Get The App

કોઈ હિન્દુ ટ્રસ્ટમાં મુસ્લિમને સદસ્ય બનાવશો? વક્ફ એક્ટ મુદ્દે સુનાવણી દરમિયાન SCનો સવાલ

Updated: Apr 16th, 2025

GS TEAM


Google News
Google News
કોઈ હિન્દુ ટ્રસ્ટમાં મુસ્લિમને સદસ્ય બનાવશો? વક્ફ એક્ટ મુદ્દે સુનાવણી દરમિયાન SCનો સવાલ 1 - image


Waqf Act Supreme Court LIVE: નવા વકફ કાયદા વિરુદ્ધ દાખલ કરાયેલી અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ. કોર્ટમાં 73 અરજીઓ દાખલ કરવામાં આવી છે, જેમાંથી આજે દસ અરજીઓ પર સુનાવણી થવાની વાત કહેવામાં આવી હતી. વક્ફ સુધારા કાયદાની માન્યતાને કોર્ટમાં પડકારવામાં આવી છે. અરજીઓમાં દાવો કરવામાં આવ્યો હતો કે સુધારેલા કાયદા હેઠળ વકફ મિલકતોનું સંચાલન અસામાન્ય રીતે કરવામાં આવશે અને આ કાયદો મુસ્લિમોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે.

આ પણ વાંચો : કોંગ્રેસે જ ED બનાવી અને પોતે જ પરેશાન: રાહુલ ગાંધી પર ચાર્જશીટ મુદ્દે અખિલેશ યાદવનું નિવેદન

સુપ્રીમ કોર્ટની બેન્ચમાં કોણ કોણ સામેલ? 

મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના, ન્યાયાધીશ સંજય કુમાર અને ન્યાયાધીશ કે.વી. વિશ્વનાથનનની ત્રણ ન્યાયાધીશોની બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી છે. તાજેતરમાં, કેન્દ્ર સરકારે વક્ફ કાયદામાં સુધારો કર્યો હતો, જેનો અમલ કરવામાં આવ્યો છે. આ અંગે કેટલીક જગ્યાએ વિરોધ પ્રદર્શનો થયા છે અને ઘણી જગ્યાએ હિંસક ઘટનાઓ પણ નોંધાઈ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તાક્ષર બાદ 5 એપ્રિલે સંસદમાં ચર્ચા દરમિયાન આ કાયદો પસાર કરવામાં આવ્યો હતો.

શું છે વક્ફ બાય યુઝર

વક્ફ બાય યુઝર એ માલિક દ્વારા ઔપચારિક રીતે જાહેર કરવામાં ન આવેલી સંપત્તિઓ છે. જેનો ઉપયોગ લાંબા સમયથી ચેરિટેબલ કે ધાર્મિક હેતુઓ માટે વક્ફ બોર્ડ દ્વારા થઈ રહ્યો છે. જેના પર કોઈ ડીડ થયા નથી.

સુનાવણી આવતીકાલ સુધી સ્થગિત

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ આ મામલે નોંધ લીધી છે કે, આ મુદ્દે સર્જાયેલી હિંસા એ ખૂબ જ હેરાન કરનારો મામલો છે. આ મામલે કોર્ટ કામચલાઉ નિર્ણય લઈ શકે તેમ નથી. જેથી સુપ્રીમ કોર્ટે આ મામલે વધુ સુનાવણી આવતીકાલે ગુરૂવારે બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કર્યો છે.

વક્ફ બાય યુઝર 1940થી લાગુઃ સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે, સામાન્ય રીતે, જ્યારે કાયદો પસાર થાય છે ત્યારે અમે હસ્તક્ષેપ કરતા નથી, પરંતુ આ કાયદામાં અપવાદો ઘણા છે. અહીં વક્ફ બાય યુઝરના કિસ્સામાં ઘણી ગંભીર સમસ્યાઓ સર્જાશે. વક્ફ બાય યુઝર 1940થી લાગુ છે.

વક્ફ બાય યુઝર સંપત્તિઓને ડિનોટિફાઈ કરવા મુદ્દે સરકારની ટીકા

સુપ્રીમ કોર્ટે આ સુનાવણીમાં કેન્દ્ર સરકારને આડે હાથ લીધી હતી. કેન્દ્ર સરકાર દ્વારા વક્ફ બાય યુઝરની સંપત્તિઓને રદ કરવાની કવાયત પર આકરા સવાલો પૂછ્યા હતાં. CJIએ સ્પષ્ટપણે કહ્યું કે, જો આ સંપત્તિઓને ડિનોટિફાઈ (રદ કરવામાં આવશે, તો તે એક મોટો મુદ્દો બની શકે છે. સરકાર તરફથી દલીલ કરી રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાને CJIએ પૂછ્યું કે, તમે હજી પણ મારા સવાલનો જવાબ આપી રહ્યા નથી. શું વક્ફ બાય યુઝરની માન્યતા રદ કરવામાં આવશે કે નહીં?  જેના જવાબમાં એસજી મહેતાએ કહ્યું કે, જો સંપત્તિ રજિસ્ટર્ડ છે, તો તે વક્ફ ગણાશે. જેના પર CJIએ કહ્યું કે, વક્ફ બાય યુઝર સંપત્તિઓને રદ કરવામાં આવી તો તે ગંભીર મુદ્દો બનશે. 

શિયા જેવા તમામ મુસ્લિમોને સ્થાન મળશેઃ એસજી મહેતા

સુપ્રીમ કોર્ટની સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે, વક્ફ સંશોધન બિલ પર વિચાર વિમર્શ માટે જેપીસીની રચના કરવામાં આવી હતી. જેમાં 38 બેઠકો યોજાઈ, 92 લાખ બાબતોની તપાસ કરી. લોકસભા અને રાજ્યસભામાં વક્ફ સંશોધન બિલને મંજૂરી મળ્યા બાદ રાષ્ટ્રપતિએ મહોર લગાવી હતી.  નવા વક્ફ કાયદામાં હવે શિયાને પણ સ્થાન મળશે. પહેલા માત્ર સુન્નીને સ્થાન મળતુ હતું.

કલેક્ટર વિશે શું કહ્યું સિબ્બલે? 

કપિલ સિબ્બલે પ્રશ્ન ઉઠાવ્યો કે કાયદામાં કલેક્ટરને કઈ જમીન વકફ છે અને કઈ નથી તે નક્કી કરવાની સત્તા આપવામાં આવી છે. જો કોઈ વિવાદ હશે, તો સરકારનો આ માણસ નિર્ણય લેશે, એટલે કે, તે પોતે જ પોતાના કેસમાં ન્યાયાધીશની ભૂમિકા ભજવશે. આ સંપૂર્ણપણે ગેરબંધારણીય છે.

હું વક્ફ બાય યૂઝર ન બની શકું એ કહેનારા તમે કોણ : સિબ્બલ 

કપિલ સિબ્બલે વક્ફ કાયદાનો વિરોધ કરતા કહ્યું કે પહેલા ફક્ત મુસ્લિમો જ બોર્ડનો ભાગ બની શકતા હતા પરંતુ હવે હિન્દુઓ પણ તેનો ભાગ બનશે. કલમ 26 કહે છે કે બધા સભ્યો મુસ્લિમ હશે. કાયદાના અમલ પછી, વકફ ડીડ વિના કોઈ વકફ ન બનાવી શકાય. સરકાર કહે છે કે વિવાદના કિસ્સામાં સરકારનો એક અધિકારી તપાસ કરશે. આ ગેરબંધારણીય છે. વકફ કાયદા વિરુદ્ધ દલીલ કરતાં સિબ્બલે કહ્યું કે આ સંપૂર્ણ સરકારી ટેકઓવર છે. તમે કોણ છો એવું કહેવાવાળા કે હું વકફ બાય યૂઝર ન બની શકું. મુસ્લિમોએ હવે વકફ બનાવવા માટે દસ્તાવેજો રજૂ કરવા પડશે.

દાન એ ઈસ્લામની જરૂરી પ્રથા : રાજીવ ધવન 

વરિષ્ઠ વકીલ રાજીવ ધવને કહ્યું કે અરજદારોની દલીલ એ છે કે વક્ફ ઈસ્લામ ધર્મનો આધાર અને ફરજિયાત છે. દાન કરવું ઈસ્લામમાં જરૂરી પ્રથા છે. વક્ફનો સુધારેલો કાયદો રાજ્યની તરફેણમાં છે અને તે ધર્મ પરથી નિયંત્રણ ગુમાવવાનું કારણ બને છે. 

કપિલ સિબ્બલની મહત્ત્વપૂર્ણ દલીલો 

વક્ફની મોટાભાગની મિલકતો અને જમીનો 100 વર્ષ પહેલા વક્ફ કરવામાં આવી હતી. તો પછી આના પુરાવા ક્યાંથી લાવીશું. આવા મુદ્દાઓ અનેક રાજ્યોમાં સામે આવશે. સુપ્રીમ કોર્ટે આ મામલે ધ્યાન આપવાની જરૂર છે અને નિર્ણય કરવાની જરૂર છે. 

સરકારે હિન્દુઓના કિસ્સામાં પણ કાયદા બનાવ્યા છે: CJI ખન્ના

સીજેઆઈ સંજીવ ખન્નાએ કહ્યું કે સરકારે હિન્દુઓના કિસ્સામાં પણ કાયદો બનાવ્યો છે. સંસદે મુસ્લિમો માટે પણ કાયદા બનાવ્યા છે. કલમ 26 ધર્મનિરપેક્ષ છે. આ બધા સમુદાયોને લાગુ પડે છે.

શું અધિકારીઓ નક્કી કરશે કે કઈ સંપત્તિ કોની છે? : કપિલ સિબ્બલ

કોર્ટમાં વકફ કાયદાનો વિરોધ કરતા કપિલ સિબ્બલે દલીલ કરી હતી કે જો હું વકફ કરવા માગતો હોઉં તો શું મારે પુરાવા આપવા પડશે કે હું પાંચ વર્ષથી ઇસ્લામનું પાલન કરી રહ્યો છું. જો હું મુસ્લિમ ધર્મમાં જ જન્મ્યો હોઉં તો મારે આ બધું કેમ કરવું પડે?  મારો પર્સનલ લૉ અહીં લાગુ પડશે. આ 26 કરોડ લોકોના અધિકારોનો પ્રશ્ન છે. શું અધિકારીઓ નક્કી કરશે કે કઈ મિલકત કોની છે? આનાથી સરકારી દખલગીરી વધશે.

CJI શું બોલ્યાં? 

સીજેઆઈએ કહ્યું કે સમય ઓછો છે, તમારે ફક્ત મહત્વપૂર્ણ બાબતો વિશે જ વાત કરવી જોઈએ.

વકફ કાયદો મુસ્લિમ ઉત્તરાધિકારનું ઉલ્લંઘન છે: કપિલ સિબ્બલ

સુપ્રીમ કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન, કપિલ સિબ્બલે કલમ 26 નો હવાલો આપતા કહ્યું કે વકફ કાયદો મુસ્લિમ ઉત્તરાધિકારનું ઉલ્લંઘન કરે છે. વકફ કાયદો ધાર્મિક બાબતોમાં દખલગીરી કરે છે. 

Tags :