ફ્લાઈટ કેન્સલ થાય તો ક્યારે અને કેવી રીતે મળે છે રિફંડ, કોઈ ચાર્જ કપાશે? જાણો સંપૂર્ણ ડિટેલ
Image:Freepik
Flight Cancellation Refund Rule: આકસ્મિક, સામાજિક કારણ હોય કે પછી કુદરતી કારણ-ગમે તે કારણસર ગમે તે મુસાફરી રદ કરવાની નોબત આવી શકે છે. ખાસ કરીને આજકાલ બસ હોય, ટ્રેન હોય કે ફ્લાઇટ, દરેક જગ્યાએ ટિકિટ બુકિંગથી લઈને સ્ટેટ્સ અને રિફંડને લઈને મુસાફરોના મનમાં વિવિધ પ્રકારની સમસ્યા સર્જાય છે. તેમાં સૌથી મોટો પ્રશ્ન ટિકિટ કેન્સલેશન પર રિફંડનો છે. તેમાં પણ ખાસ કરીને ફ્લાઇટમાં આ સમસ્યા મોટી બને છે કારણકે આ પ્રશ્ન બે બાજુનો બની જાય છે. પ્રથમ જો ફ્લાઇટ કેન્સલ થાય અને બીજું કે પેસેન્જર પોતે ટિકિટ કેન્સલ કરાવે તો રિફંડ કેટલું, ક્યારે અને કેવી રીતે મળવાપાત્ર છે?
તો ચાલો આજે આ અહેવાલમાં ફ્લાઇટ કેન્સલેશન પોલિસી, પ્રોસેસ અને ફ્લાઇટ ટિકિટ કેન્સલેશન રિફંડ સહિતના પ્રશ્નો વિગતવાર સમજવાનો પ્રયાસ કરીએ.
બસ અને ટ્રેન કરતા ઝડપી, સલામત અને વધુ આરામદાયક મુસાફરી સેવા આપતી ફ્લાઇટ સેવા દ્વારા મુસાફરી કરવી પહેલા જ વધુ ખર્ચાળ છે અને તેમાં પણ જો કેન્સલેશનની વાત આવે તો પછી પૈસાની ચિંતા અને સમસ્યાઓનો પાર જ નથી રહેતો. લાંબા અંતરની મુસાફરી માટે હવાઈ સેવાને અગ્રિમતા આપતા મુસાફરોને ફ્લાઇટ ટિકિટ રિફંડ પોલિસી વિશે વધુ ચિંતા કરવી પડી શકે છે. ફ્લાઈટમાં મુસાફરોના સામાનના વજનને લઈને પણ કડક નિયમો છે. જો વજન નિર્ધારિત વજન કરતા વધી જાય તો વધારાના ચાર્જિસ ચૂકવવા પડે છે અને તે ખૂબ જ વધુ હોય છે.
ચાર્જિસ અને રિફંડના નિયમો અને શરતો
અલગ-અલગ એરવેઝ અને એરલાઈન્સમાં ટિકિટ કેન્સલેશન ચાર્જ અને રિફંડને લઈને અલગ-અલગ નિયમો અને શરતો હોય છે. ડીજીસીએની સૂચના અનુસાર, ફ્લાઇટ કેન્સલ થવાના કિસ્સામાં એરલાઇન્સે મુસાફરોની સગવડતા અનુસાર ટિકિટો ફરીથી શેડ્યૂલ કરવી પડશે અને તેમની સુવિધાઓનું ધ્યાન રાખવું પડશે. જો મુસાફરો આ રીશેડ્યુલને નકારે છે તો તેમની ટિકિટની સંપૂર્ણ રકમ પરત કરવી પડશે. જોકે, આવી સ્થિતિ ભાગ્યે જ જોવા મળે છે, પરંતુ કેટલીકવાર એરલાઇન્સ આ માટે પણ ચાર્જ કાપે છે.
આ સિવાય જો તમે તમારી ફ્લાઇટ ટિકિટ કેન્સલ કરો છો, તો રિફંડ માટે અલગ-અલગ નિયમો છે. ડોમેસ્ટિક એરલાઈન્સના નિયમો અનુસાર, જો ફ્લાઈટ ઉપડવાના 7 દિવસ પહેલા ટિકિટ કેન્સલ કરવામાં આવે તો સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે. ફ્લાઇટના 3 દિવસ પહેલા ટિકિટ કેન્સલ કરવા માટે લગભગ 3000 રૂપિયાનો ચાર્જ છે. તેનાથી ઓછા સમય માટે ટિકિટ કેન્સલેશન પર 3500 રૂપિયા સુધીના ચાર્જ વસૂલ થાય છે.
જોકે ઘણી એરલાઇન્સ ટિકિટ કેન્સલેશન સંબંધિત એક વિશેષ વિકલ્પ પણ ઓફર કરે છે, જે હેઠળ તમે બુકિંગ સમયે અમુક ફિક્સ્ડ ચાર્જ ચૂકવીને કેન્સલેશન પર સંપૂર્ણ રિફંડ મેળવી શકો છો. આ માટે તમારે ટિકિટ બુક કરતા પૂર્વે દરેક એરલાન્સની Airlines Cancellation and Refund Policy ચકાસવી જરૂરી છે.
ઓનલાઈન પ્રોસેસ :
- ઓનલાઈન ફ્લાઇટ ટિકિટ રદ્દ કરવા માટે, સૌ પ્રથમ જેના દ્વારા ટિકિટ બુક કરવામાં આવી છે તે એરલાઇનની એપ અથવા સાઇટ પર લોગ ઇન કરવું પડશે.
- આ પછી તમારી ટિકિટની સંપૂર્ણ વિગતો જોવા માટે માય બુકિંગ અથવા માય ટ્રિપ્સ સેક્શન પર ક્લિક કરો અને કેન્સલ (Cancel) વિકલ્પ પસંદ કરો.
- Ticket Cancel પર ક્લિક કર્યા પછી, રિફંડની સંપૂર્ણ બ્રેક-અપ ડિટેલ નીચે જોવા મળશે.
- તેમાં એપના ફ્લાઇટ કેન્સલેશન ચાર્જિસ પણ દર્શાવેલા હશે.
- આ માહિતી ચકાસ્યા બાદ જેમ જ તમે ઓકે બટન પર ક્લિક કરો છો તેમ તરત જ રિફંડ મેળવવાની અંતિમ તારીખ પોપ-અપમાં બતાવવામાં આવે છે. દર્શાવેલ નિર્ધારિત દિવસોમાં પૈસા જે ખાતામાંથી ટિકિટ બુક કરવામાં આવી તે જ ખાતામાં જમા થઈ જશે.