કેરળમાં 100 વર્ષ જૂના ગામ પર વક્ફ બોર્ડનો દાવો, 610 પરિવારો સામે બેઘર થવાનું જોખમ
Kerala: કેરળમાં માછીમારોનું એક સુંદર ગામ છે ચેરાઈ. સમુદ્ર કિનારે ચેરાઈ તેના બીચ રિસોર્ટ્સની સાથે પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. પરંતુ આ ગામના 610 પરિવારો પલાયનના ડર હેઠળ જીવી રહ્યા છે. તેમને જણાવાયું છે કે તેમની જમીન અને સંપત્તિ પર વક્ફ બોર્ડે દાવો કર્યો છે. મોદી સરકાર વક્ફ બોર્ડના કાયદામાં સુધારો લાવી રહી છે ત્યારે આ આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે.
કેરળમાં અંદાજે 100 વર્ષ જૂનું આ ગામ કાયદાકીય વિવાદોમાં ફસાયેલું હોવાથી ગામવાસીઓ વર્ષ 2022થી જ પોતાની જમીન પર લોન નથી લઈ શકતા કે તેને વેચી પણ નથી શકતા.
ગ્રામજનો વકફ બોર્ડ એક્ટમાં સુધારાની માંગ
સિરો-માલાબાર ચર્ચ અને કેરળ કેથોલિક બિશપ કાઉન્સિલ જેવા અગ્રણી ખ્રિસ્તી સંગઠનોએ વક્ફ (સુધારા) બિલના સંબંધમાં રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ને પત્ર મોકલીને વક્ફ કાયદા 1995માં સુધારા માટે તેમના સૂચનો કર્યા છે.
ગામવાસીઓનું કહેવું છે કે વર્ષ 2022 સુધી બધું એકદમ સામાન્ય ચાલતું હતું. પરંતુ અમને અચાકન જણાવાયું કે જે જમીન પર અમે વર્ષોથી રહીએ છીએ તે હવે અમારી નથી રહી. અમે આ ઘર, આ જમીન છોડી શકીએ નહીં. તે અમારી છે.
એક ગામવાસી સીનાએ કહ્યું કે તેમનું ઘર જ તેમના જીવનની એકમાત્ર કમાણી છે. મારા પતિ માછીમાર છે. વર્ષોની મહેનત પછી તેમણે આ ઘર બનાવ્યું છે. અમારી પાસે આ ઘર સિવાય કશું નથી. સરકારે વકફ બોર્ડ કાયદામાં સુધારો કરવો જોઈએ અને અમારી સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ. આ ગામના દરેક ઘરની આવી જ સમસ્યા છે.
ગામવાસીઓ પાસે તેમની જમીન અને ઘર સંબંધિત દસ્તાવેજો પણ છે. આ દસ્તાવેજો ઘર અને જમીન તેમના હોવાનું જણાવવા માટે પર્યાપ્ત છે. મોદી સરકાર વકફ કાયદામાં સુધારા માટેનું બિલ રજૂ કરતાં ગામવાળાઓને આશા બંધાઈ છે કે જેપીસીને લખેલા પત્રથી તેમની સમસ્યાનો ઉકેલ આવી શકશે.
ગામવાસીઓનું કહેવું છે કે તેઓ 100 વર્ષ કરતાં પણ વધુ સમયથી આ ગામમાં રહે છે. ગામવાસીઓ મુજબ આ જમીન 1902માં સિદ્દીકી સૈતે ખરીદી હતી અને પાછળથી 1950માં ફારુક કોલેજને દાન કરી દીધી હતી. માછીમારો અને કોલેજ વચ્ચે લાંબા સમયથી ચાલતા વિવાદનો 1975માં અંત આવ્યો હતો.
તે સમયે હાઈકોર્ટે કોલેજની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો. ત્યાર પછી 1989થી સ્થાનિક લોકો કોલેજ પાસેથી જમીન ખરીદી રહ્યા છે. જોકે, 2022માં વિલેજ ઓફિસે અચાનક દાવો કર્યો કે ગામ વકફ બોર્ડની જમીન પર બનાવાયું છે. ત્યાર પછી તેમને સંપત્તિ વેચવા અથવા ગીરવે રાખતા અટકાવી દેવાયા છે.