Get The App

રાજસ્થાનમાં આજે 199 બેઠકો પર મતદાન કોંગ્રેસ-ભાજપ વચ્ચે ખરાખરીની ટક્કર

Updated: Nov 25th, 2023


Google NewsGoogle News
રાજસ્થાનમાં આજે 199 બેઠકો પર મતદાન  કોંગ્રેસ-ભાજપ વચ્ચે ખરાખરીની ટક્કર 1 - image


- દર પાંચ વર્ષે સત્તા પરિવર્તનની પરંપરા તુટશે કે નહીં તે જનતા નક્કી કરશે

- 1.80 કરોડ યુવાઓ સહિત સવા પાંચ કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ કરી 1862 ઉમેદવારોના ભવિષ્યનો ફેસલો કરશે

- ગેહલોત, પાયલોટ, સીપી જોશી, વસુંધરા, રાજ્યવર્ધન રાઠોડ, દિયા કુમારી, હનુમાન બેનિવાલ પણ મેદાનમાં

જયપુર : રાજસ્થાનમાં શનિવારે વિધાનસભાની ચૂંટણીનું મતદાન થશે. વિધાનસભાની તમામ ૨૦૦માંથી ૧૯૯ બેઠકો પર મતદાન યોજાશે. કોંગ્રેસના એક ઉમેદવારના નિધનને પગલે એક બેઠક પર ચૂંટણી મોકુફ રાખવામાં આવી છે. બાકીની તમામ બેઠક પર સવારે સાત વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી મતદાન યોજાશે. દર પાંચ વર્ષે સરકાર બદલી નાખવાની રાજસ્થાનની પરંપરાને સત્તાધારી કોંગ્રેસ તોડીને સત્તા જાળવી રાખવાનો પ્રયાસ કરી રહી છે. જ્યારે ભાજપ કોંગ્રેસને સત્તામાંથી કાઢવા માટે પુરા જોશથી પ્રચાર કરી રહી હતી. રાજ્યમાં શવિવારે એક જ તબક્કામાં મતદાન પૂર્ણ કરી લેવામાં આવશે. જ્યારે ત્રણ ડિસેમ્બરના રોજ અન્ય રાજ્યોની સાથે રાજસ્થાનના ચૂંટણી પરીણામો પણ જાહેર કરવામાં આવશે.  

રાજસ્થાનમાં આ વખતની ચૂંટણીમાં ૧૮૬૨ ઉમેદવારો મેદાનમાં છે. રાજ્યના સવા પાંચ કરોડથી વધુ મતદારો આ ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરશે. આ તમામ સવા પાંચ કરોડ મતદારોમાં ૧.૮ કરોડ જેટલા મતદારોની સરેરાશ વય ૧૮થી ૩૦ વર્ષની છે. જેમાં ૨૨ લાખથી વધુ નવા યુવા મતદારો ઉમેરાયા છે.  મુખ્યમંત્રી અશોક ગેહલોત, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ગોવિંદસિંહ, વિધાનસભાના સ્પીકર  સીપી જોશી, અનેક મંત્રીઓ, ઉપમુખ્યમંત્રી સચીન પાયલોટ વગેરે પણ ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે ભાજપના વિપક્ષના નેતા રાજેન્દ્ર રાઠોડ, પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે, સાંસદ દીયા કુમારી, રાજ્યવર્ધનસિંહ રાઠોડ, કિરોડીલાલ મીણા કોંગ્રેસના ઉમેદવારોને ટક્કર આપશે. ભાજપે ૫૯ ધારાસભ્યો, લોકસભાના છ અને રાજ્યસભાના એક સાંસદને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસે ૯૭ ધારાસભ્યોને ટિકિટ આપી છે. 

નાગૌરના સાંસદ અને રાષ્ટ્રીય લોકતાંત્રીક પાર્ટી (આરએલપી)ના કન્વેનર હનુમાન બેનિવાલ પણ વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે. આરએલપી ભીમ આર્મીના ચીફ ચંદ્રશેખર આઝાદની આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ) સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડી રહી છે. ભાજપ તમામ બેઠકો પર એકલા જ ચૂંટણી લડી રહી છે, જ્યારે કોંગ્રેસે ભરતપુરની એક બેઠક સાથીપક્ષ રાષ્ટ્રીય લોકદળ (આરએલડી) માટે ખાલી રાખી છે. ભરતપુર બેઠક પર હાલ આરએલડીના સુભાષ ગર્ગ ધારાસભ્ય છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીની ટક્કર જોવા મળશે, જોકે સીપીઆઇ(એમ), આરએલપી, ભારત આદિવાસી પાર્ટી, ભારતીય ટ્રાઇબલ પાર્ટી, આમ આદમી પાર્ટી, એઆઇએમઆઇએમ પણ ચૂંટણી લડી રહી છે. કોંગ્રેસ અને ભાજપ બન્ને પક્ષોના આશરે ૪૦ જેટલા બળવાખોર ધારાસભ્યો પણ ચૂંટણી લડી રહ્યા છે. 

કોંગ્રેસ, ભાજપ ઉપરાંત આ પક્ષો મેદાનમાં

હાલમાં રાજસ્થાનની ૨૦૦ બેઠકોમાંથી કોંગ્રેસ પાસે ૧૦૭, ભાજપ પાસે ૭૦, આરએલપી પાસે ત્રણ, બીટીપી અને સીપીઆઇએમ પાસે બે, આરએલડી પાસે એક બેઠક છે જ્યારે ૧૩ અપક્ષ ધારાસભ્યો છે. ઉદયપુર અને કરણપુરની બે બેઠકો ખાલી પડી છે. અત્યાર સુધી અશોક ગેહલોત અને સચીન પાયલોટ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો, આ વિવાદને ભાજપે પોતાના પ્રચારનો મુદ્દો પણ બનાવ્યો છે. એવામાં મતદાનના એક દિવસ અગાઉ અશોક ગેહલોત અને પાયલોટે સાથે હોવાનો સંદેશો આપતો એક વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં સચીન પાયલોટ જનતાને કોંગ્રેસને જીતાડવાની અપીલ કરી રહ્યા છે. આ વીડિયોને અશોક ગેહલોત દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે.

ગ્રામ્યમાં 41 હજાર, શહેરોમાં દસ હજારથી વધુ મતદાન મથકો તૈયાર

રાજ્યભરમાં ૩૬,૧૦૧ સ્થળોએ મતદાન મથકો તૈયાર કરાયા છે. ગ્રામ્ય વિસ્તારમાં ૪૧ હજારથી વધુ જ્યારે શહેરી વિસ્તારમાં દસ હજારથી વધુ મથકો તૈયાર કરાયા છે. જેને જિલ્લાના કન્ટ્રોલરૂમથી મોનિટર કરવામાં આવશે, સમગ્ર રાજ્યમાં ૬૫,૨૭૭ બેલોટ યુનિટ્સ, ૬૨,૩૨૭ કન્ટ્રોલ યુનિટ, ૬૭,૫૮૦ વીવીપીએટી મશીન તૈનાત કરવામાં આવ્યા છે. જેનો ઉપયોગ મતદાન માટે થશે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં અર્ધ સૈન્ય દળો અને પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.


Google NewsGoogle News