લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં 60.96 ટકા મતદાન થયું, મણિપુરમાં સૌથી વધુ અને યુપીમાં સૌથી ઓછું મતદાન
રાહુલની વાયનાડ સહિત કેરળની તમામ 20 બેઠકો પર આજે ચૂંટણી
Lok Sabha Elections 2024: દુનિયાના સૌથી મોટા લોકતાંત્રિક મહોત્સવની શરૂઆત 19 એપ્રિલે થઈ ચૂકી હતી. આજે લોકસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન થયું. આજે બીજા તબક્કામાં 60.96 ટકા મતદાન થયું છે. બીજા તબક્કામાં 13 રાજ્યોની 88 બેઠકો પર મતદારોએ મતદાન કર્યું. આજે કેરળની તમામ 20 બેઠકો ઉપરાંત કર્ણાટકની 14, રાજસ્થાનની 13, મહારાષ્ટ્રની 8, ઉત્તર પ્રદેશની 8, મધ્ય પ્રદેશની 6, આસામની 5, બિહારની 5, છત્તીસગઢની 3, પશ્ચિમ બંગાળની 3, મણિપુરની 1, ત્રિપુરાની 1 અને જમ્મુ-કાશ્મીરની 1 બેઠક પર ચૂંટણી યોજાઈ હતી.
બીજા તબક્કા (Phase 2 Voting)ની ચૂંટણી માટે કુલ 15.88 કરોડ મતદારો છે જેમાં 8.08 કરોડ પુરુષ અને 7.8 કરોડ મહિલા મતદારોનો સમાવેશ થાય છે. આવતીકાલની ચૂંટણીમાં 34.8 લાખ મતદારો નવા છે જે પ્રથમ વખત પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 20 થી 29 વર્ષના યુવા મતદારોની સંખ્યા 3.28 કરોડ છે. હિટવેવને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે બિહારની ચાર બેઠકોના અનેક મતદાન મથકોમાં મતદાનના સમયમાં વધારો કરાયો હતો.
ભારતીય હવામાન વિભાગે, પશ્ચિમ બંગાળ, ઓડિશા, બિહાર, ઝારખંડ, આંધ્ર પ્રદેશ, તેલંગણા, કર્ણાટક અને ઉત્તર પ્રદેશમાં આગામી પાંચ દિવસ માટે હિટવેવની ચેતવણી આપી છે. આજે કુલ 1202 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. જેમાં 1098 પુરુષો અને102 મહિલા ઉમેદવારો સામેલ છે. ચૂંટણી અને સુરક્ષા કર્મચારીઓને લાવવા લઇ જવા માટે ત્રણ હેલિકોપ્ટર, ચાર સ્પેશિયલ ટ્રેન અને અન્ય 80000 વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ELECTIONS UPDATES
અત્યાર સુધીમાં ક્યાં રાજ્યમાં કેટલું મતદાન?
સાંજે 5 વાગ્યા સુધીમાં મણિપુરમાં સૌથી વધુ 77.97 ટકા અને યુપીમાં સૌથી ઓછું 53.12 ટકા મતદાન થયું છે.
3: 30 PM | સુપ્રીમ કોર્ટના નિર્ણય પર બોલ્યા અખિલેશ યાદવ
VVPAT અને બેલેટ પેપર પર સુપ્રીમ કોર્ટના નિર્ણય પર સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે કહ્યું હતું કે, 'લડાઈ નહીં અટકે... લડાઈ ચાલુ રહેશે... દુનિયાના તમામ દેશો ઈવીએમનો ઉપયોગ કરતા નથી... કોર્ટે ચુકાદો આપ્યો, અમે તેને સ્વીકારીશું પરંતુ અમારી લડાઈ અટકશે નહીં...લોકોને અપીલ છે કે વિપક્ષને જીતાદો અને EVMને હટાવો.'
1: 55 PM | બેંગલુરુમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે અથડામણ
બેંગલુરુના આનેકલમાં પોલિંગ બૂથ પાસે હંગામો થયો હતો. અહીં કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ થઈ હતી. જો કે ઘટના બાદ થોડીવારમાં જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક કાર્યકર્તા અહીં બૂથની બહાર વોટ માંગવા આવ્યા હતા. જે બાદ ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ એકબીજા સાથે અથડાયા હતા.
1: 30 PM | મતદાન દરમિયાન બે વૃદ્ધોના મોત
કેરળના પલક્કડ જિલ્લાના ઓટ્ટાપલમમાં મતદાન બાદ એક વૃદ્ધનું મોત થયું હતું. આ ઉપરાંત રાજસ્થાનના ભીલવાડામાં પણ 75 વર્ષીય એક વૃદ્ધને ચક્કર આવતા નીચે પડી ગયા હતા. આ પછી લોકો તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ સારવાર પહેલા જ વૃદ્ધનું મૃત્યું થયું હતું. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વૃદ્ધનું નામ છગનલાલા વાઘેલા જાણવા મળ્યું હતું.
12: 45 PM | UPમાં નકલી સીબીઆઈ ઈન્સ્પેક્ટર ઝડપાયો
ઉત્તર પ્રદેશના હાપુડમાં પોલિંગ બૂથની બહારથી નકલી સીબીઆઈ ઈન્સ્પેક્ટરની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના ડ્રેસમાં એક કારમાં આવેલા નકલી ઈન્સ્પેક્ટર પોતાને ચૂંટણી ફરજ પર તૈનાત હોવાનો દાવો કરી રહ્યો હતો. પરંતુ જ્યારે સ્થળ પર હાજર અધિકારીઓને તેના પર શંકા ગઈ અને તેની પૂછપરછ કરી તો સમગ્ર ઘટનાનો ખુલાસો થયો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ધરપકડ કરાયેલા વ્યક્તિનું નામ અંકિત જાણવા મળ્યું છે. તેની કારના આગળના ભાગમાં ઉત્તર પ્રદેશ સરકાર લખેલું છે. અને તેની પાસેથી નકલી આઈડી કાર્ડ મળી આવ્યું છે, જેને બતાવીને તે મતદાન મથકની તપાસ કરવા જઈ રહ્યો હતો.
12: 30 PM | ઈસરો ચીફે મતદાન કર્યું
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના ચીફ એસ સોમનાથે કેરળના તિરુવનંતપુરમમાં મતદાન કર્યું હતું.
10: 25 AM | પશ્ચિમ બંગાળમાં મતદાન દરમિયાન અથડામણ
પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન દરમિયાન અથડામણનો મામલો સામે આવ્યો છે. બલૂરઘાટના એક મતદાન મથક પર પહોંચેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુકાંત મજુમદારની સામે 'ગો બેક'ના નારા લગાવવામાં આવ્યા હતા. અહીં તૃણમૂલ (TMC)ના કાર્યકર્તાઓએ સુકાંત મજુમદારનો વિરોધ કર્યો છે. તૃણમૂલના કાર્યકરોનો આરોપ છે કે ભાજપ ઉમેદવારે અહીં તણાવ પેદા કરવાનો પ્રયાસ કર્યો છે. જ્યારે સુકાંત મજુમદારનો આરોપ છે કે ટીએમસીના કાર્યકરોએ તેમના પોલિંગ બૂથ એજન્ટને માર માર્યો હતો. આ ઉપરાંત તેમણે એવો પણ દાવો કર્યો છે કે ટીએમસી કાર્યકર્તાઓ મતદાન કેન્દ્રના 100 મીટરની અંદર તેમની વિરુદ્ધ એકઠા થયા હતા.
09: 25 AM |અનેક જગ્યાએ ઈવીએમમાં ખામી
આજે લોકસભા 2024ની ચૂંટણીના બીજા તબક્કામાં દેશની 12 રાજ્યોની 88 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. ઘણી જગ્યાએ EVM ખરાબ થવાની ફરિયાદો સામે આવી છે. પૂર્ણિયાના બૂથ નંબર 263માં ઈવીએમમાં ખામી સર્જાતા હજુ મતદાન શરૂ થયું નથી.
09: 00 AM | રાહુલ દ્રવિડ-કુંબલે અને અશોક ગેહલોતે મતદાન કર્યું
ભારતના પૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડ-કુંબલેએ બેંગ્લોરમાં જ્યારે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે જોધપુરમાં મતદાન કર્યું.
07:50 AM | આ દિગ્ગજોનું ભાવિ દાવ પર
આજે બીજા તબક્કાના મતદાનમાં અનેક દિગ્ગજોનું રાજકીય ભાવિ દાવ પર છે. તેમાં રાહુલ ગાંધી (કોંગ્રેસ) - વાયનાડ, શશિ થરૂર (કોંગ્રેસ) - તિરુવનંતપુરમ, એચડી કુમારસ્વામી (જેડીએસ) - મંડ્યા, હેમા માલિની (ભાજપ) - મથુરા, અરુણ ગોવિલ (ભાજપ) - મેરઠ, ઓમ બિરલા (ભાજપ) - કોટા, બઘેલ (કોંગ્રેસ) - રાજનાંદગાંવ જેવા ભૂપેશ દિગ્ગજોનો સમાવેશ થાય છે.
07:45 AM | રાજસ્થાનના પૂર્વ સીએમ અને ભાજપના દિગ્ગજ નેતા વસુંધરા રાજેએ કર્યું મતદાન
07:30 AM | કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ મતદાન કરવા પહોંચ્યા
આ પણ વાંચો : લોકસભા ચૂંટણીના પહેલા તબક્કામાં કુલ 59.71 ટકા થયું વોટિંગ, જાણો ક્યાં કેટલું થયું મતદાન