Get The App

આજે સંસદમાં વક્ફ બિલ રજૂ થશે, NDA ને સાથીઓના ટેકાની આશા, I.N.D.I.A કરશે વિરોધ

Updated: Apr 2nd, 2025


Google News
Google News
આજે સંસદમાં વક્ફ બિલ રજૂ થશે, NDA ને સાથીઓના ટેકાની આશા, I.N.D.I.A કરશે વિરોધ 1 - image


Waqf Bill News |  બુધવારે લોકસભામાં વકફ બોર્ડ કાયદામાં સુધારા માટેનું બિલ લોકસભામાં રજુ કરવામાં આવશે. જે પૂર્વે મંગળવારે ભાજપને તેના સાથી પક્ષોનું સમર્થન મળી ગયું હોવાથી આ બિલને બુધવારે જ લોકસભામાંથી પસાર કરી દેવામાં આવી શકે છે જ્યારે ગુરુવારે તેને રાજ્યસભામાં રજુ કરવામાં આવશે. ભાજપના સાથી પક્ષ ટીડીપીએ તો પોતાની શરતોનો સ્વીકાર કરી લેવામાં આવતા ખુલ્લેઆમ આ બિલને ટેકો જાહેર કર્યો છે પરંતુ જદ(યુ) દ્વારા કેટલાક સુધારાની માગણી કરવામાં આવી છે. જોકે ટેકો નહીં આપે તેવી પણ ખુલીને કોઇ સ્પષ્ટતા નથી કરી. ઇન્ડિયા ગઠબંધને બિલનો વિરોધ કરવાની જાહેરાત કરી છે.

ભાજપ લોકસભામાં પૂર્ણ બહુમતમાં ના હોવાથી હાલ તે ટીડીપી અને જદયુ જેવા સાથી પક્ષો પર નિર્ભર છે, માટે વકફ બિલ પસાર કરવા માટે પણ ભાજપને ચંદ્રાબાબુ નાયડુના ટીડીપી અને નિતિશ કુમારના જદયુની જરૂર પડશે. ટીડીપીએ વકફ બિલ માટે ત્રણ સંશોધનો રજુ કર્યા હતા જેનો કેન્દ્ર દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો હોવાથી ટીડીપીએ વકફ બિલને સંસદમાં સમર્થન આપવાની જાહેરાત કરી છે. ટીડીપીએ જે સુધારા રજુ કર્યા હતા તેમાં જે પણ વકફ બાય યૂઝર સંપત્તિઓ વકફ સંશોધન બિલ 1014 લાગુ થતા પહેલા નોંધાયેલી છે તે વકફની સંપત્તિ જ રહેશે  જો આવી કોઇ જમીનને લઇને વિવાદ હોય ના હોય કે સરકારી સંપત્તિ ના હોય તો.

ટીડીપીની આ શરતનો કેન્દ્ર સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે. જેથી વકફની વિવાદો વગરની સંપત્તિ વકફની જ રહેશે. આ ઉપરાંત ટીડીપીએ એવી પણ શરત મુકી હતી કે વકફ મામલાઓમાં કલેક્ટર અંતિમ નિર્ણાયક અધિકારી ના માનવામાં આવે, રાજ્ય સરકાર એક નોટિફિકેશન બહાર પાડીને કલેક્ટરથી ઉંચા પદના અધિકારીની નિમણુંક કરી શકે છે જે કાયદા મુજબ તપાસ કરશે. આ ભલામણ પણ સ્વીકારી લેવાઇ છે. ત્રીજો પ્રસ્તાવ ડિજિટલ દસ્તાવેજોની સમય મર્યાદા વધારવાનો છે, જેનો પણ સ્વીકાર કરાયો છે, જે મુજબ હવેથી જો ટ્રિબ્યૂનલને યોગ્ય લાગે તો વકફને દસ્તાવેજો જમા કરવા માટે વધુ છ મહિનાનો સમય આપી શકે છે. આ ત્રણેય ભલામણો સ્વીકારી લેવામાં આવી હોવાથી ટીડીપીએ આ બિલના સમર્થનમાં મત આપવાની જાહેરાત કરી છે. 

જ્યારે બીજી તરફ નીતિશ કુમારે પોતાના તમામ સાંસદોને વ્હીપ જારી કર્યું છે અને બુધવારે સંસદમાં હાજર રહેવા કહ્યું છે. જેને પગલે જદયુ દ્વારા પણ બિલને સમર્થન આપવામાં આવશે. એવામાં ઇન્ડિયા ગઠબંધને આ બિલનો વિરોધ કરવાની જાહેરાત કરી છે. એરએસપીના એનકે પ્રેમચંદ્રને કહ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધને સર્વ સંમતિથી વકફ બિલના વિરોધમાં મત આપવાનો નિર્ણય લીધો છે. સંસદમાં આ મુદ્દે કોઇ વિવાદ કરવામાં નહીં આવે પરંતુ તાર્કિક રીતે મુદ્દા રજુ કરવામાં આવશે. કોંગ્રેસના વરીષ્ઠ નેતા કે સી વેણુગોપાલે કહ્યું હતું કે જે પક્ષો ઇન્ડિયા ગઠબંધમાં સામેલ નથી તેમને પણ અમે બિલના વિરોધમાં મત આપવાની અપીલ કરીએ છીએ.

- બિલ પસાર કરવા ભાજપને ટીડીપી-જદયુની જરૂર કેમ

હાલમાં લોકસભામાં એનડીએની કુલ 293 બેઠકો છે, જેમાં ભાજપ પાસે 240, ટીડીપી પાસે 16, જદયુ પાસે 12, એલજેપી પાસે 5, આરએલડી પાસે 2 અને હમ પાસે એક છે. ઇન્ડિયા ગઠબંધન પાસે કુલ 235 બેઠકો છે, જેમાં કોંગ્રેસની 99, એસપીની 37, ટીએમસીની 28, ડીએમકેની 22, શિવસેના (ઉદ્ધવ)ની 9, એનસીપી (શરદ પવાર)ની 8, અન્યોની 32નો સમાવેશ થાય છે. જ્યારે એનડીએ કે ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ નથી તેવા પક્ષો જેમ કે વાયએસઆર પાસે 4, એઆઇએમઆઇએમ પાસે 1, અકાળી દળ પાસે 1 સહિત આવી કુલ 14 બેઠકનો સમાવેશ થાય છે. બુધવારે લોકસભામાં આ બિલને લઇને આઠ કલાક સુધી ચર્ચા કરવામાં આવશે.

Tags :