શિયાળુ સત્ર પહેલા ચંદ્રબાબુ નાયડુના પક્ષે વધારી મોદી સરકારની ચિંતા! વક્ફ બિલ મુદ્દે મોટી જાહેરાત
Wakf Amendment Bill : દેશભરમાં હાલ વકફ બિલ મુદ્દે ભારે ચર્ચાઓ સાથે વાદ-વિવાદ જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકારે પણ શિયાળુ સત્રમાં બિલ લાવવાની તૈયારીઓ કરી દીધી હોવાનું કહેવાય છે, ત્યારે આ બિલ મુદ્દે NDAમાં સામેલ તેલુગુ દેશમ પાર્ટી (TDP) ભાજપનું ટેન્શન વધારી શકે છે. ટીડીપીના એક દિગ્ગજ નેતા જ આ બિલનો વિરોધ કરતા હોવાનું સામે આવ્યું છે.
ટીડીપીના ઉપાધ્યક્ષે બિલનો કર્યો વિરોધ
ટીડીપીના ઉપાધ્યક્ષ નવાબ જાન ઉર્ફે અમીર બાબૂએ એક કાર્યક્રમમાં કહ્યું છે કે, ‘વકફ સુધારો બિલ નિષ્ફળ બનાવવાનો છે.’ નવાબ જાનના આ નિવેદન બાદ એવી ચર્ચાઓ થવા લાગી છે કે, આ મામલે ભાજપ શું પ્રતિક્રિયા આપશે ? મીડિયા અહેવાલો મુજબ કેન્દ્ર સરકાર આ બિલ સંસદના આગામી સત્રમાં રજૂ કરી શકે છે.
આ પણ વાંચો : આગામી હજ યાત્રાને લઈને મોટો નિર્ણય, પૈસા જમા ન કરાવી શકનારા લોકોને કમિટીએ આપી રાહત
વકફ સુધારા બિલ લોકસભા બાદ સંસદમાં રજૂ કરાશે
કેન્દ્ર સરકારે થોડા સમય પહેલા આ બિલ લોકસભામાં રજુ કર્યું હતું. સરકારે કહ્યું કે, મુસલમાનોના હિતમાં વકફ સુધારા બિલ લવાયું છે. જોકે વિપક્ષોએ તેનો વિરોધ કરતા બિલને જીપીસી સમક્ષ મોકલવામાં આવ્યું હતું. સરકારે આ બિલ મુદ્દે દેશના લોકોનો અભિપ્રાય પણ માંગ્યો હતો.
બિલ મુદ્દે મુસ્લિમોનો વિરોધ
મુસ્લિમ સંગઠનો પણ આ બિલ સામે સતત અવાજ ઉઠાવી રહ્યા છે. જોકે ટીડીપી ઉપાધ્યક્ષના નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે. ટીડીપીના ઉપાધ્યક્ષે કહ્યું કે, ‘આ દેશની આઝાદીમાં સૌથી વધુ હિસ્સો મુસ્લિમોનો છે. અમે વકફ બિલને સંપૂર્ણપણે નકારીએ છીએ. બિલમાં જે પણ ફેરફાર કરવાનો પ્રયાસ કરાયો છે, જે કોઈપણ બાબતમાં મુસ્લિમોના પક્ષમાં નથી. આપણા નેતા ચંદ્રબાબુ નાયડુ બિનસાંપ્રદાયિક વિચારધારાવાળા છે. અમારી સરકાર મુસ્લિમોના બાળકોને શિક્ષણ માટે 15 લાખ રૂપિયા સુધી આપી રહી છે. જો કેન્દ્ર સરકાર દ્વારા વકફ બિલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે તો અમે તેનો વિરોધ કરીશું.’
આંધ્રપ્રદેશમાં બિલના વિરોધમાં કાર્યક્રમ યોજાશે
તેમણે એમ પણ કહ્યું કે, આ દેશ પર દરેકનો અધિકાર છે. આપણે સૌએ શહીદી આપી છે. જો કોઈ આપણા દેશને વિભાજિત કરવાનો પ્રયાસ કરશે તો તેને રોકવા આપણે બલિદાન આપી દઈશું. આપણા મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુની વિચારધારા બિનસાંપ્રદાયિક છે. 15મી ડિસેમ્બરે આંધ્રપ્રદેશમાં વકફ બિલના વિરોધમાં કાર્યક્રમ યોજાશે. જેમાં મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ પણ ભાગ લેશે.
આ પણ વાંચો : 3 વર્ષથી કાશ્મીરમાં આતંક ફેલાવતો પાક આતંકી ઠાર, લશ્કરના કમાન્ડર સજ્જાદનો રાઈટ હેન્ડ હતો