દિલ્હીનો ચોંકાવનારો VIDEO, વરસાદ વગર કૉલોનીમાં પૂર જેવી સ્થિતિ, લોકો ઘરો છોડવા મજબૂર
Delhi Munak Canal Broke : રાજધાની દિલ્હીનો એક ચોંકાનારો વીડિયો સામે આવ્યો છે. રાજધાનીના જેજે કૉલોની (JJ Colony )માં વરસાદ વગર પુરની સ્થિતિ સર્જાઈ છે. અહીં અચાનક એટલું બધુ પાણી આવી ગયું છે કે, પુર જેવી સ્થિતિ સર્જાઈ છે. કૉલોનીમાં ચોતરફ પાણીના કારણે લોકો ઘરો છોડવા પણ મજબૂર થયા છે. તો બીજી તરફ અહીં કેટલાક લોકો હોડી ચલાવતા પણ જોવા મળ્યા છે.
કૉલોનીના રહેવાસીઓ સુરક્ષિત જગ્યાઓ પર ભાગ્યા
જેજે કૉલોનીની કેટલીક તસવીરો અને વીડિયો વાયરલ થયા છે, જેવા જોવા મળી રહ્યું છે કે, અહીં ચારેકોર પાણી ભરાવાના કારણે લોકો પોતાનો સામાન લઈને સુરક્ષિત વિસ્તારમાં જતા જોવા મળી રહ્યા છે. સૌથી મોટી વાત એ છે કે, કૉલોની વિસ્તારમાં વરસાદ પડ્યો ન હોવા છતાં ત્યાંના રસ્તાઓ નદીમાં તબદીલ થઈ ગયા છે. અહીં એકતરફ આકાશમાં સૂર્યદેવતા કોપાયમાન થયા છે, તો બીજીતરફ જમીન પણ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે, જેના કારણે લોકો પરેશાન થયા છે.
કૉલોનીમાં વરસાદ વગર પુરની સ્થિતિ કેમ સર્જાઈ?
કૉલોનીમાં અચાનક આવેલું પાણી ઘરોની અંદર સુધી પ્રવેશતા લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વરસાદ વગર પુર જેવી સ્થિતિ સર્જાતા લોકો પણ દોડતા થયા હતા અને કૉલોનીમાં વરસાદ વગર પુરની સ્થિતિ કેમ સર્જાઈ, તેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. જોકે આ પાણી હરિયાણા દ્વારા પાણી અપાતા બવાના મુનક નહેરમાંથી આવ્યું હતું. વાસ્તવમાં જેજે કૉલોની તરફની નહેરની દિવાલ ધરાશાયી થઈ હતી, જેના કારણે નહેરના પાણી કૉલોનીને જળબંબાકાર કરી દીધું હતું.
નહેરની દિવાલ તૂટતા કૉલોનીમાં ઘૂસ્યું પાણી
વાસ્તવમાં ગઈકાલે રાત્રે 2.00 કલાકે નહેર તૂટવાની ઘટના બની હતી. જોકે નહેરને રિપેરિંગ કરવા માટે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી શરૂ થાય, તે પહેલા નહેરનું પાણી કૉલોનીમાં ઘૂસી ગયું હતું. તો બીજીતરફ હરિયાણાએ પણ તુરંત કાર્યવાહી કરી નહેરનું પાણી અટકાવી દીધું હતું. હાલ બવાના નહેરની જે દિવાલ ધરાશાઈ થઈ છે, તેનું રિપેરિંગ કામ ચાલી રહ્યું છે.