વિપક્ષને વાંકુ પડતાં વકફ બોર્ડ બિલ લોકસભામાં અટવાયું, જેપીસીમાં મોકલાયું

Updated: Aug 9th, 2024


Google NewsGoogle News
વિપક્ષને વાંકુ પડતાં વકફ બોર્ડ બિલ લોકસભામાં અટવાયું, જેપીસીમાં મોકલાયું 1 - image


- વકફ બિલનું સમર્થન કરો, કરોડો મુસ્લિમોની દુઆ મળશે : કિરણ રિજિજુ

- વકફ બોર્ડમાં સુધારાનો અમને અધિકાર, બંધારણની કોઈ જોગવાઈનો ભંગ નથી થયો, ધર્મમાં કોઈ દખલ નથી કરાઈ : કેન્દ્ર

- સરકાર ધાર્મિક સ્વતંત્રતાનો ભંગ કરે છે, વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી બિલ લવાયું : કોંગ્રેસ

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે બુધવારે વકફ બોર્ડ એક્ટમાં ફેરફાર માટેનું વકફ (સુધારા) બિલ લોકસભામાં રજૂ કર્યું હતું. આ બિલ અંગે સંસદમાં ભારે હોબાળો થયો હતો. જોકે, વિપક્ષ સાથે ઉગ્ર ચર્ચા પછી આ બિલને વધુ ચર્ચા-વિચારણા માટે જેપીસીને મોકલી અપાયું હતું. લઘુમતી બાબતોના મંત્રી કિરણ રિજિજુએ આ બિલની જરૂરિયાત પર ભાર મૂકતા કહ્યું કેટલાક લોકોએ વકફ બોર્ડ પર કબજો કરી રાખ્યો છે. સામાન્ય મુસ્લિમોને ન્યાય અપાવવા માટે જ આ બિલ લવાયું છે. એટલું જ નહીં વકફના નામે એવી જમીનો પર કબજો કરાયો છે જ્યાં કોઈ મુસ્લિમ નહોતું તેમજ સરકારી ઈમારતો પણ પચાવી પાડવામાં આવી છે અને કરોડો રૂપિયાના કૌભાંડ કરાયા છે.

વકફ (સુધારા) બિલ ૨૦૨૪ ગુરુવારે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. લોકસભામાં વિપક્ષ સાથે ઉગ્ર ચર્ચા વચ્ચે સરકારે ખાતરી આપી હતી કે આ બિલનો આશય મસ્જિદોના સંચાલનમાં દખલ કરવાનો નથી. બીજીબાજુ વિપક્ષે આ બિલને મુસ્લિમોને ટાર્ગેટ કરવા અને બંધારણ પર હુમલા સમાન ગણાવ્યું હતું. જોકે, આ બિલ સરકારે આ બિલ જેપીસીને મોકલવાની તૈયારી દર્શાવતા લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું હતું કે, તેઓ સંયુક્ત સંસદીય સમિતિની રચના માટે બધા જ પક્ષોના નેતાઓ સાથે ચર્ચા કરશે.

લોકસભામાં ગુરુવારે લઘુમતી બાબતોના કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ બિલ રજૂ કરવાની સાથે જ વિપક્ષ ઈન્ડિયા ગઠબંધને તેનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસ સાંસદ કેસી વેણુગોપાલે આક્ષેપ કર્યો કે સરકાર ધાર્મિક સ્વતંત્રતાના અધિકારનો ભંગ કરી રહી છે અને આ બિલ આગામી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને લાવવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે ઉમેર્યું કે, ભાજપને લોકસભા ચૂંટણીમાં જનતાએ વિભાજનકારી નીતિ બદલ બોધપાઠ ભણાવ્યો છે, પરંતુ તેણે મહારાષ્ટ્ર સહિતના રાજ્યોની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ મુદ્દો ઉઠાવ્યો છે.

સમાજવાદી પક્ષના વડા અને સાંસદ અખિલેશ યાદવે કહ્યું કે, આ બિલ ભાજપના કટ્ટર સમર્થકોને ખુશ કરવા માટે રજૂ કરાયું છે. વકફ બોર્ડમાં બિન મુસ્લિમોનો સમાવેશ કરવાનો શું અર્થ છે ? જ્યારે અન્ય ધાર્મિક સંસ્થાઓમાં તેમ નથી કરાયું?

જોકે, લઘુમતિ બાબતોના મંત્રી કિરણ રિજિજુએ વિપક્ષને આ બિલનું સમર્થન કરવાનું વિનંતી કરતા કહ્યું કે, માત્ર કેટલાક લોકોએ વકફ બોર્ડ પર કબજો કરી રાખ્યો છે. સામાન્ય મુસ્લિમને ન્યાય નથી મળી રહ્યો, તેને યોગ્ય કરવા માટે આ બિલ લવાયું છે. આ બિલનું કોણે સમર્થન કર્યું અને કોણે વિરોધ કર્યો તે ઈતિહાસમાં નોંધાશે. અમે આ બિલને સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ને મોકલવાની ભલામણ કરી છે. 

કિરણ રિજિજુએ કહ્યું કે કેન્દ્ર સરકારને આ બિલ લાવવાનો અધિકાર છે. આ બિલમાં બંધારણની કોઈપણ જોગવાઈનો ભંગ નથી કરાયો. કોઈપણ ધર્મમાં દખલ નથી કરાયો. કોઈનો અધિકાર આંચકી લેવાયો નથી. તેમણે સુપ્રીમ કોર્ટના એક નિર્ણયનો પણ ઉલ્લેખ કરાયો હતો અને કહ્યું કે આ કોંક્રિટમાં છે. વકફ અમેન્ડમેન્ટ બિલ અંગ્રેજોના જમાનાથી આઝાદી પછીના સમય સુધી અનેક વખત રજૂ થયું છે. આ એક્ટ સૌથી પહેલાં ૧૯૫૪માં લવાયો હતો, પરંતુ તેનો હેતુ પૂરો થયો નહોતો. ૧૯૫૫માં વકફ અમેન્ડમેન્ટમાં જે જોગવાઈઓ લવાઈ હતી, તેની લોકોએ અલગ અલગ રીતે સમીક્ષા કરી.  વકફ બોર્ડ પર કેટલાક લોકોએ કબજો જમાવી દીધો છે. ગરીબોને ન્યાય નથી મળતો.  

તેમણે ઉમેર્યું કે, આપણે ચૂંટાયેલા પ્રતિનિધિ છીએ. આ બિલનું સમર્થન કરો. કરોડો લોકોની દુઆ મળશે. ઈતિહાસમાં નોંધાશે કે કોણે આ બિલનું સમર્થન કર્યું હતું અને કોણે નહોતું કર્યું. કોંગ્રેસના સમયમાં પણ વકફ કાયદામાં રહેલી ખામીઓ અંગે સવાલો ઉઠયા હતા, પરંતુ તમારામાં આ બિલ લાવવાની હિંમત નહોતી. અમારામાં એ હિંમત છે. તેથી અમે આ બિલ લાવ્યા છીએ અને અમે તેમાંથી પીછેહઠ નહીં કરીએ. તેમણે ખાતરીપૂર્વક કહ્યું કે, વકફ બોર્ડની આવકનો ઉપયોગ માત્ર મુસ્લિમ સમાજના કલ્યાણ માટે જ થશે. આ મારું સદનસીબ છે કે એક બિન મુસ્લિમ તરીકે મને મુસ્લિમોના કલ્યાણ માટેનું બિલ રજૂ કરવાની તક મળી છે.

વકફ બોર્ડ બિલ ગરીબો માટે લાભદાયક : ભારતીય હજ સંઘ

લોકસભામાં રજૂ કરવામાં આવેલા વકફ (સુધારા) બિલ ૨૦૨૪નો વિપક્ષ ભારે વિરોધ કરી રહ્યો છે ત્યારે ભારતીય હજ સંઘે આ બિલનું સ્વાગત કર્યું છે અને તેને ભારત સરકારની મોટી પહેલ ગણાવી છે. ભારતીય હજ સંઘના અધ્યક્ષ એ અબૂ બકરે આ બિલને મહિલા સશક્તિકરણ માટે સારુંગણાવતા કહ્યું કે તે ગરીબો માટે મદદરૂપ સાબિત થશે. ભારતીય હજ એસોસિએશન તરફથી અમે સંસદમાં રજૂ કરાયેલા સુધારાનું સ્વાગત કરીએ છીએ. વકફ બોર્ડ એક્ટ ઘણો જૂનો થઈ ગયો છે, જેમાં કેટલાક સુધારાની જરૂર છે. ભારત સરકારે વકફ સુધારા બિલને સંસદમાં રજૂ કરીને મોટી પહેલ કરી છે. ભારતીય હજ સંઘના અધ્યક્ષે આ બિલનો વિરોધ કરનારાની ટીકા કરતા કહ્યું કે કેટલાક સંગઠન અને રાજકીય પક્ષો મોટા પાયે તેનો વિરોધ કરી રહ્યા છે, પરંતુ આ બિલ મહિલા સશક્તિકરણ અને ગરીબોની મદદ માટે ઘણું સારું હશે.


Google NewsGoogle News