દેશમાં વક્ફ બોર્ડ પાસે કુલ પોણા નવ લાખ સંપત્તિ, જે પૈકી 994 પર ગેરકાયદે કબજો: કેન્દ્ર સરકાર
Waqf Board: કેન્દ્ર સરકારે સોમવારે સંસદમાં જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં વક્ફ દ્વારા કુલ 994 મિલકતો પર ગેરકાયદે રીતે અતિક્રમણ કરવામાં આવ્યું છે, જેમાંથી એકલા તમિલનાડુમાં સૌથી વધુ 734 મિલકતો પર ગેરકાયદે કબજો મેળવવામાં આવ્યો છે. કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસવાદી)ના નેતા જોન બ્રિટાસના પ્રશ્નોના લેખિત જવાબમાં, લઘુમતી બાબતોના મંત્રાલયે વક્ફ અંગે ઉપલબ્ધ માહિતીને ટાંકીને જણાવ્યું હતું કે દેશમાં વક્ફ એક્ટ હેઠળ 872,352 સ્થાવર અને 16,713 જંગમ વક્ફ મિલકતો નોંધાયેલી છે.
તમિલનાડુ, આંધ્રપ્રદેશમાં સૌથી વધુ ગેરકાયદે કબજો
લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જવાબ આપતાં કહ્યું કે, 'ઉપલબ્ધ માહિતી મુજબ વક્ફ દ્વારા 994 મિલકતો પર ગેરકાયદે કબજો કર્યો હોવાની માહિતી મળી છે. દેશભરમાં આવી કુલ 994 મિલકતોમાંથી, તમિલનાડુમાં 734 મિલકતો પર વક્ફ ગેરકાયદે કબજો ધરાવે છે. આ સિવાય આંધ્રપ્રદેશમાં 152, પંજાબમાં 63, ઉત્તરાખંડમાં 11 અને જમ્મુ અને કાશ્મીરમાં 10 મિલકતો પર ગેરકાયદે કબજો કર્યો છે.
આ પણ વાંચોઃ ભાજપના CM પર ભડક્યો સોનુ નિગમ, કહ્યું- અધવચ્ચે જ જતાં રહેવું હોય તો આવો જ છો શું લેવા?
વક્ફને 2019થી જમીન મળી નથી
કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે સોમવારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે, 2019થી કેન્દ્ર સરકાર દ્વારા વક્ફ બોર્ડને કોઈ જમીન આપવામાં આવી નથી. કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા 2019થી અત્યાર સુધી વક્ફ બોર્ડને આપવામાં આવેલી જમીન વિશેની માહિતી અંગેના પ્રશ્નના જવાબમાં આ અંગે જણાવ્યું હતું.
જ્યાં સુધી આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયનો સંબંધ છે, 2019થી ભારત સરકાર દ્વારા વક્ફ બોર્ડને કોઈ જમીન આપવામાં આવી નથી. ગયા અઠવાડિયે, જેપીસીના અધ્યક્ષ જગદંબિકા પાલે જણાવ્યું હતું કે પેનલે રાજ્ય સરકારોને તેમના અધિકારક્ષેત્ર હેઠળની વિવાદિત વકફ મિલકતોની વિગતો માંગવા માટે પત્ર લખ્યો છે.