BIG NEWS: લોકસભામાં વક્ફ સંશોધન બિલ પસાર, પક્ષમાં 288 અને વિરોધમાં 232 મત પડ્યા
Waqf Amendment Bill: મોડી રાત્રે લોકસભામાં વક્ફ સંશોધન બિલ પસાર થયું છે. કેન્દ્ર સરકારે વકફ કાયદામાં સુધારા માટેનું બિલ લોકસભામાં રજુ કર્યું હતું, જેના પર સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ધારદાર દલીલો થઇ હતી. વિપક્ષ ઇન્ડિયા ગઠબંધને આ બિલનો વિરોધ કર્યો હતો જ્યારે એનડીએના પક્ષોએ બિલનું સમર્થન કર્યું હતું. બિલને કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂ દ્વારા રજુ કરાયું હતું, જેના પર બપોરથી રાતના 12 વાગ્યા સુધી ચર્ચા થઇ હતી. ચર્ચાના અંતે આ બિલ લોકસભામાં પસાર થયું હતું. વક્ફ બિલ સંશોધનના પક્ષમાં 288 મત પડ્યા હતા અને 232 મત વિરોધમાં પડ્યા હતા. હવે ગુરૂવારે રાજ્યસભામાં રજૂ કરાય તેવી પૂરી શક્યતા છે.
જણાવી દઈએ કે, લોકસભામાં બિલ પાસ થતાં હવે તેને રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. જ્યાં આ બિલ પસાર થયા બાદ રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુને મોકલવામાં આવશે. તેની મંજૂરી મળતા જ વક્ફ (સંશોધન) બિલ 2025 કાયદો બની જશે.
લોકસભાની કાર્યવાહી રાત્રે 10 વાગ્યા સુધી વધારવામાં આવી હતી. ત્યારબાદ વક્ફ સંશોધન બિલ 2025 પસાર ન થાય ત્યાં સુધી કાર્યવાહીનો સમય લંબાવાયો હતો. આમ, 2 એપ્રિલે ત્રણ વખત લોકસભાની કાર્યવાહીનો સમય વધારાયો હતો. બીજી તરફ, રાજ્યસભામાં આવતીકાલે (3 એપ્રિલ, 2025) બપોરે એક વાગ્યે વક્ફ સંશોધન બિલ પર ચર્ચા કરવામાં આવશે.
વક્ફ બિલમાં કયા સુધારા થશે?
1. જિલ્લા કલેક્ટર પાસે વક્ફ મિલકતોની નોંધણી કરાવવી, જેથી તેની સાચી કિંમત અને સ્થિતિનું મૂલ્યાંકન કરી શકાય તથા મિલકતોના સંચાલનમાં પારદર્શકતા અને કાર્યક્ષમતા આવે.
2. વક્ફ બોર્ડના સભ્યોની પસંદગી ચૂંટણી દ્વારા કરવાને બદલે સરકાર દ્વારા નિમણૂક થશે. પ્રત્યેક બોર્ડમાં ઓછામાં ઓછા બે સભ્યો બિન-મુસ્લિમ હશે. બિન-મુસ્લિમને પણ બોર્ડના સીઈઓ બનવાની તક મળશે.
3) સામુદાયિક સમાનતા લાવવા માટે વક્ફ બોર્ડમાં મહિલાઓને પણ સભ્યપદ અપાશે.
વિપક્ષ અને મુસ્લિમ સમાજ શા માટે વિરોધમાં?
સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા વક્ફ બિલના સુધારાનો મુસ્લિમ સમુદાય અને વિપક્ષ વિરોધ કરી રહ્યા છે. આ બાબતે તેમણે નીચે મુજબના મુદ્દા આગળ કર્યા છે.
1. પ્રસ્તાવિત સુધારા લાગુ કરવાથી વક્ફ બોર્ડના કામકાજમાં સરકારની દખલગીરી વધશે, જેને લીધે મુસ્લિમોની ધાર્મિક બાબતો પ્રભાવિત થશે.
2. મુસ્લિમ સમુદાયની સ્વતંત્રતા પર પણ અસર થશે અને તેમના અધિકારો નબળા પડશે. પોતાની સંપત્તિ સ્વેચ્છાએ વક્ફને દાન કરવાના મુસ્લિમ વ્યક્તિના હક પર પ્રતિકૂળ અસર પડશે.
3. વક્ફ બોર્ડમાં સત્તાનું કેન્દ્રીકરણ થશે, જેનાથી લોકતાંત્રિક મૂલ્યોને નુકસાન થશે.
4. હિન્દુ મંદિરો અને ટ્રસ્ટોના બોર્ડમાં બિન-હિંદુઓને સ્થાન નથી મળતું, તો પછી વક્ફમાં બિન-મુસ્લિમોને પ્રવેશ આપવાનો આગ્રહ કેમ? - એવો પ્રશ્ન મુસ્લિમો કરી રહ્યા છે.
5. વક્ફ પ્રોપર્ટીને સરકારી મેનેજમેન્ટ દ્વારા નિયંત્રિત કરીને સરકાર લાંબે ગાળે અમુકતમુક મિલકતો પોતાને હસ્તક લઈ લેશે.
કયા કારણસર વક્ફ બિલ લાવી સરકાર?
1. 1995ના કાયદામાં વક્ફ પ્રોપર્ટી, ટાઈટલ વિવાદો અને વક્ફ જમીનના ગેરકાયદે કબજાના નિયમન સંબંધિત કેટલીક છટકબારી છે. આ છટકબારી સુધારીને વક્ફ પ્રોપર્ટીના સંચાલનમાં પારદર્શકતા લાવીને તેના સંચાલનને વધુ અસરકારક બનાવવું જરૂરી છે.
2. વક્ફ પ્રોપર્ટીની કોઈ ન્યાયિક દેખરેખ નથી, વ્યવસ્થિત મૂલ્યાંકન થતું નથી.
3. વક્ફ બોર્ડના બંધારણમાં મર્યાદિત વિવિધતા છે.
4. બોર્ડના વર્તમાન નિયમો સત્તાનો દુરુપયોગ કરવાની તક આપે છે.
5. વક્ફ બોર્ડ અને સ્થાનિક મહેસૂલ સત્તાવાળાઓ વચ્ચે અસરકારક સંકલનનો અભાવ છે.
6. મિલકત પર દાવો કરવા માટે વક્ફ બોર્ડને વ્યાપક સત્તા અપાઈ છે, જે વિવાદો અને કોર્ટ કેસની સ્થિતિમાં પરિણમે છે.
વિવાદાસ્પદ વક્ફ મિલકતોનો કબજો સરકાર લેશે?
અત્યાર સુધી એવું થતું આવ્યું છે કે, કોઈ પ્રોપર્ટી અમુક સમયગાળા માટે ધાર્મિક હેતુસર મુસ્લિમો દ્વારા ઉપયોગમાં લેવામાં આવી હોય તો વક્ફ તે પ્રોપર્ટીને પોતાને હસ્તક લઈ લેતું હતું. આ રીતે સરકારી જમીનો પણ વક્ફ હસ્તક જતી રહી છે. નવું બિલ આ મુદ્દે તપાસ કરવાની છૂટ આપશે. એના અંતર્ગત કાયદેસર વક્ફ સંપત્તિ તો વક્ફ પાસે જ રહેશે, પણ જે સંપત્તિ ફક્ત વપરાશને કારણે વક્ફ હસ્તક લઈ લેવાઈ છે, એ સરકાર પાછી લઈ શકશે.
સરકારના ઈરાદા સામે શંકા
વક્ફ બિલ મુદ્દે સરકારના ઈરાદા પર શંકા કરતો નિષ્ણાતોનો એક વર્ગ એમ પણ કહે છે કે, દેશના અન્ય વધુ જરૂરી મુદ્દા પરથી પ્રજા અને મીડિયાનું ધ્યાન હટાવવા માટે આ સમગ્ર ખેલ રચાયો છે. મોંઘવારી, બેરોજગારી, સતત તૂટતો રૂપિયો તેમજ અમેરિકા સાથેનું ટેરિફ યુદ્ધ જેવી બાબતો પરથી ધ્યાન હટાવવા માટે અને બિહારની ચૂંટણીમાં મતોનું ધ્રુવીકરણ કરવા સરકારે આ મુદ્દો ઉઠાવ્યો છે.