કદાવર નેતાએ NDAનું ટેન્શન વધાર્યું, વક્ફ બિલ અંગે કહ્યું - 'લઘુમતીઓ સાથે અન્યાય નહીં થવા દઈએ'
Image: IANS |
Ajit Pawar On Waqf Bill: મહારાષ્ટ્રમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, જેના ભાગરૂપે વિવિધ રાજકીય પક્ષો મતદારોને આકર્ષિત કરવા માટે વિવિધ દાંવ લગાવી રહી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તથા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા અજિત પવારે મોટો દાવો કર્યો છે કે, લોકસભામાં રજૂ વક્ફ (સુધારા) બિલ, 2024માં લઘુમતીઓ સાથે અન્યાય નહીં થવા દે...
એનસીપી વડાએ ધુલેમાં જન સન્માન યાત્રાને સંબોધિત કરતાં કહ્યું હતુ કે, કેન્દ્ર સરકાર એક નવુ બિલ વક્ફ (સુધારા) બિલ, 2024 લઈ આવી છે. જેને જેપીસીમાં મોકલવામાં આવ્યું છે. જેમાં લોકસભા અને રાજ્યસભા બંનેના સાંસદ સામેલ છે.
અમે લઘુમતીઓની મુંઝવણો સાંભળીશું - અજિત પવાર
અજિત પવારે કહ્યું, 'એનસીપીએ નક્કી કર્યું છે કે જો તમને આ બિલ અંગે કોઈ ચિંતા કે મુંઝવણ હોય તો અમે તમારી મુંઝવણો સાંભળીશું. અમે લઘુમતીઓ સાથે કોઈપણ પ્રકારનો અન્યાય થવા દઈશું નહીં. હું તમામને અપીલ કરું છું કે કોઈ પણ અફવા પર વિશ્વાસ ન કરો. મહિલાઓ અંગે અજિત પવારે કહ્યું કે, 'અમે રાજ્યની મહિલાઓ માટે નવી લાડલી બહેના યોજના લાવ્યા છીએ. રાજ્યની મહિલાઓને NCPમાં વિશ્વાસ છે. નવેમ્બરમાં ચૂંટણી થશે અને ડિસેમ્બરમાં નવી સરકાર બનશે. અમારે આ યોજના આગળ ચાલુ રાખવાની છે તેથી હું તમને બધાને મહાયુતિ અને તેના સંબંધિત ધારાસભ્ય ઉમેદવારોને સમર્થન આપવા વિનંતી કરું છું.
અજિત પવારનો જીવ જોખમમાં
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીના જીવને જોખમ છે, તેમ છતાં તેઓ ધુલે પહોંચ્યા હતાં. પોલીસ અને વહીવટીતંત્રે તેમની મુલાકાતને લઈને કડક સુરક્ષા વ્યવસ્થા કરી હતી અને તેઓ એલર્ટ સ્થિતિમાં જોવા મળ્યા હતા. ગુપ્તચર વિભાગ પાસેથી મળેલી માહિતી બાદ પોલીસે અજિત પવારની સુરક્ષા વધારી દીધી છે. તેમની ધમકી પર મંત્રી અનિલ પાટીલે કહ્યું કે, અજિત પવાર જનતાની વચ્ચે કામ કરી રહ્યા છે કારણ કે તેઓ લોકસેવક છે. અજિત પવારને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે, પરંતુ અમે આવી ધમકીઓથી ડરતા નથી.
આ વખતે કાકા-ભત્રીજા સામસામે
મહારાષ્ટ્રમાં થોડા મહિનામાં ચૂંટણી યોજાવાની છે. એવી ચર્ચા છે કે નવેમ્બરમાં ચૂંટણી થઈ શકે છે. આ વખતે કાકા શરદ પવાર અને ભત્રીજા અજિત પવાર આમને-સામને હશે. એનસીપીના બંને જૂથ પોતપોતાની રણનીતિ બનાવવામાં વ્યસ્ત છે અને સતત ચૂંટણી પ્રવાસો કરી રહ્યા છે. અજિત પવારની પાર્ટી એનસીપીએ સન્માન યાત્રા શરૂ કરી છે, જ્યારે શરદ ચંદ્ર પવારની પાર્ટી એનસીપીએ શિવ સ્વરાજ્ય યાત્રા શરૂ કરી છે. આ બંને મુલાકાતો દ્વારા બંને જૂથો એકબીજા પર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે. બીજી તરફ, MNS પ્રમુખ રાજ ઠાકરે પણ રાજ્યમાં રાજકીય તાપમાન વધારી રહ્યા છે.