'કલ્યાણ બેનર્જીએ મને અપશ્બ્દો કહ્યા...', વક્ફની જેપીસી બેઠકમાં થયેલા હોબાળા અંગે જગદંબિકા પાલની પ્રતિક્રિયા
Waqf Amendment Bill: વક્ફને લઈને બનાવવામાં આવેલી સંસદની સંયુક્તિ સમિતિ(JPC)ની બેઠક દરમિયાન શુક્રવારે ફરી એકવાર હોબાળો થયો. ચેરપર્સન જગદંબિકા પાલે હોબાળાને લઈને 10 વિપક્ષી સાંસદોને એક દિવસ માટે સસ્પેન્ડ કરી દીધા. વિપક્ષી સાંસદ સવાલ ઉઠાવી રહ્યા હતા કે આટલી ઉતાવળમાં કમિટીની બેઠક શા માટે બોલાવવામાં આવી રહી છે. આ દરમિયાન વિપક્ષી સાંસદો અને સત્તા પક્ષથી જોડાયેલા સાંસદો વચ્ચે બોલાચાલી પણ થઈ. એટલું જ નહીં જેપીસી અધ્યક્ષ જગદંબિકા પાલે કહ્યું કે, 'વિપક્ષી સાંસદોએ તેમના વિરુદ્ધ અસંસદીય શબ્દનો ઉપયોગ કર્યો અને અપશબ્દો પણ કહ્યા.'
'કલ્યાણ બેનર્જીએ મને અપશબ્દો કહ્યાં'
જેપીસીના અધ્યક્ષ જગદંબિકા પાલે કહ્યું કે, 'અમે સંસદને બે વખત સ્થગિત કરી. કલ્યાણ બેનર્જીએ મારા વિરુદ્ધ અસંસદીય શબ્દોનો ઉપયોગ કર્યો અને મને અપશબ્દો કહ્યા, હું તેમને અપીલ કરતો રહ્યો કે તે લોકોને બોલવા દે, જેમણે અમને આમંત્રિત કર્યા હતા. અમે સદનને વારંવાર સ્થગિત કરી, પરંતુ તેઓ ઇચ્છતા ન હતા કે બેઠક ચાલે. જમ્મુ કાશ્મીરથી એક પ્રતિનિધિમંડળ આવ્યું હતું, પરંતુ તેઓ બૂમો પાડતા રહ્યા અને નારા લગાવતા રહ્યા એટલા માટે અંતે નિશિકાંત દુબેને પ્રસ્તાવ રજૂ કરવો પડ્યો અને તમામે આના પર સહમતિ દર્શાવી.'
વિપક્ષી સાંસદોએ શું લગાવ્યા આરોપ?
વક્ફને લઈને બોલાવવામાં આવેલી સંસદની સંયુક્ત સમિતિની બેઠક દરમિયાન સત્તા પક્ષથી જોડાયેલા સાંસદ અને વિપક્ષી સાંસદોમાં ઉગ્ર બોલાચાલી થઈ. વિપક્ષી સાંસદ સતત જગદંબિકા પાલ પર તૂટી પડ્યા હતા. વિપક્ષી સાંસદોનો આરોપ હતો કે ચેયરપર્સન જગદંબિકા પાલ વિપક્ષી સાંસદોની વાત સાંભળ્યા વગર પોતાની મરજીથી બેઠક બોલાવી રહ્યા છે.
વિપક્ષી સાંસદોનો આરોપ
વક્ફ પર જેપીસીમાં વિપક્ષી દળોના સભ્યોના હોબાળા પાછળનું મુખ્ય કારણ સમિતિના સભ્યોની માંગ હતી કે રિપોર્ટને અપનાવવાની તારીખ બદલીને 31 જાન્યુઆરી કરવામાં આવે. અગાઉ આ અંગે ચર્ચા માટે 24મી અને 25મી જાન્યુઆરીની તારીખ નક્કી કરવામાં આવી હતી. પરંતુ ગુરુવારે મોડી રાત્રે તારીખ બદલીને 27 જાન્યુઆરી કરવામાં આવી હતી. વિપક્ષી સાંસદોની માંગ એવી હતી કે મીટિંગ 27 જાન્યુઆરીના બદલે 31 જાન્યુઆરી સુધી મુલતવી રાખવામાં આવે.
જેપીસી રિપોર્ટ 27 કે 28 જાન્યુઆરીએ સબમિટ કરવામાં આવી શકે છે
આ હોબાળો જોઈને માર્શલ બોલાવવામાં આવ્યા. ત્યારબાદ જેપીસી પ્રમુખ જગદંબિકા પાલ દ્વારા વિપક્ષના અસદુદ્દીન ઓવૈસી અને કલ્યાણ બેનર્જી સહિત 10 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિપક્ષના સાંસદોનો આક્ષેપ છે કે, 'અમારી વાત નથી સાંભળવામાં આવતી.' જો કે આ પહેલા પણ આ બેઠકમાં વિવાદો થયા છે. વક્ફ પર જેપીસીની આ બેઠક બે દિવસ સુધી ચાલશે. સૂત્રોના જણાવ્યા અનુસાર જેપીસી રિપોર્ટ 27 કે 28 જાન્યુઆરીએ સબમિટ કરવામાં આવી શકે છે.
ચર્ચા દરમિયાન વિપક્ષના સાંસદો બેઠક છોડીને ચાલ્યા ગયા હતા. જે બાદ અધ્યક્ષ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. TMC, DMK, કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના નેતાઓને JPCમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ 10 સાંસદોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા
બેઠકમાં હોબાળા બાદ તમામ 10 વિપક્ષી સાંસદોને વક્ફ સુધારા બિલ 2024 પર સંયુક્ત સંસદીય સમિતિની બેઠકમાંથી એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સસ્પેન્ડ કરાયેલા વિપક્ષી સાંસદોમાં કલ્યાણ બેનર્જી, મોહમ્મદ જાવેદ, એ રાજા, અસદુદ્દીન ઓવૈસી, નાસિર હુસૈન, મોહિબુલ્લાહ, એમ અબ્દુલ્લા, અરવિંદ સાવંત, નદીમુલ હક, ઈમરાન મસૂદનો સમાવેશ થાય છે.
બેઠકમાં કટોકટી જેવું વાતાવરણઃ બેનર્જી
વક્ફ સુધારા બિલ 2024 પર સંસદ સંકુલમાં યોજાયેલી જેપીસીની બેઠક પર કલ્યાણ બેનર્જીએ કહ્યું કે, 'બેઠકમાં અઘોષિત કટોકટી જેવું વાતાવરણ ચાલી રહ્યું છે. અધ્યક્ષ આ બેઠકને આગળ લઈ રહ્યા છે અને તેઓ કોઈનું સાંભળી રહ્યા નથી. અમને કહેવામાં આવ્યું હતું કે 24 અને 25 જાન્યુઆરીએ બેઠક યોજાશે. હવે આજની મીટિંગનો એજન્ડા બદલી નાખવામાં આવ્યો છે.'