મહાકુંભમાં નદીઓનું પાણી સ્નાન માટે યોગ્ય જ હતું...' CPCB એ પલટી મારી
Mahakumbh Snan Water Quality Report: મહાકુંભમાં ત્રિવેણી સંગમનું પાણી સ્નાન માટે યોગ્ય ન હોવાનો દાવો કરનારા સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે (CPCB) પલટી મારી છે. તેણે હાલમાં જ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ(NGT)ને એક નવો રિપોર્ટ આપ્યો છે. જેમાં પોતાનો જ રિપોર્ટ ખોટો ઠેરવતાં દાવો કરવામાં આવ્યો છે કે, 'મહાકુંભ દરમિયાન ગંગા અને યમુનાના પાણીની ગુણવત્તા સ્નાન માટે યોગ્ય હતી.' બોર્ડે આંકડાકીય વિશ્લેષણના આધારે આ નવો રિપોર્ટ રજૂ કર્યો છે.
બોર્ડના નવા રિપોર્ટ મુજબ, મહાકુંભના સ્નાન માટે પાણીની ગુણવત્તાનો સચોટ રિપોર્ટ જાણવા આંકડાકીય વિશ્લેષણ જરૂરી હતું. કારણ કે એક જ સ્થળેથી અલગ-અલગ તારીખે અને એક જ દિવસે અલગ-અલગ સ્થળોથી એકત્રિત કરાયેલા નમૂનાઓના પરીક્ષણમાં ભિન્નતા આવી હતી. જેના લીધે નદી વિસ્તારમાં પાણીની એકંદર ગુણવત્તા સ્પષ્ટ થઈ શકી ન હતી. આંકડાકીય વિશ્લેષણ દ્વારા ડેટા એકત્ર કરીને એકંદરે ગુણવત્તાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. બોર્ડનો 28 ફેબ્રુઆરીનો રિપોર્ટ 7 માર્ચે NGTની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યો હતો. બોર્ડે 12 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ચાલનારા મહાકુંભના શાહી સ્નાન સહિત દર અઠવાડિયે બે વાર ગંગાના પાંચ સ્થળો અને યમુનાના બે સ્થળોએ પાણીનું નિરીક્ષણ કર્યું હતું. અગાઉ, 17 ફેબ્રુઆરીએ, બોર્ડે NGTને માહિતી આપી હતી કે મહા કુંભ દરમિયાન પ્રયાગરાજમાં વિવિધ સ્થળોએ ફેકલ કોલિફોર્મના સ્તરમાં વધારો થવાને કારણે, ત્યાંનું પાણી સ્નાન માટે યોગ્ય નથી.
નિષ્ણાતોએ તપાસના આદેશ આપ્યા
નિષ્ણાતોની સમિતિએ આંકડાઓમાં જોવા મળેલી ભિન્નતાને ધ્યાનમાં લેતાં તપાસના આદેશ આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, એક વિશેષ સ્થળ અને સમય પાણીની ગુણવત્તાની જે-તે સમયની સ્થિતિ દર્શાવે છે. પાણીના ઉપલા સ્તર પર માનવસર્જિત ગતિવિધિઓ, પાણીના પ્રવાહનો દર, નમૂનાની ઊંડાઈ અને સમય, નદીની ધારા સહિત અનેક પરિબળોના આધારે પરિણામો જુદા-જુદા આવી શકે છે.
આ પણ વાંચોઃ મહાકુંભમાં સ્નાન કરવા લાયક નથી સંગમનું પાણી: CPCBએ NGTને સોંપ્યો રિપોર્ટ
વિવિધ પરિમાણોમાં તફાવત
બોર્ડના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે વિવિધ પરિમાણો જેવા કે pH, પીગળેલો ઑક્સિજન (DO), બાયોકેમિકલ ઑક્સિજન ડિમાન્ડ (BOD) અને ફેકલ કોલિફોર્મ કાઉન્ટ(FC)ની તીવ્રતામાં નોંધપાત્ર તફાવત જોવા મળ્યો હતો.
20 રાઉન્ડમાં તપાસ કરી
નમૂનાઓમાં ભિન્નતાને લીધે, 12 જાન્યુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી 10 સમૂહ સ્નાન સ્થળોએ ચાવીરૂપ પરિમાણો માટે વિવિધ મોનિટરિંગ સ્થળોમાંથી પાણીની ગુણવત્તાના ડેટાનું આંકડાકીય વિશ્લેષણ કરવામાં આવ્યું હતું અને મોનિટરિંગના 20 રાઉન્ડ હાથ ધરવામાં આવ્યા હતા. સરેરાશ, જળ પ્રદૂષણ પેદા કરતાં તમામ પરિબળોને ધ્યાનમાં લેવાયા હતા.