દેશનાં 150 મુખ્ય જળાશયોમાં માત્ર 21% પાણી, જુઓ ગુજરાત સહિત તમામ રાજ્યોનો રિપોર્ટ
Water Crisis : દેશમાં ભીષણ ગરમી વર્ચે ભારે જળસંકટની સમસ્યા ઉદભવી છે. અગનવર્ષાએ માત્ર લોકોનો પરસેવો જ નહીં, પાણીનો સ્રોતો પણ સુકાવી દીધા છે. કેન્દ્રીય જળ આયોગના તાજેતરના રિપોર્ટમાં ‘દેશમાં જળાશયોમાં પાણી’ અંગે ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. રિપોર્ટ મુજબ દેશના મુખ્ય 150 જળાશયોમાં પાણીમાં ધરખમ ઘટાડો થયો છે. હાલ આ જળાશોયમાં માત્ર 21 ટકા પાણી છે. જળવિદ્યુત પ્રોજેક્ટ અને પાણી પુરવઠા માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા આ તમામ જળાશયોમાં સંગ્ર ક્ષમતા કરતાં હાલ કુલ 178.784 બિલિયન ક્યુબિક મીટર (BCM) પાણી છે, જે દેશની કુલ જળ સંગ્રહ ક્ષમતાના 69.35 ટકા જેટલી છે.
જળાશયોમાં પાણી સંગ્રહ કરવાની ક્ષમતા ઘટી
રિપોર્ટ મુજબ, જળાશયોમાં વર્તમાન સંગ્રહ છેલ્લા દસ વર્ષના સરેરાશ સંગ્રહમાં ઘણો ઘટાડો થયો છે. આ મહિનાના પ્રથમ બે સપ્તાહમાં જળાશયોમાં કુલ સંગ્રહ 22 ટકા જેટલો હતો, જ્યારે તેના એક સપ્તાહ પહેલા તે 23 ટકા હતો.
દક્ષિણ ભારતના 42 જળાશયોની સ્થિતિ
આંધ્ર પ્રદેશ, તેલંગણા, કર્ણાટક, કેરળ અને તમિલનાડુના 42 જળાશયોની કુલ 53.334 બીસીએમની ક્ષમતા છે, જો કે તેની સામે માત્ર 8.508 બીએમસી પાણી છે. એટલે કે, ગત વર્ષની તુલનાએ 21 ટકા પાણી ઓછું છે.
ઉત્તર ભારતના 10 જળાશયોની સ્થિતિ
હિમાચલ પ્રદેશ, પંજાબ, રાજસ્થાનનાં કુલ 10 જળાશયોની જળ સંગ્રહ ક્ષમતા 19.663 બીસીએમ છે, જેમાં હાલમાં જળ સંગ્રહ 5.488 બીસીએમ છે, જે ગયા વર્ષની સરખામણીમાં 39 ટકા ઓછું છે.
પૂર્વોત્તર રાજ્યોના 23 જળાશયોનાં પાણીમાં આંશિક વધારો
આસામ, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, નાગાલેન્ડ અને બિહારમાં 23 જળાશયોની કુલ સંગ્રહ ક્ષમતા 20.430 બીસીએમ છે. આ જળાશયોમાં વર્તમાન જળ સંગ્રહ 3.873 બીસીએમ છે, જે કુલ ક્ષમતાના 19 ટકા છે. જો કે આ જળાશયોમાં પાણીના સંગ્રહમાં ગયા વર્ષના 18 ટકાની સરખામણીએ થોડો વધારો થયો છે.
પશ્ચિમ રાજ્યો 49 જળાશયોમાં પણ પાણી ઘટ્યું
ગુજરાત અને મહારાષ્ટ્રમાં કુલ 49 જળાશયો છે. તેમની પાણી સંગ્રહ ક્ષમતા 37.130 બીસીએમ છે. આ 49 જળાશયોમાં વર્તમાન જળ સંગ્રહ 7.608 બીસીએમ છે. ગયા વર્ષના 24 ટકાની સરખામણીએ આ સંગ્રહ ઘટીને 20.49 ટકા થયો છે.
આ ચાર રાજ્યોના 26 જળાશયોમાં સાત ટકા પાણી ઘટ્યું
ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં હાજર 26 જળાશયોની કુલ 48.227 બીસીએમ પાણી છે. વર્તમાનમાં તેમાં 12.185 બીસીએમ પાણીનો સંગ્રહ છે. ગત વર્ષના 32 ટકાની સરખામણીએ આ સંગ્રહ ઘટીને 25 ટકા થયો છે. એટલે કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે સાત ટકા પાણી ઓછું છે.