યવસ્થા છે. તેમણે કહ્યું કે કેટલાક રાજ્યોએ આ પદ્ધતિનો લાભ લીધો અને પરિણામો મેળવ્યા છે. તેમની મંજૂરીથી, 23 જુલાઈએ જ, NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ)ની નવ ટીમો વિમાન દ્વારા કેરળ જવા રવાના થઈ હતી કારણ કે ત્યાં ભૂસ્ખલનની સંભાવના હતી. તેમણે સવાલ ઉઠાવ્યો કે કેરળ સરકારે સંવેદનશીલ સ્થળોથી લોકોને સમયસર એક જગ્યાએથી બીજી જગ્યાએ કેમ શિફ્ટ ન કર્યા અને જો તેમ કર્યું હોય તો આટલા લોકોના મોત કેવી રીતે થયા?

આ વર્ષે દેશમાં અર્લી વોર્નિંગ સિસ્ટમ હશે

અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે 2024 સુધીમાં ભારતમાં વિશ્વની સૌથી આધુનિક અર્લી વોર્નિંગ સિસ્ટમ હશે. નોંધનીય છે કે ભારત વિશ્વના એવા ચાર દેશોમાં સામેલ છે જે સાત દિવસ પહેલા હવામાનની પેટર્નની આગાહી કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 158 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. સેંકડો લોકો હજુ પણ ગુમ છે. "કેરળના લોકો અને ત્યાંની સરકાર સાથે ઊભા રહેવાનો આ સમય છે. હું ગૃહને ખાતરી આપવા માંગુ છું કે નરેન્દ્ર મોદી સરકાર કેરળના લોકો અને ત્યાંની સરકાર સાથે જ ઊભી રહેશે."

  ભૂસ્ખલનમાં 150થી વધુના મોત: કેન્દ્રએ કહ્યું- સપ્તાહ અગાઉ જ આપી હતી ચેતવણી, કેરળ સરકારે કશું ન કર્યું 2 - image


Google NewsGoogle News