બેંગ્લોરમાં પાણીની તંગી પછી પાણીજન્ય બીમારીનો ખતરો, કોલેરાના રોજના 20 કેસ
તબીબોના જણાવ્યા અનુસાર રોજના ૨૦ જેટલા કેસ નોંધાઇ રહયા છે.
બીમારીથી બચવા માટે પીવાનું પાણી ઉકાળીની પીવું જોઇએ.
બેંગ્લોર, 4 એપ્રિલ, 2024, ગુરુવાર
દેશના આઇટી હબ ગણાતા બેંગ્લોરમાં પીવાના પાણીનું સંકટ ઘેરાયું છે. લોકોને ઘણા સપ્તાહથી પાણી પુરવઠો નિયમિત મળતો નથી.પાણીની આફત વચ્ચે આરોગ્યની પણ આફત ઉભી થઇ રહી હોય તેમ કોલેરાની બીમારીમાં વધારો થયો છે.
મલ્લેશ્વરમ વિસ્તારમાં પાણી જન્ય બીમારી ધ્યાનમાં આવતા શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લેબોરેટરીમાં પરીક્ષણ માટે આપવામાં આવ્યા છે. આરોગ્ય નિષ્ણાતો અને તબીબોના જણાવ્યા અનુસાર રોજના ૨૦ જેટલા કેસ નોંધાઇ રહયા છે. કોલેરા થવાનું મુખ્ય કારણ અસ્વચ્છતા અને દૂષિત પાણી જવાબદાર છે. પહેલા કોલેરાના એક મહિના માંડ બે થી ચાર કેસ નોંધાતા હતા જેમાં ઉછાળો આવ્યો છે.
પાણી પુરતું મળતુ ન હોવાથી લોકો સંગ્રહ કરેલું પાણી પીતા હોવાથી સ્વચ્છતા જોખમાઇ છે. આથી પીવાના પાણીના દૂષિત સ્ત્રોતોની તપાસ કરવી જરુરી બની છે.જો કે બેંગ્લોર સ્થાનિક તંત્રના જણાવ્યા અનુસાર શહેરમાં કોલેરાનો પ્રકોપ જેવી સ્થિતિ નથી પરંતુ તહેદારીના પગલા ભરવામાં આવી રહયા છે. આ બીમારીથી બચવા માટે પીવાનું પાણી ઉકાળીની પીવું જોઇએ. ખોરાક રાંધતા પહેલા સાબુ વડે સ્વચ્છ પાણીથી હાથ ધોવા જોઇએ. બહારનો અસુરક્ષિત ખોરાક ખાવાનું ટાળવું જોઇએ.