વકફ બિલ મુદ્દે JPCની બેઠકમાં હંગામો, ખડગે પર ગંભીર આક્ષેપ કરાતા વિપક્ષી સાંસદો ભડક્યા
Waqf Bill : વકફ બિલ મુદ્દે સંયુક્ત સંસદીય સમિતિના વિરોધ પક્ષોના સભ્યોએ સ્પીકર ઓમ બિરલાને પત્ર લખીને જગદંબિકા પાલ વિરુદ્ધ ફરિયાદ કરી છે. વિરોધ પક્ષના સાંસદોએ સ્પીકરને તાત્કાલિક હસ્તક્ષેપની માંગણી કરતાં કહ્યું હતું કે, સમિતિના અધ્યક્ષ જગદંબિકા પાલને કાયદા મુજબ સમિતિની કાર્યવાહી હાથ ધરવા માટે સૂચના આપવી જોઈએ.
પત્રમાં વિપક્ષી દળના સાંસદોએ કહ્યું કે, બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું નામ લઈને તેમના પર વકફ સંપત્તિ હડપ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, જે ખોટું છે. કર્ણાટક અલ્પસંખ્યક આયોગના પૂર્વ અધ્યક્ષ અનવર મણિપ્પડીએ JPC સમક્ષ આ આરોપ લગાવ્યો હતો.
સભ્યોએ દરમિયાનગીરીની માંગ કરી હતી
વકફ બિલ મુદ્દે વિપક્ષી દળોના નેતાઓએ પત્રમાં કહ્યું હતું, કે અમે તમને તાત્કાલિક હસ્તક્ષેપની વિનંતી કરીએ છીએ અને આશા છે કે તમે અમારી વાત સાંભળશો. સમિતિના અધ્યક્ષનું કર્તવ્ય દ્વિપક્ષીય હોવું અને સંસદીય ધોરણો જાળવવાનું છે. સંસદના સભ્યો માટે પાર્ટી લાઇનમાં કામ કરવાનું ચાલુ રાખવું ખૂબ મુશ્કેલ હશે. સંયુક્ત સંસદીય સમિતિ પક્ષપાતી અને રાજકીય રીતે પ્રેરિત છે. અમે આશા રાખીએ છીએ કે તમારુ સમર્થન મળી રહેશે.
#WATCH दिल्ली: वक्फ बिल पर संयुक्त संसदीय समिति की बैठक से विपक्षी नेताओं ने वॉकआउट किया। pic.twitter.com/tK7H4MVVJ5
— ANI_HindiNews (@AHindinews) October 15, 2024
સોમવારે બેઠકનો બહિષ્કાર કર્યો હતો
વિરોધ પક્ષોના સાંસદોએ વકફ સુધારા બિલ પર સોમવારે સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની બેઠકનો બહિષ્કાર કર્યો હતો. આ બેઠક સવારથી તો બરોબર ચાલી રહી હતી, પરંતુ કર્ણાટક લઘુમતી આયોગના ભૂતપૂર્વ અધ્યક્ષ અનવર મણિપદીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પર કરેલી ટિપ્પણી બાદ હંગામો મચી ગયો હતો.
આ સાથે કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓના સાંસદોએ હોબાળો મચાવ્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે, મલ્લિકાર્જુન ખડગે પર જમીન અંગેના બિનજરૂરી આરોપો લગાવવામાં આવી રહ્યા છે. અનવરે સમિતિ સમક્ષ જે વાત કરી તે સમિતિની કામગીરીને અનુરૂપ નથી. એટલે આવા આરોપો સ્વીકાર્ય નથી.
ઓવૈસીએ એક પત્ર પણ લખ્યો
સૂત્રોના જણાવ્યા અનુસાર AIMIMના વડા અસસુદ્દીન ઓવૈસીએ સંયુક્ત સંસદીય સમિતિના અધ્યક્ષ જગદંબિકા પાલને એક પત્ર લખીને ફરિયાદ નોંધાવી છે. ઓવૈસીએ પોતાના પત્રમાં ગોવાની સનાતન સંસ્થા અને હિંદુ જનજાગૃતિ સમિતિનો કમિટિ સમક્ષ તેમના વિચારો રજૂ કરવાનો વિરોધ કર્યો છે.