Get The App

સાંસદ પ્રિયંકા ગાંધી વિરુદ્ધ કેરાલા હાઈકોર્ટમાં ફરિયાદ, ભાજપ નેતાએ લગાવ્યો ગંભીર આક્ષેપ, જાણો મામલો

Updated: Dec 22nd, 2024


Google NewsGoogle News
સાંસદ પ્રિયંકા ગાંધી વિરુદ્ધ કેરાલા હાઈકોર્ટમાં ફરિયાદ, ભાજપ નેતાએ લગાવ્યો ગંભીર આક્ષેપ, જાણો મામલો 1 - image


BJP Leader Navya Haridas Filed Case Against Priyanka Gandhi : ભાજપ નેતા નવ્યા હરિદાસે વાયનાડ બેઠક પરના કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વિરુદ્ધ કેરાલા હાઈકોર્ટમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે પ્રિયંકાની ચૂંટણીમાં થયેલી જીતને કોર્ટમાં પડકારી છે. 2024ની લોકસભા ચૂંટણીમાં વાયનાડ બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર રાહુલ ગાંધીનો વિજય થયો હતો અને તેમણે ઉત્તર પ્રદેશની રાયબરેલીની બેઠક પરથી પણ જીત નોંધાવી હતી. જોકે રાહુલે વાયનાડ બેઠક ખાલી કરી દીધી હતી. ત્યારબાદ વાયનાડમાં પેટાચૂંટણી યોજાતા 13મી નવેમ્બરે પ્રિયંકા ગાંધીનો પાંચ લાખથી વધુ મતે વિજય થયો હતો.

‘પ્રિયંકા ગાંધીએ ચૂંટણી એફિડેવીટમાં ખોટી માહિતી આપી’

નવ્યા હરિદાસે દાવો કર્યો છે કે, ‘પ્રિયંકા ગાંધીએ ચૂંટણી એફિડેવીટમાં ખોટી માહિતી આપી છે. તેમણે પરિવારની સંપત્તિનો યોગ્ય ખુલાસો કર્યો નથી. આમ તેમણે આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું છે. પ્રિયંકા ગાંધી વાડ્રાએ અનેક મહત્ત્વની વિગતો છુપાવી છે. ’ તેમણે એમ પણ કહ્યું કે, ‘મેં અગાઉ ચૂંટણી પંચમાં પણ ફરિયાદ નોંધાવી હતી, જોકે તેની હજુ સુનાવણી થઈ શકી નથી.’

પ્રિયંકાની ચૂંટણીમાં થયેલી જીતને રદ કરવાની માંગ

તેમના વકીલ હરિકુમાર જી. નાયરે કહ્યું કે, પ્રિયંકાએ અનેક મહત્ત્વની સંપત્તિઓ દબાવી હોવાનો તેમજ ગેરમાર્ગો દોર્યા હોવાનો હાઈકોર્ટમાં કરાયેલી અરજીમાં આક્ષેપ કરાયો છે. નવ્યાએ પ્રિયંકાની ચૂંટણી જીતને રદ કરાવવાની માંગ કરી છે. તેમણે ખોટી માહિતી આપીને મતદારોને અંધારામાં રાખ્યા છે. ઉલ્લેખનીય છે કે, હાઈકોર્ટમાં 23 ડિસેમ્બરથી પાંચ જાન્યુઆરી સુધી રજાની જાહેરાત કરવામાં આવી છે, તેથી આ કેસની સુનાવણી આગામી વર્ષે જાન્યુઆરીમાં થઈ શકે છે.

આ પણ વાંચો : પૂર્વ CM વસુંધરા રાજેના કાફલામાં જીપ પલટી, ચાર પોલીસકર્મીઓ ઘાયલ

પ્રિયંકાએ 12 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી હતી

પ્રિયંકાએ ચૂંટણી સોગંદનામામાં અંદાજે 12 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી હતી. કેરળના વાયનાડથી પોતાની પ્રથમ ચૂંટણી લડી રહેલી પ્રિયંકાએ પોતાના ચૂંટણી એફિડેવિટમાં 4.24 કરોડ રૂપિયાથી વધુની જંગમ સંપત્તિની માહિતી આપી હતી. પ્રિયંકા ગાંધીની એફિડેવિટ મુજબ, તેમના ત્રણ બેંકો એકાઉન્ટમાં 3.6 લાખ રૂપિયાના સેવિંગ એકાઉન્ટ્સ, રૂપિયા 2.24 કરોડના મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ અને 17.38 લાખ રૂપિયાની PPF ડિપોઝિટ છે. આ ઉપરાંત તેમણે પતિ રોબર્ટ વાડ્રાએ ગિફ્ટ કરેલી આઠ લાખ રૂપિયાની હોન્ડા CRV કાર અને 1.44 કરોડ રૂપિયાની જ્વેલરીનો પણ ઉલ્લેખ કર્યો હતો.

અમને વિશ્વાસ છે કે, કોર્ટ અરજી રદ કરશે : કોંગ્રેસ

ભાજપ નેતાએ પ્રિયંકા સામે ફરિયાદ નોંધાવ્યા બાદ કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે. રાજ્યસભા સાંસદ પ્રમોદ તિવારીએ નવ્યા હરિદાસ પર પ્રહારો કરતા કહ્યું કે, ‘અમને વિશ્વાસ છે કે, કોર્ટ અરજી રદ કરશે અને નવ્યાને દંડ ફટકરાશે.’ કોંગ્રેસ નેતા મનિકમ ટૈગોરે કહ્યું કે, ‘ભાજપ પાસે ફરિયાદ ફાઈનલ કરવાનો અધિકાર છે, પણ આક્ષેપોમાં કોઈપણ સત્ય નથી. તેઓ દિલ્હીમાં રાહુલ ગાંધીને અને વાયનાડમાં પ્રિયંકા ગાંધીને ટાર્ગેટ કરી રહ્યા છે. અમે જાણીએ છીકે, સત્ય અમારા પક્ષમાં છે.’

આ પણ વાંચો : UPમાં દિવાલ તોડીને બેંકમાં ઘૂસ્યા ચાર તસ્કર, 30 લૉકરમાંથી કરોડોના દાગીના લઈને થયા ફરાર, ઘટના CCTVમાં કેદ


Google NewsGoogle News