વકફ ઐતિહાસિક સ્મારકો પર ખોટા દાવા કરી રહ્યું છે : પુરાતત્વ વિભાગ
- વકફ બિલ પર જેપીસી બેઠકમાં ભાજપ-વિપક્ષની ઉગ્ર ચર્ચા
- અહેમદ શાહની કબરને 1909માં સંરક્ષિત સ્મારક જાહેર કરાયું હતું, 2006માં તે વકફ મિલકત ઠરાવાઈ
નવી દિલ્હી : વકફ સુધારા બિલ પર ચર્ચા-વિચારણા કરી રહેલી સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) સમક્ષ ભારતીય પુરાતત્વ વિભાગ (એએસઆઈ)એ શુક્રવારે ૧૨૦થી વધુ સ્મારકોની યાદી રજૂ કરી હતી, જે તેના સંરક્ષણ હેઠળ છે, પરંતુ વિવિધ રાજ્યોના વકફ બોર્ડ દ્વારા તેના પર દાવો કરવામાં આવ્યો છે. જોકે, આ સમયે વિપક્ષના નેતાઓએ વકફ બોર્ડ તેમની કોઈપણ સંપત્તિ પર દાવો કરી શકે છે તેવી દલીલોની ટીકા કરી હતી.
વકફ (સુધારા) કાયદાની સમિક્ષા કરતી સંસદીય સમિતિની પેનલ સમક્ષ હાજર થયેલા ભારતીય પુરાતત્વ વિભાગ (એએસઆઈ)ના અધિકારીઓને સવાલો પૂછતી વખતે ભાજપ અને વિપક્ષના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વિપક્ષના સાંસદોએ સાંસ્કૃતિક મંત્રાલય પર પેનલના સભ્યોને ગેરમાર્ગે દોરવાનો અને વકફ બોર્ડ કોઈપણ મિલકત પર માલિકી હક જાહેર કરી શકે છે તેવા દાવા સાથે ખોટી માહિતી ફેલાવવાનો આક્ષેપ કર્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે, એએસઆઈએ વકફ બોર્ડ દ્વારા દાવો કરવામાં આવેલા સંપત્તિઓની યાદીમાં ૫૩ સ્મારકોનો સમાવેશ થાય છે. તેમાંથી કેટલાકને સંરક્ષિત સ્મારક જાહેર કરાયાની એક સદી પછી વકફ મિલકતો જાહેર કરાઈ હતી.
એએસઆઈએ આવું જ એક ઉદાહરણ આપતા કહ્યું કે, મહારાષ્ટ્રના અહેમદનગરમાં નિઝામ શાસક અહેમદ શાહની કબરને ૧૯૦૯માં સંરક્ષિત સ્મારક જાહેર કરાયું હતું, પરંતુ ૨૦૦૬માં તેને વકફ મિલકત જાહેર કરાઈ હતી. વિપક્ષના એક સાંસદે આક્ષેપ કર્યો કે, એકલા દિલ્હીમાં જ ૧૭૨ વકફ મિલકતોનો ગેરકાયદે કબજો એએસઆઈ ધરાવે છે. તેમણે દાવો કર્યો કે એએસઆઈ રાજકીય પૂર્વગ્રહથી કામ કરે છે. સરકારી સંસ્થા હિન્દુ ધાર્મિક સ્થળો અને મુસ્લિમ ધાર્મિક સ્થળો પ્રત્યેક અલગ અલગ વર્તન દાખવે છે.